મોટરસાયકલ ઉભું રાખવા જેવી સામાન્ય બાબતે ત્રણ શખસોએ મચાવ્યો આતંક: પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.13
- Advertisement -
રાજકોટના પોપટપરા વિસ્તારમાં આવેલી રઘુનંદન સોસાયટીમાં પાર્કિંગ જેવી સામાન્ય બાબતે પાડોશીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ હિંસક હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. આ હુમલામાં એક જ પરિવારના પિતા અને પુત્રી ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ મામલે ત્રણેય હુમલાખોરો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ફરિયાદ મુજબ, રઘુનંદન સોસાયટીમાં રહેતા 29 વર્ષીય આકાશસિંગ મનજીતસિંગ પોથીવાલ ગત મંગળવારે રાત્રે 8 વાગ્યાની આસપાસ પોતાના કામ પર જઈ રહ્યા હતા. સોસાયટીના ખૂણે શક્તિ પાન પાસે સામેથી બસ આવતી હોવાથી આકાશસિંગે પોતાનું મોટરસાયકલ થોભાવી દીધું હતું. આ સમયે ત્યાં હાજર રવેન્દરસિંગ નામના શખ્સે ‘તેં અહીં મોટરસાયકલ કેમ ઉભું રાખ્યું?’ તેમ કહી ગાળાગાળી શરૂ કરી હતી. વિવાદ વકરતા રવેન્દરસિંગે યુવકને લાફા મારી દીધા હતા. માથાકૂટ દરમિયાન રવેન્દરના ભાઈ પ્રદીપ અને ઈતવાહસિંગ પણ ત્યાં ધસી આવ્યા હતા અને આકાશસિંગ પર ઢીકાપાટુનો માર મારવાનું શરૂ કર્યું હતું. આ ઝઘડાની જાણ થતા આકાશસિંગના પિતા મનજીતસિંગ, બહેન તનુબેન અને ભાઈઓ તેને છોડાવવા માટે વચ્ચે પડ્યા હતા. જોકે, ઉશ્કેરાયેલા હુમલાખોરોએ તેમને પણ બેફામ માર માર્યો હતો. આ હિંસક ઘટનામાં યુવકના પિતા અને બહેનને શરીરના ભાગે ઈજાઓ પહોંચી હતી. બનાવને પગલે આસપાસના લોકો એકઠા થઈ જતાં હુમલાખોરો ત્યાંથી નાસી છૂટ્યા હતા. ઈજાગ્રસ્ત પિતા-પુત્રીને તત્કાલ સિવિલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. આકાશસિંગની ફરિયાદના આધારે પ્રદ્યુમનનગર પોલીસે રવેન્દરસિંગ, પ્રદીપ અને ઈતવાહસિંગ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. શહેરમાં વધતા જતા આવા નાના ઝઘડાઓ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિને લઈને સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે.



