દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરતા નિરવ રાવલની ધરપકડ
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
- Advertisement -
પોરબંદર જિલ્લામાં આરોગ્યને નુકસાન કરતા બોગસ ડોક્ટરો વિરુદ્ધના અભિયાનમાં મહત્વની સફળતા મળી છે. રાણાકંડોરાણા ગામે બે મહિનાથી પ્રેક્ટિસ કરતા નિરવ રાવલ નામના બોગસ ડોક્ટરને પોરબંદર એસ.ઓ.જી. (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) દ્વારા 35,977 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી લેવાયો છે.
નિરવ રાવલ, મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામનો વતની છે અને હાલમાં પોરબંદર શહેરના શીતલા ચોક નજીક જલારામ મંદિરના પાછળ રહે છે. પોલીસે તપાસ કરતા નિરવ પાસે મેડિકલ પ્રેક્ટિસ માટે જરૂરી કાયદેસર લાયકાત કે ડિગ્રી ના હોવાનું બહાર આવ્યું છે.
છતાં, તે બોગસ રીતે ડોક્ટર બની અલગ અલગ પ્રકારની કેપ્સ્યુલ, ઇન્જેક્શન અને દવાઓ આપી દર્દીઓનું ઈલાજ કરી રહ્યો હતો. આ મામલે, એસ.ઓ.જી.ના એ.એસ.આઈ રવિન્દ્ર શાંતીલાલ ચાઉએ ફરિયાદ નોંધાવી છે, જેમાં રાવલ સામે બેદરકારીપૂર્વક મેડિકલ પ્રેક્ટિસ કરવાનો અને લોકોના આરોગ્યને જોખમમાં મુકવાનો આક્ષેપ છે.
35,977 રૂપિયાનું મેડિકલ સાધનો અને દવાઓ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ બોગસ ડોક્ટરની ધરપકડ બાદ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ 1963ની કલમ 30 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.



