આયુર્વેદિક સિરપની આડમાં વેંચાઈ રહ્યો છે આલ્કોહોલ મિશ્રિત બિયર
રાજકોટમાં પાનની દુકાનમાં આયુર્વેદિક સિરપના નામે આલ્કોહોલવાળા બિયર વેચાતા હોવાના અગાઉ અનેક બનાવો પ્રકાશમાં આવ્યા છે ત્યારે ફરી એક વખત શહેરના કેટલાક વિસ્તારમાં મોટાપાયે વેચાઈ રહેલી આયુર્વેદિક સિરપમાં આલ્કોહોલ હોવાની અને બંધાણીઓ તેનો બીયર તરીકે ફરી ઉપયોગ કરતા થઈ ગયા છે. આ કહેવાતી આયુર્વેદિક સિરપની બોટલ રૂા. 80થી 130ના ભાવે વેચાઈ છે. એટલું જ નહીં મેડિકલ સ્ટોરના બદલે પાનની દુકાનમાં તેનું વેચાણ થઈ રહ્યું છે. ત્યારે સમગ્ર મામલે પોલીસ અને ફૂડ-ડ્રગ્સ વિભાગ જાણી જોઈ અજાણ હોય એવું જણાય આવે છે.
- Advertisement -
‘ખાસ-ખબર’નાં સ્ટિંગ ઓપરેશનમાં પર્દાફાશ
રાજકોટના હંસરાજનગર મેઈનરોડ પોપટપરાના નાલા પાસે શિવ સાગર પાનની દુકાનમાં આયુર્વેદિક સિરપના નામે આલ્કોહોલયુક્ત પીણાંનું ગેરકાયદે વેંચાણ થઈ રહ્યું છે. ખાસ-ખબર દ્વારા કરવામાં આવેલા સ્ટિંગ ઓપરેશનમાં શિવ સાગર નામની પાન દુકાનમાં ખુલ્લેઆમ આયુર્વેદિક સિરપ વેંચાઈ રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. આ સિવાય રાજકોટના કેટલાંક વિસ્તારોમાં પાનની દુકાનમાં ખુલ્લેઆમ આયુર્વેદિક સિરપના નામે આલ્કોહોલવાળા પીણાંઓ વેંચાઈ રહ્યા છે. રાજકોટની પાનની દુકાનો જાણે દારૂના અડ્ડા હોય તેમ સરાજાહેર અહીં નશીલો પદાર્થ વેંચાઈ રહ્યો છે.
આયુર્વેદિક સિરપ ક્યા નામે વેંચાઈ રહ્યા છે? જેરીજેમ, હર્બી ફ્લો, સ્લીપવેલ, યુરીસ્ટાર, સ્ટોનહિલ, ઈઝીસ્લીપ, સોનારીસ્ટા, સુનીદ્રા વગેરે
મેડિકલ સ્ટોરનાં બદલે પાનની દુકાને કહેવાતી આયુર્વેદિક સિરપનું વેંચાણ પોલીસ અને ફૂડ-ડ્રગ્સ વિભાગ અજાણ?
- Advertisement -
વિવિધ વિસ્તારોમાં આવેલી પાનની દુકાનો પર આયુર્વેદિક સિરપના નામે, હર્બલ ટોનિકના ઓઠા હેઠળ આલ્કોહોલવાળા પીણાંની બોટલોનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. જેના પર લખ્યું છે કે, આ પીણાંમાં 11 ટકાથી વધુ આલ્કોહોલ નથી. મતલબ કે આ કહેવાતા આયુર્વેદિક શિરપમાં એક બોટલ બિયરથી પણ વધુ આલ્કોહોલ આવે છે. બિયરમાં 7 ટકા આલ્કોહોલ અને જવનું પ્રમાણ વધારે હોય છે, જ્યારે આ કહેવાતા આયુર્વેદિક સિરપમાં 11 ટકા આલ્કોહોલ હોય નસેડીઓમાં આ પીણાંનું ચલણ ખૂબ જ માત્રામાં વધી ગયું છે. પાનની દુકાને ખુલ્લેઆમ ચાલતા આ નશાના કાળા કારોબાર પર ક્યારે અને કોણ પગલાં લેવાની હિંમત કરશે એ જોવું રહ્યું.
