અર્થામૃત
કોઈ રોગ થયો હોય, દુ:ખ આવી પડે, દુકાળ પડે, શત્રુ જ્યારે કોઈ મુશ્કેલી સર્જે, રાજ્યસભા, સ્મશાન અથવા કોઈના મૃત્યુ સમયે જે વ્યક્તિ સાથ ન છોડે; હકીકતમાં એ જ સાચો મિત્ર છે
- Advertisement -
કથામૃત: વર્ષો પહેલાની આ વાત છે. કોલકત્તામાં બે મિત્રો રહેતા હતા. એકનું નામ રઘુનાથ અને બીજાનું નામ નિમાઇ. બંને ભણવા માટે પણ સાથે જ જાય અને ભણવામાં પણ ખૂબ જ તેજસ્વી. એક વખત રઘુનાથે નિમાઈને કહ્યું, દોસ્ત, મેં ખૂબ જ મહેનત કરીને સંસ્કૃતમાં નવ્યન્યાય પરનો સરસ મજાનો ગ્રંથ લખ્યો છે. તને મારી આ રચના જોઈને આનંદ થશે.” નિમાઈએ કહ્યું, રઘુનાથ, આ વિષય પર મેં પણ એક ગ્રંથ લખ્યો છે. આપણે એક કામ કરીએ રજાના દિવસે હોડીમાં બેસીને ગંગામૈયાના સાંનિધ્યમાં એકબીજાને આપણે લખેલા ગંથમાંથી મહત્ત્વની વાતો સંભળાવીએ.” રઘુનાથે આ વાતને કબૂલ રાખી. રજાના એ દિવસે બંને મિત્રો પોતપોતાના રચેલા ગ્રંથો લઈને નીકળી પડ્યા ગંગાની સફરે. રઘુનાથની ઇચ્છા મુજબ પ્રથમ નિમાઈએ પોતાના ગ્રંથની વિગતો સંભળાવવાની શરૂ કરી. જેમ જેમ વિગતો સાંભળતા ગયા તેમ તેમ રઘુનાથના ચહેરાનું તેજ ઓછું થવા લાગ્યું. નિમાઈ આશ્ચર્યમાં પડી ગયા કે આ રઘુનાથને શું થયું ?
એમણે જ્યારે રઘુનાથને પૂછ્યું ત્યારે રઘુનાથે હસતાં હસતાં કહ્યું, અરે ગાંડા, બીજું કંઈ નથી પણ મેં નવ્યન્યાય પર જે કંઈ લખ્યું છે એ સર્વશ્રેષ્ઠ છે એવું હું માનતો હતો. મેં રચેલા આ ગ્રંથ જેવો બીજો કોઈ ગ્રંથ આ પૃથ્વી પર નહીં હોય અને આ જગત કાયમ માટે મને મારી આ રચના બદલ યાદ કરશે એવું મને લાગતું હતું, પરંતુ આ તારા ગ્રંથની વિગતો સાંભળ્યા પછી મને સમજાયું કે મારી રચના તો તારી પાસે કંઈ જ નથી.” નિમાઈ હોડીમાંથી ઊભા થયા અને પોતાનો ગ્રંથ ઉપાડીને ગંગાના પ્રવાહમાં ફેંકી દીધો. રઘુનાથ જોતો જ રહ્યો. એને એ ન સમજાયુ કે નિમાઈ આ શું કરે છે ? નિમાઈએ જ સ્પષ્ટતા કરતા કહ્યું, મારા મિત્ર, જ્યાં સુધી તારો આ દોસ્ત બેઠો છે ત્યાં સુધી તારી ઇચ્છા પૂરી ના થાય એવું હું નહીં થવા દઉં. દોસ્ત મારી રચનાને કારણે જો તને પ્રસિધ્ધિ ન મળતી હોય તો મારે એવી રચના નથી જોઈતી માટે મેં એ ફેંકી દીધી. હવે દુનિયા તને તારી રચના માટે યાદ કરશે!” આજે રઘુનાથદાસનું આ નવ્યન્યાય લોકો ભણે છે, જેને પોતાના મિત્રને જગપ્રસિધ્ધ કરવા માટે પોતાની મહેનતથી લખેલું પુસ્તક પાણીમાં ફેંકી દિધું તે નિમાઈ એટલે ચૈતન્ય મહાપ્રભુ પોતે. એમની અદ્ભુત રચના ભલે આ વિશ્વએ ગુમાવી પણ મિત્ર માટેનું એમનું સમર્પણ જગત કાયમ યાદ રાખશે.
અનુભવામૃત
- Advertisement -
મારામાં રહેલી ક્ષમતાઓને જે ઉજાગર કરે છે એ મારો સૌથી શ્રેષ્ઠ મિત્ર છે.
– હેન્રી ફોર્ડ