આઠ માસ પૂર્વે પડધરીમાં ભાઈની થયેલ હત્યાનો પિતા-પુત્રોએ બદલો લીધો
રૈયાધારમાં જતાં યુવકનું મેટોડામાંથી અપહરણ કરી છરી-ધોકાથી માર મારી ફેકી દીધો હતો
- Advertisement -
મેટોડા પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી ચારેયને દબોચી લઈ હથિયાર કબજે કરવા તજવીજ હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ખૂનકા બદલા ખૂન જેવો કિસ્સો રાજકોટના મેટોડા પોલીસ ચોપડે નોંધાયો છે મેટોડાથી મામાના દીકરાનું અપહરણ કરી રાજકોટમાં છરીના ઘા મારી રોડ પર ફેંકી દીધાના મંગળવાર રાત્રિના બનાવમાં યુવકને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન ગઈકાલે રાત્રે યુવાને દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો છે મેટોડા પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી ચારેયને દબોચી લઈ હથિયારો કબજે કરવા તપાસ હાથ ધરી છે આ બનાવમાં ત્રણ બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો છે.
- Advertisement -
બનાવ અંગે મૃતક શિવરાજના રૈયાધાર ઇન્દિરાનગરમાં રહેતા મોટા બાપુ રાજેશભાઇ ઉર્ફે રાજુભાઈ પ્રેમજીભાઈ મુછડીયા ઉં.57એ પરશુરામ મંદિર સામે રહેતા મૃતકના ફુવા હમીર મનજી મેરીયા, ફુવાના દીકરા ખુશાલ હમીર મેરીયા, રાહુલ હમીર મેરીયા અને મેટોડાના રોહિત કિરીટ ઉર્ફે તીરથ રાખસીયા સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા નાના ભાઈ ગોવિંદભાઈ પ્રેમજીભાઈ મુછડીયા તથા મારા ભાભી કંચનભબેન ગોવિંદભાઈ મુછડીયા હાલે મર્ડર કેસમાં પોપટપરા જેલમાં છે અને તેનો દિકરો શિવરાજ તથા ગોવિંદભાઇની ત્રણ દિકરીઓ મિતલ, સોનલ અને હેતલ આ ચારેય મેટોડા જી.આઈ.ડી.સી. માં આવેલ એકતાનગરમાં છેલ્લા બે મહિનાથી રહે છે ત્રણ ચાર દિવસથી આ શિવરાજ તથા સોનલ મારા ઘરે રહેવા આવેલ છે ગત તા.13ના રાત્રીના શિવરાજનો મારી પત્નીને ફોન આવેલ અને કહેવા લાગેલ કે, ખુશાલ, રાહુલ અને રોહિત અહીં ખીરસરા જી.આઈ.ડી.સી. આવેલ છે. અને મને જબરદસ્તીથી તેની ફોર વ્હીલર ગાડીમાં બેસાડી દીધેલ છે એટલું કહેતા ફોન કપાઈ ગયેલ હતો એકાદ કલાક બાદ ફરી મારી પત્નીને શિવરાજનો ફોન આવેલ આ વખતે કોઈ અજાણ્યો માણસ ફોનમાં વાત કરતો હતો તેણે કહેલ કે, તમારા દિકરાનું એક્સીડન્ટ થયેલ છે. અમોએ 108 એમ્બ્યુલન્સને ફોન કરી દીધેલ છે. અને તેને રાજકોટ સરકારી હોસ્પીટલ ખાતે મોકલી દઇએ છીએ તેમ જણાવતા હું તથા મારી પત્ની નાથીબેન તથા મારા દિકરાઓ અમે બધા સિવિલ હોસ્પિટલ આવેલ. 108માં શિવરાજ પણ હોસ્પિટલ પહોંચેલ. તેના બન્ને હાથમાં તથા પડખામાં, પીઠમાં તીક્ષ્ણ હથિયાર વડે ઇજા થયેલ હતી.
જેથી અમોએ શિવરાજને બનાવ બાબતે પુછતા તેણે અમોને જણાવેલ કે, રાહુલ હમીરભાઈ મેરીયા, ખુશાલ હમીરભાઇ મેરીયા, રોહિત કીરીટભાઈ ઉર્ફે તીરથ રાખસીયા ત્રણેય મેટોડા જી.આઇ.ડી.સી. ખાતે આવ્યા હતા મને જબરદસ્તીથી ગાડીમાં બેસાડેલ હતો. અને રાહુલ અને ખુશાલ મને તેના ઘરે લઇ ગયેલ. આ રાહુલ, ખુશાલ અને તેના પિતા હમીરભાઈએ છરીથી અને ધોકાથી માર મારેલ હતો. અને માર મારીને મને રોડ ઉપર સુવડાવી દીધેલ અને કોઇ અજાણ્યા માણસોએ 108 માં ફોન કરેલ અને અહીં મને હોસ્પિટલ પહોંચાડેલ હતો. ત્યારે આ લોકો સામે જ ઉભા હોય જેથી ફોન કરનારે તમને એક્સીડન્ટ થયેલ છે. તેમ જણાવેલ હતું. ત્યાર બાદ આ મારો ભત્રીજો બેભાન થઇ ગયેલ.
આઠેક મહિના પહેલા મારા બનેવી હમીરભાઈ મેરીયાનો મોટો દિકરો જયદીપ દારૂ પીને અવાર નવાર મારા ભાઈ ગોવિંદભાઈના ઘરે ગામ ઢોકળીયા જતો અને તમારી દિકરી મને ગમે છે મારા લગ્ન તેની સાથે કરાવી દો તેમ કહેતો. ઝઘડો કરતો. જેથી મારા ભાઈ ગોવિંદભાઈ તથા મારી ભાભી કંચનબેને જયદિપને માર મારતા જયદિપ મરણ ગયેલ તે કેસમાં મારા ભાઈ-ભાભી હાલ રાજકોટ જેલમાં છે જયદીપના મરણ અંગેનો ખાર રાખી આ ગુનો આચર્યો હતો. ગઈકાલે મેટોડા પોલીસે આરોપીઓ સામે બી.એન.એસ. કલમ 137(2), 140(1), 109(1), 61(2)(એ), 118(2), 54 તથા જી.પી.એકટ 135 મુજબ ગુનો દાખલ કરી દીધો હતો. જોકે સારવાર દરમ્યાન ગઈકાલે રાત્રે શિવરાજે સારવારમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો છે.
મૃતક શિવરાજ ત્રણ બહેનોનો એકનો એક ભાઈ હતો. પોલીસે મૃતદેહ ફોરેન્સિક પીએમ માટે ખસેડ્યો હતો. શિવરાજના માતા કંચનબેન અને પિતા ગોવિંદભાઇ જેલમાં હોય, પુત્રના અંતિમ સંસ્કાર માટે હાજર રહી શકે તે માટે વચગાળાના જામીન માટે અદાલતમાં કાર્યવાહી કરાઈ છે. આ તરફ યુવાનના મોતથી પરિવારમાં ભારે કલ્પાંત છવાયો છે આ તરફ આરોપીઓને તત્કાલ પકડી લેવા રાજકોટ જિલ્લા એસપી હિમકર સિંહે સૂચના આપતાં મેટોડા પોલીસે ચારેય આરોપીઓને ઝડપી લઈ ગુનામાં ઉપયોગમાં લેવાયેલ કાર, હથિયાર કબ્જે કરવા તજવીજ હાથ ધરી છે.



