ખાસ-ખબર સંવાદદાતા
બાળ અધિકારો માટે કામ કરતી સર્વોચ્ચ સંસ્થા નેશનલ કમીશન ફોર પ્રોટેકશન ઓફ ચાઈલ્ડ રાઈડસ એ બુધવારે પેરેન્ટ કંપની મોન્ડલિઝને બોર્નવિટાની તમામ ગેરમાર્ગે દોરતી એડ, પેકેજીંગ અને લેબલ્સ બંધ કરવાનો નિર્દેશ કર્યો છે. એક વિડીયોમાં ‘હેલ્થ ડ્રીક’ બોર્નવિટામાં ખાંડનું પ્રમાણ ઘણું વધારે હોવાથી આ પગલું લેવાયું હતું. એનસીપીસીઆરએ મોન્ડીલીઝને નોટીસ ફટકારી સાત દિવસમાં આ મુદ્દા માટેની સમીતીને વિસ્તૃત અહેવાલ સુપરત કરતા જણાવાયું હતું. એક સોશિયલ મીડીયા ઈન્ફલુએન્સરે બોર્નવિટામાં ખાંડનું પ્રમાણ વધારે હોવાનો આરોપ મુકતા વિવાદ થયો હતો અને તેને પગલે કંપનીને નોટીસ આપવામાં આવી હતી. મોન્ડીલીઝ ઈન્ડીયાએ કાનૂની નોટીસ આપ્યા પછી ઈન્ફલુએન્સર રેવંત હિંમતસિંગકાએ તમામ પ્લેટફોર્મ્સ પરથી વિડીયો ડિલીટ કરી દીધો હતો. જો કે, એ પહેલાં વિડીયોને લગભગ 1.2 કરોડ વ્યુઝ મળ્યા હતા. એનસીપીસીઆરએ જણાવ્યું હતું કે, ‘અમને ફરિયાદ મળી છે કે, બોર્નવિટા પોતાનો હેલ્થ ડ્રિંક તરીકે પ્રચાર કરે છે. કંપનીના જણાવ્યા અનુસાર આ હેલ્થ ડ્રીંક બાળકોના વિકાસ અને વૃદ્ધિમાં મદદરૂપ બને છે. જો કે, તેમાં ખાંડ અને અન્ય તત્વોનું પ્રમાણ ઘણું વધારે છે.
જેની બાળકના આરોગ્ય પર પ્રતિકુળ અસર થઈ શકે છે.’ મોન્ડીલીઝ ઈન્ટરનેશનલના પ્રેસીડેન્ટ (ભારત) દીપક ઐયરને આપેલી નોટીસમાં એનસીપીસીઆરએ જણાવ્યું હતું કે, ‘તમારી કંપની દ્વારા બનાવાતી પ્રોડકટ પેકેજીંગ અને એડ દ્વારા ગ્રાહકોને ગેરમાર્ગે દોરે છે. કમીશનના મતે સામાન્ય જનતા માટે તમારી પ્રોડકટનું લેબલિંગ, પેકેજીંગ, ડિસ્પ્લે અને એડ ગેરમાર્ગે દોરનારા છે. પ્રોડકટનું લેબલિંગ અને પેકેજીંગ બોર્નવિટા હેલ્થ ડ્રિંકમાં વપરાયેલી સામગ્રીની પણ સાચી માહિતી આપતા નથી.’