આંબેડકરનગરમાં કાળી ચૌદસે વાહન પાર્કિંગ મુદ્દે બે ભાઈ સહિત ત્રણની હત્યા
પૈસાની લેતીદેતી મુદ્દે નિવૃત્ત PSIના પુત્રનું ઢીમ ઢાળી દીધું : ચોરીની શંકાએ ઘંટેશ્ર્વરમાં યુવકની હત્યા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં દિવાળીના તહેવારોમાં છેલ્લા 5 દિવસમાં 5 હત્યા થતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કઈ હદે ખાડે ગઈ છે તેનો ચિતાર સામે આવ્યો છે કાળી ચૌદસે આંબેડકરનગરમાં વાહન પાર્કિંગ મુદ્દે બે જૂથ વચ્ચે અથડામણ થતા બે સગા ભાઈ સહીત ત્રણ વ્યક્તિની લોથ ઢળી હતી જયારે જામનગર રોડ પર આવેલ સીએલએફ ક્વાટરમાં લુડો ગેમની માથાકૂટ બાદ પિતા-પુત્રએ ગાંધીગ્રામના યુવકની હત્યા કરી હતી તેમજ ઘંટેશ્વર 25 વારિયામાં ચોરીની શંકાએ યુવકની હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ છે.
રાજકોટના આંબેડકરનગરમાં કાળી ચૌદશની મધ્ય રાત્રિના વાહન અથડાવા જેવી નજીવી બાબતમાં બે સગા ભાઈ સુરેશ વશરામ પરમાર ઉં.45 અને વિજય વશરામ પરમાર ઉં.40ની છરીના ઘા ઝીંકી હત્યા કરી દેવાઈ હતી તો સામા પક્ષે હુમલો કરનાર અરુણ બારોટનું પણ સારવારમાં મોત થતા બનાવ ટ્રિપલ મર્ડરમાં પરિણમ્યો હતો ત્રણ-ત્રણ હત્યાને પગલે ખળભળાટ મચી ગયો હતો પોલીસે જૂથ અથડામણમાં બંને પક્ષની સામસામે ફરિયાદ નોંધી કાર્યવાહી કરી હતી જેમાં સુધીરભાઈ વિજયભાઈ પરમાર ઉ.20એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.20.10.2025ના રાત્રીના હું તથા મારા મિત્ર નરેશ તથા નીલેશ મુછડીયા તથા હીતેષ ચાવડા ઘરની સામે આંબેડકરનગરમાં ઉભા-ઉભા વાતો કરતા હતા. તે સમયે રાવણ ચોક પાસે રામાપીરના મંદિર પાસે રહેતો અરૂણ વીનુભાઇ બારોટ બે વખત અમારી બાજુમાંથી ફોર વ્હીલ ફુલ સ્પીડમાં લઈને નીકળ્યા હતા દરમિયાન ત્રીજી વખત પણ અરૂણ ફોર-વ્હીલની અમારી બાજુમાંથી કટ મારી નીકળ્યો હતો અને મારા ઘરે મહેમાન આવ્યા હતા તેના વાહન સાથે કાર અથડાવી હતી મે મારા પપ્પાને ફોન કર્યો હતો અને કહ્યું કે, આપણા ઘરે મહેમાન આવ્યા છે તેના વાહન સાથે કાર ભટકાયેલ છે. આ દરમિયાન અરૂણ બારોટ ત્યાં જ તેની કાર લઇ ઊભો હતો અને મારી વાતો સાંભળતો હતો અને તે તરત જ તેની કારમાંથી નીચે ઉતર્યો હતો અને તેની સાથે કારમાંથી બીજા બે શખસો ઉતર્યા હતા. મારી પાસે આવી અરૂણ બારોટ ગાળાગાળી કરવા લાગ્યો હતો અરૂણ અને રમણે કહ્યું કે, આજે તો તમને પતાવી દેવા છે તેમ કહી મારા મોટાબાપુ સુરેશભાઈને અરૂણના મિત્રોએ પકડી અને રમણ બારોટ પાસે બે છરી પૈકી એક છરી અરૂણને આપી દીધી હતી. અરૂણે તે છરીથી મારા મોટાબાપુને બે-ત્રણ ઘા મારી દીધા હતા. જેથી, હું તથા મારા પપ્પા આ લોકોને છોડાવવા વચ્ચે પડતા રમણ બારોટે મારા પપ્પાને આડાઅવળા બે-ત્રણ ઘા છરીના મારી દીધા હતા તેઓને લોહી નીકળવા લાગ્યા હતા મને પણ છરીનો એક ઘા મારી દીધો હતો. મારા મમ્મીને અરૂણે કપાળના ભાગે છરી મારી દીધી હતી. આ ઝપાઝપી દરમિયાન અરૂણ બારોટ તથા રમણ બારોટને પણ ઇજા પહોંચી હતી મોટાબાપુ સુરેશભાઈ તથા મારા પપ્પાને ખૂબ જ લોહી નીકળતું હોય. જેથી, મારા કાકા જગદીશભાઇ કારમાં સરકારી દવાખાને સારવારમાં લઇ આવ્યા હતું મોટાબાપુ સુરેશભાઈ તથા પપ્પા વિજયભાઇ બંને મૃત્યુ પામ્યા છે.
