કાતિલ દોરીથી આણંદ, અરવલ્લી અને ભરૂચમાં 5 લોકોના કરુણ મોત નિપજ્યા છે
આણંદમાં 8 વર્ષના બાળકે પિતાની નજર સામે જ જીવ ગુમાવ્યો : રાજ્યમાં 5,000થી વધુ ઇમરજન્સી કેસ નોંધાયા, જે ગત વર્ષ કરતા 734 વધુ છે
- Advertisement -
નવસારી અને જેતપુરમાં અનેક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાતમાં ઉત્તરાયણનો પર્વ હર્ષોલ્લાસની સાથે અનેક પરિવારો માટે પીડાદાયક સાબિત થયો છે. પતંગની ધારદાર દોરી અને અગાસી પરથી પટકાવા જેવી ઘટનાઓને કારણે રાજ્યભરમાં અકસ્માતોની હારમાળા સર્જાઈ છે. 14 જાન્યુઆરી, 2026ના રોજ રાત્રે 9 વાગ્યા સુધીના આંકડા મુજબ, રાજ્યમાં કટોકટીની સ્થિતિમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.
ઉત્તરાયણના દિવસે ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં બનેલી ગંભીર ઘટનાઓ બની હોવાની વિગતો સામે આવી છે. પંચમહાલના હાલોલના દાવડા ગામ પાસે બાઈક લઈને પસાર થઈ રહેલા એક યુવકના મોઢા પર પતંગની દોરી આવી જતા તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. દોરી મોઢામાં ફસાઈ જતા યુવક રોડ પર ઢસડાયો હતો. તેને વધુ સારવાર માટે વડોદરા રીફર કરાયો છે.
જ્યારે નવસારીમાં ગણદેવી રોડ પર નવાગામ પાસે પિતા-પુત્ર બાઈક પર પસાર થઈ રહ્યા હતા. પતંગની દોરી આવતા પુત્રએ તેને પાછળ ફેંકી હતી, જે પાછળ બેઠેલા પિતા સુમનભાઈ નાયકાના નાક અને કાનના ભાગે ફરી વળી હતી. ગંભીર રીતે કપાયેલા આધેડને ખાનગી હોસ્પિટલમાં ઇમરજન્સી સારવાર આપવામાં આવી હતી.
જેતપુરમાં દોરી અને અગાસી પરથી પટકાવાના કિસ્સા: જેતપુરના નવાગઢ રોડ પર એક યુવકને કપાળના ભાગે દોરી વાગતા ઈજા થઈ હતી. જ્યારે જીથુડી રોડ પર 60 વર્ષના એક આધેડનું ગળું કપાતા તેમને સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. તો આ તરફ જેતપુરમાં જ જીથુડી રોડ પર પતંગની દોરીથી જ 60 વર્ષના આધેડ ઈજાગ્રસ્ત થયા હતા. ગળાના ભાગે દોરી વાગતા આ આધેડને ગંભીર ઈજાઓ પહોચીં હતી, બાદમાં તેમને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતો
તો આ તરફ, જેતપુરનાં જેતલસર ગામમાં ઉત્તરાયણની મજા માણી રહેલા 38 વર્ષીય મહિલા જયશ્રીબેન પોલરા અગાસી પરથી નીચે પટકાયા હતા. માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેમને જેતપુર બાદ જૂનાગઢ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા. 108 ઇમરજન્સી સેવા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, ગુજરાતમાં ગત વર્ષના 4,266 કોલની સરખામણીમાં આ વર્ષે રાત્રે 9 વાગ્યા સુધીમાં 5,000થી વધુ ઇમરજન્સી કેસ કટોકટીઓ નોંધાઈ છે, જે 734નો વધારો દર્શાવે છે. જોકે, બપોરના 4 વાગ્યા સુધીના આંકડામાં ગયા વર્ષ કરતા થોડો ઘટાડો જોવા મળ્યો હતો. પશુ-પક્ષીઓના જીવ બચાવવા માટે પણ 1,000થી વધુ ઇમરજન્સી કોલ આવ્યા હતા.
આટલું જ નહીં, આ ઉત્તરાયણના દિવસે પતંગની દોરીના કારણે ગુજરાતમાં પાંચના મોતની ઘટના સામે આવી છે. આણંદના ખંભાતમાં 8 વર્ષના બાળકે પતંગની દોરીના કારણે પિતાની નજર સામે જ દમ તોડ્યો છે, તો અરવલ્લી-બાયડમાં મોપેડ પર જતા એક સગીરે તથા ભરૂચ જંબુસર (પીલુદરા)માં એક યુવકે દોરીના કારણે બાઈક અકસ્માતનો ભોગ બનતા જીવ ગુમાવ્યો છે, સાથે જ આ પતંગની દોરીને કારણે અનેક લોકોને ઈજાઓ પણ પહોંચી છે.
રાત્રે 9 વાગ્યા સુધી ઉત્તરાયણના તહેવાર પર ગુજરાતભરમાં 5,000 કરતા વધુ ઇમરજન્સી કેસ નોંધાયા છે જે ગત વર્ષ કરતા 734 વધુ છે. આ ઉપરાંત 685 પશુ ઇમરજન્સી કેસ તથા 340 પક્ષી ઇમરજન્સી કેસ નોંધાયા છે. આંકડાઓ સ્પષ્ટ કરે છે કે પ્રતિબંધ છતાં ચાઈનીઝ કે ધારદાર દોરીનો ઉપયોગ નિર્દોષ લોકો માટે જીવનું જોખમ બની રહ્યો છે. તંત્ર દ્વારા સતર્કતા રાખવાની અપીલ કરવામાં આવી છે. ઉત્તરાયણના દિવસે ગુજરાતમાં પતંગની દોરીના કારણે ત્રણના મોતની ઘટના સામે આવી છે. આણંદ, અરવલ્લી અને ભરૂચમાં આ પ્રતિબંધિત ચાઈનિઝ દોરી જીવલેણ બની છે, જેના કારણે અનેક લોકોને ઈજાઓ પણ પહોંચી છે ગુજરાતમાં હર્ષોલ્લાસ અને મોજ મજાનો ઉત્તરાયણનો તહેવાર અનેક પરિવારો માટે માતમમાં ફેરવાયો છે. રાજ્ય સરકાર અને હાઈકોર્ટના કડક આદેશો છતાં જીવલેણ ચાઈનીઝ દોરીનો કહેર યથાવત રહ્યો છે. જેના કારણે રાજ્યભરમાંથી એક નાના બાળક, એક સગીર તથા એક યુવક સહિત ત્રણના મોત થયા હોવાની વિગતો સામે આવી રહી છે. આણંદ, અરવલ્લી અને ભરૂચ જિલ્લામાં પતંગની કાતિલ દોરીથી ગળું કપાવાને કારણે આ ત્રણ લોકોના કરુણ મોત નીપજ્યા છે.



