કેલેન્ડર વર્ષ 2025 ને હવે માંડ દોઢ મહિના જેવો સમય બાકી છે ત્યારે ભારતનું પ્રાયમરી માર્કેટ (આઈપીઓ) નવી ઐતિહાસીક ઉંચાઈ આંબવાના આરે છે. અત્યાર સુધીનો ટ્રેન્ડ એવુ સુચવે છે કે ભારતીય કંપનીઓએ મૂડી એકત્રીત કરવા માટે અભુતપુર્વ રસ દાખવ્યો છે.
પ્રાઈમ ડેટાબેઝનાં આંકડાકીય રીપોર્ટ પ્રમાણે 2025 માં અત્યાર સુધીમાં 242 કંપનીઓએ આઈપીઓ માટે સેબીમાં દરખાસ્ત રજુ કરી છે. તેના મારફત 3.47 લાખ કરોડની મુડી એકત્રીત કરવાની યોજના છે. ગત વર્ષે 2024 માં 157 કંપનીઓએ 2.79 લાખ કરોડ એકત્રીત કર્યા હતા.
- Advertisement -
ચાલુ વર્ષનાં પ્રથમ ત્રણ ત્રિમાસીક ગાળા અર્થાત 9 મહિનામાં ભારતમાં દુનિયાભરના દેશોની સરખામણીએ સૌથી વધુ આઈપીઓ આવ્યા છે.તેના પરથી સાબીતી મળે છે કે ભારતીય માર્કેટનું વેલ્યુએશન મજબુત છે અને ઈન્વેસ્ટરોમાં પૂર્ણ વિશ્વાસ છે. 17 નવેમ્બર સુધીમાં આવેલા 91 આઈપીઓ મારફત કંપનીઓએ 1.52 લાખ કરોડ એકત્રીત કર્યા હતા જે 2024 માં મેળવાયેલા 1.59 લાખ કરોડ જેટલા જ છે.
જાણકારોના કહેવા પ્રમાણે સંસ્થાકીય રોકાણકારો પણ મોટુ ઈન્વેસ્ટમેન્ટ ઠાલવતા હોવાના કારણોસર પ્રાયમરી માર્કેટને મળી નવી ઉર્જા મળી રહી છે. જીએસટીમાં કાપ, આર્થિક વિકાસના પોઝીટીવ સંકેત વ્યાજદરમાં ઘટાડો, ભારત-અમેરીકા વચ્ચેના ટેરિફ વોરનો નિવેડો આવી જવાનો આશાવાદ જેવા કારણોથી સેકન્ડરી માર્કેટ મજબુત થઈ રહ્યુ છે અને તેની સીધી અસર પ્રાયમરી માર્કેટ પર છે.આ જ કારણોથી 2025 નું વર્ષ આઈપીઓ માટે બ્લોક બસ્ટર સાબીત થવાના માર્ગે છે.
એક મહત્વની વાત એવી પણ બહાર આવી છે કે, આઈપીઓના શાનદાર લીસ્ટીંગ ભારતમાં વધતી અબજોપતિની સંખ્યા માટે જવાબદાર છે.બ્લુમબર્ગના રીપોર્ટ મુજબ તાજેતરમાં જ લીસ્ટેટ થયેલી કંપની ગ્રોના સહસ્થાપક લલીત કેશરે અબજોપતિનાં લીસ્ટમાં સામેલ થઈ ગયા છે. લેન્સકાર્ટનાં સહ સ્થાપક પણ લીસ્ટમાં સામેલ થવાની નજીક છે. બન્ને કંપનીઓનું શેરબજારમાં તાજેતરમાં જ લીસ્ટીંગ થયુ હતું.