- Advertisement -
સામાં પક્ષે ફરિયાદી રમણભાઈ વિનોદભાઈ ઉર્ફે વિનુભાઈ નાથાભાઈ બારોટ (ઉ.વ.20)એ ફરિયાદમા જણાવ્યું હતું કે, તા.20.10.2025 ના રાત્રિના સમયે હું મારા ઘરે હતો ત્યારે મારા ભાઈ જગાભાઈ બારોટ કે જેઓ કોઠારીયા રોડ રણુજા મંદિર પાસે રહે છે તેમનો ફોન કરી જણાવ્યું હતું કે, તું અહીં યસ મકવાણા જે શેરીમાં રહે છે. ત્યાં આવ અહીં આગળ તારા ભાઈ અરુણને માથાકૂટ થઇ છે. જેથી હું અને મારો મિત્ર કે જેનું નામ હાલે મને યાદ આવતું નથી પણ તે જગાભાઈ બારોટનો પણ મિત્ર છે, તેમની સાથે મારા ઘરેથી વાહન લઈને ગયા હતા જ્યાં જોયું તો માણસોનું ટોળું હતું અને મારો ભાઈ અરુણ રોડ ઉપર 5ડેલ હતો અમારા જ વિસ્તારમાં રહેતા સુરેશભાઈ પરમાર તથા વિજયભાઈ પરમાર તેમજ સુધીરભાઈ વિજયભાઈ પરમાર તેને માર મારતા હતા. આથી હું મારા ભાઈને છોડાવું કે કઇ સમજુ તે પહેલા જ આ લોકો મને પણ ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા અને તેની સાથે બીજા પણ એક-બે માણસો હોય એવું મને લાગ્યું હતું. જે બધા મને તેમજ મારા ભાઈને માર મારતા હતા. કોઈએ મને ડાબા પડખાના ભાગે છરી જેવું તીક્ષ્ણ હથિયારથી માર માર્યો હોય એવું લાગ્યું.
આથી મને દુખાવો થતા હું નીચે પડી જતા ફરીવાર મને કોઈએ જમણા હાથે કાંડાથી ઉપર તથા ખંભા પાસે છરી વડે માર મારતા ઇજા પહોંચી હતી. આ વખતે મારો ભાઈ અરુણ ઉભો થઈને વચ્ચે પડ્યો તે વખતે વિજય પરમારે છરી મારા ભાઈને વાંસાના ભાગે જોરથી મારી દેતા તેમની છરી મારા ભાઈ અરુણના વાંસાના ભાગેથી બહાર નીકળેલ નહીં અને છરી તેના વાંસામાં (પીઠના ભાગે) શરીરમાં રહી જતા તે બેભાન થઈ ગયો હતો. બેભાન હાલતમાં સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે લાવતા ચાલું સારવાર દરમિયાન મારા ભાઈ અરુણને મૃત જાહેર કર્યો હતો.
જે ફરિયાદ આધારે પોલીસે મૃતક વિજયભાઈ પરમાર તથા તેના ભાઈ સુરેશભાઈ પરમાર તથા વિજયભાઈના દીકરા સુધીરભાઈ તેમજ તેની સાથેના એક-બે બીજા અજાણ્યા શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટના ગાંધીગ્રામમાં રહેતા કમલ મુલીયાના નામના યુવકને જામનગર રોડ પર આવેલ સીએલએફ ક્વાર્ટરમાં દિવાળીના દિવસે સાંજે પૈસાની લેતી દેતીમાં માથાકૂટ થઈ હતી.
જેમાં આરોપી અમન કોળી અને તેના પિતા અમિત કોળી દીવાલ પર અપશબ્દ લખવા જતા હતા તેને કમલ મૂલીયાણાએ અટકાવતા છરીના ત્રણ ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ સહિત ક્રાઇમ બ્રાન્ચ જઘૠ અને કઈઇ ટીમો ઘટના સ્થળે દોડી જઇ પ્રદ્યુમનનગર પોલીસે મૃતકની પત્નીની ફરિયાદ પરથી ગુનો નોંધી આરોપી પિતા-પુત્રને ઝડપી પાડ્યા હતા, જેને રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે કરવામાં આવ્યા છે પ્રાથમિક તપાસમાં આરોપી અને મૃતકને લુડો ગેમમાં જુગારની રકમ લેતી દેતી મામલે માથાકૂટ થઇ હતી, જેની માંગણી કરવા છતાં કમલ આપતો ન હતો અને દિવાળીની સાંજે આવી ઝઘડો કરી છરીના ત્રણ ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ઉલ્લેખનીય છે કે, મૃતક કમલના પિતા ઈઈંઉ ક્રાઇમમાં ફરજ બજાવતા હતા હાલ નિવૃત છે. યુવાનના મોતથી 8 વર્ષની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
રાજકોટના ઘંટેશ્વર 25 વારિયા ક્વાટરમાં રહેતા વિજય ચુનીભાઈ સોલંકીની ઘાતકી હત્યા કરી નાખવામાં આવી છે. ધર્મેશ નામના શખ્સે પોતાની પત્ની સુમિત્રા ઉર્ફે ગુડ્ડી સાથે મળી યુવાનને ગળાના ભાગે છરીના ઘા મારી દીધા હતા ગંભીર રીતે ઘાયલ થયેલા વિજયને હોસ્પિટલે ખસેડાયો હતો પરંતુ સારવાર મળે તે પૂર્વે જ દમ તોડી દીધો હતો.
બનાવની જાણ થતા ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, ગાંધીગ્રામ પીઆઇ મેઘાણી સહિતનો કાફલો દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી પ્રાથમિક તપાસમાં ઘંટેશ્વર 25 વારિયા ક્વાટરમાં રહેતા અને મજૂરીકામ કરતા યુવાન વિજય સોલંકીના કાકાએ આરોપીના ઘરે ચોરી કરી હતી અને ચોરીનો મુદ્દામાલ વિજયને વેંચવા આપ્યો હતો. જો કે આ ચોરી વિજયે કર્યાની શંકાએ આરોપી ધર્મેશે પત્ની સાથે મળી હત્યા નિપજાવ્યાનું સામે આવ્યું છે.



