વડોદરા શહેરના કોયલી ખાતે આવેલ IOCL ગુજરાત રિફાઇનરીમાં એક પછી એક બે બ્લાસ્ટ થયાં હતા. આ બલાસ્ટમાં 2 લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે. કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે.
વડોદરાના કોયલીમાં ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની રિફાઈનરીમાં પ્રચંડ બ્લાસ્ટ બાદ લાગેલી આગ પર કલાકોની જહેમત બાદ આજે વહેલી સવારે કાબૂ મેળવાયો હતો. હાલ IOCLમાં કૂલિંગની કામગીરી શરૂ કરાઇ હતી. કોયલીની IOCLમાં લાગેલી આગમાં અત્યાર સુધીમાં બેના મોત થયા છે. શૈલેષ મકવાણા અને ધીમંત મકવાણા નામના વ્યક્તિનું મોત થયું છે. આગમાં અત્યાર સુધીમાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
- Advertisement -
વડોદરામાં કોયલી ખાતે આવેલી IOCLમાં સ્ટોરેજ ટેન્કમાં એટલો પ્રચંડ બ્લાસ્ટ થયો હતો કે, આસપાસના મકાનના કાચ પણ તૂટી ગયા હતા. બપોરે બનેલી આ ઘટનાની જાણ થતાં જ ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયર વિભાગે કલાકોની મહેનત બાદ આગ પર કાબુ મેળવી લીધો છે. આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા કોન્ટ્રાક્ટના કર્મચારી ધીમંત મકવાણાનું સારવાર સમયે મોત નીપજ્યું હતું. જો કે આગ પર કાબૂ મેળવાયા બાદ મોડી સાંજે બીજો બ્લાસ્ટ થયો હતો. જેને લઈ ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો હતો. બાદમાં અમદાવાદ, આણંદ સહિતના ફાયર સ્ટેશનમાં પણ જાણ કરાઈ હતી અને 35થી વધુ ફાયરની ગાડીઓ કામે લગાડવામાં આવી હતી.
આગના કારણે વધુ એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. એટલે કે બીજા બ્લાસ્ટ બાદ શેલૈષ મકવાણાએ જીવ ગુમાવ્યો હતો. જ્યારે ફાયર વિભાગના ત્રણ કર્મચારી ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. તો આ તરફ કંપનીએ પણ લેખિતમાં નિવેદન જાહેર કર્યું હતું. જેમાં દાવો કર્યો હતો કે આગ લાગવાના સ્થળે તમામ સેફ્ટી-સુરક્ષા કર્મચારીઓ હતા. સાથે જ હજુ સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયુ ન હોવાનો પણ સ્વીકાર કર્યો હતો.