ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.19
ચૂંટણી બોન્ડની વિગતો જાહેર થતા જ હવે પક્ષો તેમને દાન આપનારાઓથી છેડો ફાડી રહ્યા છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના જનતા દળ-યુનાઈટેડે કહ્યું છે કે આ બોન્ડ આપનારા દાતા અંગે તેમની પાસે કોઈ માહિતી નથી. જદયુએ તો ત્યાં સુધી કહી દીધું છે કે વર્ષ 2019માં તેમની ઓફિસમાં કોઈ કવર મૂકી ગયું હતું. કવર ખોલીને જોયું તો તેમાં રૂ. 10 કરોડના ચૂંટણી બોન્ડ હતા, જેને પક્ષે થોડાક દિવસમાં વટાવી લીધા હતા. તેમણે આ દાન આપનારા અંગે માહિતી મેળવવાનો કોઈ પ્રયત્ન કર્યો નહોતો.
ચૂંટણી પંચે વિવિધ રાજકીય પક્ષો દ્વારા સોંપવામાં આવેલા સેંકડો સીલબંધ કવર અંગેની માહિતી જાહેર કરી દીધી છે. બિહારના શાસક જદ-યુએ ચૂંટણી પંચ સમક્ષ કરેલા ફાઈલિંગ મુજબ તેને કુલ રૂ. 24 કરોડથી વધુનું દાન ચૂંટણી બોન્ડ મારફત મળ્યું છે. પક્ષે ચૂંટણી પંચને જણાવ્યું કે તેને ભારતી એરટેલ અને શ્રી સિમેન્ટ તરફથી ક્રમશ: રૂ. 1 કરોડ અને રૂ. 2 કરોડના ચૂંટણી બોન્ડ મળ્યા હતા.
- Advertisement -
પક્ષના જણાવ્યા મુજબ તેને મળેલા ચૂંટણી બોન્ડમાંથી કેટલાક હૈદરાબાદ અને કોલકાતા સ્થિત ભારતીય સ્ટેટ બેન્કની શાખાઓમાંથી જાહીર કરવામાં આવ્યા હતા અને કેટલાક બોન્ડ પટના સ્થિત એસબીઆઈ શાખામાંથી જારી કરાયા હતા. જેડી-યુએ ચૂંટણી પંચને સૌથી રસપ્રદ જવાબમાં કહ્યું હતું કે, 3 એપ્રિલ 2019ના રોજ પટનાની તેમની ઓફિસમાં કોઈ રૂ. 10 કરોડના ચૂંટણી બોન્ડ આપી ગયું હતું, પરંતુ આ દાન કોણે આપ્યું તે અંગે તેમની પાસે કોઈ માહિતી નથી અને તેમણે તે જાણવાનો પ્રયત્ન પણ નથી કર્યો.
પક્ષે કહ્યું કે તે સમયે સુપ્રીમ કોર્ટનો આવો કોઈ આદેશ નહોતો. ભારત સરકારના ગેઝેટ નોટિફિકેશન મુજબ અમે એસબીઆઈની મુખ્ય શાખામાં એક ખાતું ખોલાવ્યું અને ચૂંટણી બોન્ડ વટાવ્યા. તેના નાણાં 10 એપ્રિલ 2019ના રોજ અમારા પક્ષના ખાતામાં જમા કરાયા હતા.
બીજીબાજુ તૃણમૂલ કોંગ્રેસે કહ્યું કે, તેની પાસે ચૂંટણી બોન્ડ ખરીદનારાની કોઈ માહિતી નથી. તૃણમૂલે 27 મે 2019ના રોજ ચૂંટણી પંચને કહ્યું કે, મોટાભાગના બોન્ડ તેની ઓફિસમાં મોકલાયા હતા. કેટલાક બોન્ડ ડ્રોપ બોક્સમાં મૂકાયા હતા તો કેટલાક મેસેન્જર્સ મારફત મોકાલાયા હતા.
પક્ષને દાન આપનારા મોટાભાગના લોકો અજ્ઞાત રહેવા માગતા હતા. ભાજપે ચૂંટણી બોન્ડની વિગતો આપતી વખતે ચૂંટણી પંચને રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ, 1951 અને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા એક્ટ તથા ઈન્કમ ટેક્સ એક્ટમાં સુધારાની વિગતો ટાંકીને બોન્ડથી તેને દાન આપનારા લોકોની વિગતો જાહેર કરી નથી.
- Advertisement -
ભાજપે ચૂંટણી પંચને કહ્યું કે, ચૂંટણી બોન્ડ યોજના માત્ર બેન્ક ખાતા દ્વારા ભંડોળ મેળવવા માટે તેમજ કોઈપણ વિપરિત પરિણામોથી દાતાઓનું રક્ષણ કરવા માટે લાવવામાં આવી છે. તેથી તેમના નામ જાહેર કરવામાં આવ્યા નથી.
કોંગ્રેેસે ચૂંટણી બોન્ડના દાતાઓની વિગતો પત્ર લખીને એસબીઆઈ પાસે માગી હતી, જેના જવાબમાં એસબીઆઈએ કોંગ્રેસને લખ્યું કે, ચૂંટણી બોન્ડની વિગતો રાજકીય પક્ષો પાસે ઉપલબ્ધ છે. આ સાથે બેન્કે કોંગ્રેેસને બેન્ક ખાતાના સ્ટેટમેન્ટની વિગતો મોકલી હતી, જે તેણે ચૂંટણી પંચને આપી હતી. સમાજવાદી પક્ષે રૂ. 1 લાખથી રૂ. 10 લાખ જેવી નાની રકમના ચૂંટણી બોન્ડ મળ્યાની વિગતો આપી છે. વધુમાં તેણે કહ્યું હતું કે, તેને કોઈપણ નામ વિના પોસ્ટ મારફત રૂ. 1 કરોડના 10 બોન્ડ મળ્યા હતા.