અનેક ગુનાને અંજામ આપતા પોલીસે કાયદાનું ભાન કરાવ્યું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના કુખ્યાત બુટલેગર હર્ષદ મહાજનના પુત્ર જેનીશને રાજકોટ પોલીસે પાસામાં ધકેલી દીધો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં દારૂનું મોટું નેટવર્ક ધરાવતા હર્ષદ ઉર્ફે મહાજનના પુત્ર જેનીશ માંડલિયાએ છેલ્લા થોડા સમયમાં મારામારી સહિતના ત્રણેક ગુનાઓ આચર્યા હોય તેને કાયદાનું ભાન કરાવવું જરૂરી હોવાથી પીસીબીએ પાસા વોરંટ તૈયાર કર્યું હતું જેના ઉપર પોલીસ કમિશ્નરે મંજુરીની મહોર લગાવતા પીસીબી પીઆઈ એમ આર ગોંડલીયા અને ટીમે 150 ફૂટ રીંગ રોડ ઉપર આવેલ સુંદરમ શિલ્પ એપાર્ટમેન્ટમાં રહેતા જેનીશ હર્ષદભાઈ ઉર્ફે મહાજન માણેકલાલ માંડલીયાની ધરપકડ કરી પાસા તળે અમદાવાદ સાબરમતી જેલમાં ધકેલી દીધો છે. ગુરુવારે મોડી રાત્રે અયોધ્યા ચોક પાસે આવેલી સિનર્જી હોસ્પિટલ પાસે પાનની દુકાને કૂખ્યાત બૂટલેગર હર્ષદ મહાજનના પુત્ર જેનીશ અને તેના મિત્રોએ નશાની હાલતમાં લોકોને ગાળો ભાંડી સોડા-બાટલીના ઘા કર્યા હતા. તેમજ આ ટોળકીએ ધમાલ મચાવતા ત્યાં ઉભેલા એક યુવાનને લાફો મારી બાદ છરીના ઘા ઝીંક્યા હતા. તેમજ અન્ય સ્થળે જઇને પણ સોડા બાટલી ઘા કરી સામાન્ય લોકોને હેરાન પરેશાન કરતા હોવાનું ખુલ્યુ હતુ. આ ટોળકી છેલ્લા કેટલાક સમયથી અયોધ્યા ચોક અને સિનર્જી રોડ વિસ્તારમાં ધમાલ કરતા હોવાની પોલીસને ફરિયાદ મળી હતી. આ ટોળકીના અનેક કરતૂતો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. સામાન્ય સામે જોવા જેવી બાબતમાં પણ ગમે તે લોકો સાથે ઝઘડો કરવાની વૃતિ ધરાવતી આ ટોળકીને કાબૂમાં લેવા અનેક લોકોએ ફરિયાદ કરી હતી. ત્યારે પોલીસે તેના ગુનાહિત ઇતિહાસને ધ્યાનમાં રાખીને કાયદાનું ભાન કરાવવા માટે કુખ્યાત બૂટલેગર હર્ષદ મહાજનના પુત્ર જેનીશને પાસામાં ધકેલી
દીધો છે.
24 જુલાઇને ગુરુવારે રાત્રે નશાની હાલતમાં જેનીશ અજમેરા સહિતની ટોળકીએ ધમાલ મચાવી હતી