- Advertisement -
ગ્રોમાં 74 ટકાની તેજી થઈ છે. લલીત કેશરે 9.2 ટકાનો હિસ્સો ધરાવે છે તેનાં આધારે તેમની સંપતીનું મુલ્ય 1.1 અબજ ડોલર (97.5 અબજ રૂપિયા) થવા જાય છે. લેન્સકાર્ટનાં પિયુષ ગોયલ પણ અબજોપતિ કલબમાં સામેલ થવાના આરે છે. ખરાબ લીસ્ટીંગ બાદ કંપનીનાં શેરમાં તેજી થઈ હતી. બંસલનો શેર હિસ્સો 9.88 ટકા છે. અને તેનું મુલ્ય 85.2 કરોડ ડોલર થઈ ગયુ છે.
હુરૂન ઈન્ડીયાના રીપોર્ટ પણ ભારતમાં અબજોપતિઓની સંખ્યા સતત વધતી હોવાનું જાહેર થયુ છે. ભારતમાં 358 અબજોપતિ છે.13 વર્ષમાં 6 ગણો વધારો થયો છે. લીસ્ટમાં સામેલ તમામ અબજોપતિઓની કુલ સંપતી 167 લાખ કરોડ રૂપિયા થવા જાય છે.
39 વર્ષ બાદ ટાટા મોટર્સની સેન્સેકસમાંથી વિદાય થવાની સંભાવના
શેરબજારનાં સેન્સેકસમાંથી ટાટા મોટર્સને બહાર થવુ પડે તેમ તેવો ખતરો સર્જાયો છે.સેન્સેકસની શરૂઆત વખતથી ટાટા મોટર્સનો દબદબો હતો પરંતુ કંપનીનાં વિભાજનને પગલે તેના માર્કેટ કેપીટલાઈઝેશનમાં ઘટાડો થતા સેન્સેકસમાંથી બહાર નીકળવુ પડે તેવી સ્થિતિ સર્જાઈ છે આગામી મહિનામાં અંતિમ નિર્ણય થઈ શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત મહિને ટાટા મોટર્સનું બે જુદી જુદી કંપનીમાં વિભાજન થયુ છે. પેસેન્જર વ્હીકલ કંપનીનું માર્કેટ કે 1.37 લાખ કરોડ તથા કોમર્શીયલ વ્હીકલ કંપનીનું 1.19 લાખ કરોડ રહ્યું છે. પ્રવર્તમાન નિયમો મુજબ સેન્સેકસમાં સ્થાન મેળવવા બે લાખ કરોડનું માર્કેટ કેપીટલાઈઝેશન ફરજીયાત છે. આ સ્થિતિમાં કંપની સેન્સેકસમાંથી બહાર થઈ શકે છે.
સવા મહિનામાં જ ક્રિપ્ટો કરન્સીમાં 800 અબજ ડોલર ડુબ્યા
અમેરિકામાં ટ્રમ્પનાં સતારૂઢ થયા બાદ ઐતિહાસીક સ્તરે પહોંચેલા ક્રિપ્ટોકરન્સીનાં વળતા પાણી હોય તેમ છેલ્લા કેટલાંક દિવસોથી જોરદાર મંદી છે સાત મહિનામાં પ્રથમ વખત બીટકોઈનનો ભાવ 90,000 ડોલરની નીચે આવી ગયો છે અને પ્રથમવાર સમગ્ર સુધારો ધોવાઈ ગયો છે. ઓકટોબરમાં બીટકોઈનનો ભાવ 1.26 લાખ ડોલરથી પણ અધિક હતો. તેમાં 30 ટકાથી પણ વધુ ઘટાડો નોંધાયો છે.
છેલ્લા પાંચ મહિનામાં જ બીટ કોઈનમાં રોકાણ કરનારાઓ ઈન્વેસ્ટરોના 800 અબજ ડોલર ડુબી ગયા છે. ઈથેરીયમમાં સૌથી વધુ 38.2 ટકમા, સોલાનામાં 31.6 ટકા, બિનોસમાં 29.5 ટકાનો ઘટાડો છે. જાણકારોના કહેવા પ્રમાણે અમેરીકી વ્યાજદર વિશે અનિશ્ચિતતા શેરબજારમાં નબળાઈથી ક્રિપ્ટોકરન્સી પણ ઉંધા માથે પટકાઈ છે.




