ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
જેમ જેમ દિવાળી નજીક આવી રહી છે, તેમ તેમ સોના અને ચાંદીના ભાવ વધી રહ્યાં છે. શરૂઆતના સમયમાં સોની બજારમાં મંદી જેવો માહોલ લાગતો હતો પણ હવે ધીમે ધીમે ઘરાકી જોવા મળી રહી છે. સોનાનો ભાવ ભલે 80 હજારે પહોંચી જાય, પરંતુ સોની બજારમાં અત્યારે ચાંદી જ ચાંદી છે. ભાવ વધારાને એકતરફ મૂકીને લોકો ઈન્વેસ્ટમેન્ટના રૂપે સોનાની ખરીદી કરી રહ્યાં છે.
- Advertisement -
સોની બજારમાં છેલ્લા 20થી 25 વર્ષથી સોનાના બિઝનેસ સાથે જોડાયેલા વેપારી મિહિરભાઈએ લોકલ 18ને જણાવ્યું કે, સોનાના ભાવ અત્યારે 80 હજારની નજીક પહોંચી ગયા છે. તેમ છતાં લોકો સોનાની ખરીદી કરી રહ્યાં છે. ધનતેરસ માટે લોકો અત્યારથી જ બુકિંગ કરાવી રહ્યાં છે. આ વર્ષે સોનાના ઘરેણાંમાં પણ અવનવી ડિઝાઇન આવી છે. જેમ કે સોનાની રોઝ ગોલ્ડની વોચ, સોનાના નખ, બ્રેસલેટ, 3 વીંટીવાળા અને 5 વીંટીવાળા હાથના પોચા, સોફા પરની દરબારી કલગી, સોનાનું શ્રીફળ, સોનાના ચોખા, કંદોરા, જુડા, મોટા બલોયા, નામના પેન્ડલ, ડિઝાઈનલ તલવાર, સોનાની બુટી, વીંટી, ચેઈન, રોયલ કલેક્શન સહિતની અવનવી વેરાયટી તમને જોવા મળશે.
સોનાના ભાવ વધી ગયા છે, તેમ છતાં સોનાનું વેચાણ વધી રહ્યું છે. છેલ્લા એક મહિનામાં જ સોનાના ભાવમાં ધરખમ ઉછાળો આવ્યો છે. તેમ છતાં ઘરાકી હજુ ટકી રહી હોવાનું સોની વેપારી કહી રહ્યાં છે. જોકે આ વખતે માર્કેટમાં અવનવી ડિઝાઇનના ઘરેણા આવ્યા હોવાથી લોકો સોનાની ખરીદી તરફ આકર્ષાઈ રહ્યાં છે. બીજી તરફ ધનતેરસનો દિવસે સોનું ખરીદવા માટે ખુબ જ શુભ માનવામાં આવે છે. આ વર્ષે 29 ઓક્ટોબરે ધનતેરસ છે. આ દિવસે સોના-ચાંદીની ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવતી હોવાથી લોકો અત્યારથી સોનાનું બુકિંગ કરાવી રહ્યાં છે.