સૈનિકો ત્યાં પહોંચે તે પહેલા જ હમાસે આ બંધકોની હત્યા કરી, હજુ પણ ઇઝરાયલના 97 લોકો કેદમા
ખાસ-ખબર ન્યૂઝ રાફા, તા.2
ઇઝરાયલે ગાઝાના રાફામાં હમાસની ટનલમાંથી 6 બંધકોના મૃતદેહ બહાર કાઢ્યા છે. ટાઈમ્સ ઓફ ઇઝરાયલ મુજબ ઇઝરાયલની સેનાએ કહ્યું કે સૈનિકો ત્યાં પહોંચે તે પહેલા જ હમાસે આ બંધકોને નિર્દયતાથી મારી નાખ્યા હતા. માર્યા ગયેલા બંધકોમાં 23 વર્ષીય અમેરિકન મૂળનો ઇઝરાયલનો હર્ષ ગોલ્ડબર્ગ પણ સામેલ હતો. તેમને આ વિસ્તારમાં છ બંધકોની હાજરીના અહેવાલ મળ્યા હતા. જેના કારણે સેના ખૂબ જ સાવધાની સાથે આગળ વધી રહી હતી. શનિવારે (31 ઓગસ્ટ) તેઓએ હમાસની ટનલ શોધી કાઢી. અહીં તપાસ દરમિયાન બંધકોના મૃતદેહ મળી આવ્યા હતા.
- Advertisement -
ઈઝરાયલના આ તમામ લોકોનું 7 ઓક્ટોબર 2023ના રોજ ઇઝરાયલના કિબુત્ઝ બિરી વિસ્તારમાંથી અપહરણ કરવામાં આવ્યું હતું. હમાસે કુલ ઇઝરાયલના 251 નાગરિકોને બંધક બનાવ્યા હતા. જેમાંથી 97 હજુ પણ હમાસની કેદમાં છે. ગયા વર્ષે નવેમ્બરમાં યુદ્ધવિરામમાં 105 બંધકોને મુક્ત કરવામાં આવ્યા હતા. ત્યાં લગભગ 33 લોકોના મોત થયા છે. બીજી તરફ ઇઝરાયલ છેલ્લા 5 દિવસથી વેસ્ટ બેંકમાં ઓપરેશન ચલાવી રહ્યું છે. તુલકાર્મ અને જેનિન શહેરોમાં ઈઝરાયલી સેનાના હુમલામાં અત્યાર સુધીમાં 17 પેલેસ્ટિનિયનના મોત થયા છે.
જેમાં પેલેસ્ટિનિયન ઈસ્લામિક જેહાદનો એક કમાન્ડર પણ સામેલ છે. છેલ્લા એક વર્ષમાં વેસ્ટ બેંકમાં ઇઝરાયલનું આ સૌથી મોટું સૈન્ય ઓપરેશન છે. વેસ્ટ બેંકની શેરીઓમાં બખ્તરબંધ વાહનો તહેનાત છે. તુલકાર્મના નાગરિકોએ જણાવ્યું કે ઇઝરાયલના હુમલાને કારણે તેમના ઘરોમાં ઈન્ટરનેટ, વીજળી અને ટેલિફોન સેવાઓ બંધ કરાઈ છે. લોકો પાસે ખોરાક અને પાણી પણ નથી.
ઇઝરાયલના સૈનિકોએ છુપાયેલા હથિયારોની શોધમાં ઘણા ઘરો પર દરોડા પાડ્યા છે. આ પહેલા 8 જૂને ઇઝરાયલે તેના 4 નાગરિકોને હમાસની કેદમાંથી છોડાવ્યા હતા.
આ દરમિયાન, 270થી વધુ પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા. છોડાવવામાં આવેલા બંધકોમાં નોઆ અર્ગમાની નામની 25 વર્ષની છોકરી હતી, જેને હમાસ આતંકીઓ દ્વારા બળજબરીથી મોટરસાઇકલ પર લઈ જવામાં આવી હતી. ઓપરેશન બાદ હમાસે દાવો કર્યો હતો કે હુમલામાં ત્રણ બંધકો પણ માર્યા ગયા હતા. રિપોર્ટ અનુસાર, અમેરિકન અને ઇઝરાયલની ગુપ્તચર અને સૈન્ય ટીમ સતત ગાઝામાં બંધકોને ડ્રોન, સેટેલાઇટ અને અન્ય પદ્ધતિઓ દ્વારા ટ્રેક કરવાનો પ્રયાસ કરી રહી છે.
- Advertisement -