આયુર્વેદિક સિરપ હોય પાનના ગલ્લે, પ્રોવિઝન સ્ટોર કે બકાલા માર્કેટમાં વેચી ન થઈ શકાય
આયુર્વેદિક દવાઓના ઉત્પાદનનો હેતુ તો કેટલીક બીમારીઓમાં રાહત આપવા માટેનો બતાવાયો છે, પણ તેનો લોકો નશા માટે ઉપયોગ કરતા થઈ ગયા છે. આ પહેલાં પણ કફ સિરપનો ઉપયોગ નશા માટે થતો હોવાથી ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર તે વેંચવા પર પ્રતિબંધ ફરમાવાયો હતો. જોકે, આ પ્રતિબંધનો પણ વાસ્તવિક અમલ કેટલો થતો હશે તે રામ જાણે. હવે આલ્કોહોલયુક્ત પીણાં આયુર્વેદિક સિરપના નામે વેચાઈ રહી છે. આવી દવાઓ આયુર્વેદિક લેબલ હેઠળ વેંચાતી હોવાનું તેના વેંચાણ માટે પરવાનગી કે ડોક્ટરોનું પ્રિસ્ક્રિપ્શન લેવું જરૂરી નથી, પરંતુ ઉત્પાદન કરવા માટે લાયસન્સ મેળવવું પડતું હોય છે. વળી, આનું વેંચાણ મેડિકલ સ્ટોર દ્વારા જ થઈ શકે, આવી દવાઓ પાનના ગલ્લે, પ્રોવિઝન સ્ટોર કે બકાલા માર્કેટમાં વેચી ન થઈ શકાય. આ માટે પોલીસ તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ઘટતું કરવું જોઈએ.
શું આ આયુર્વેદિક દવા દારૂનો ઓપ્શન બની શકે?
આ સવાલનો જવાબ છે હા. પાનની દુકાનોમાં મળતા આયુર્વેદિક સીપરની બોટલ પર છપાયેલું પિસ્ક્રિપ્શન જણાવે છે કે બોટલમાં 11થી 15% આલ્કોહોલ છે! જે દારૂના બેથી ત્રણ પેગ જ કહી શકાય. નશાના બંધાણીઓ આ આયુર્વેદિક સીરપનો ઉપયોગ દારૂ તરીકે થઈ ગયા છે, કારણ કે વિવિધ બ્રાન્ડ અને નેમથી વેંચાતી- પીવાતી આયુર્વેદિક સીરપમાં બીયરથી વધુ અને દારૂના પ્રમાણમાં આલ્કોહોલનું પ્રમાણ હોય છે. વળી, આ પીણું સાથે હોય કે પીધું હોય તો પણ પોલીસ પકડતી નથી! આમ, રાજ્યમાં ખુલ્લેઆમ આલ્કોહોલિક પીણું દારૂ તરીકે વેચાઈ રહ્યું છે અને પીવાઈ રહ્યું છે.
કહેવાતી આયુર્વેદિક સિરપમાં સેલ્ફ જનરેટેડ નહીં, એડેડ આલ્કોહોલ!
રાજકોટમાં કેટલીક પાનની દુકાને વેંચાતી કહેવાતી આયુર્વેદિક સિરપમાં સેલ્ફ જનરેટેડ નહીં, એડેડ આલ્કોહોલ છે. અગાઉ એફએસએલમાં પણ આ બાબતનો પુરાવો મળી ચૂક્યો છે. આ આલ્કોહોલયુક્ત પીણાંમાં કુદરતી રીતે ઓસડીયામાં આથો લાવવામાં આવતો નથી, પરંતુ તેમાં આલ્કોહોલયુક્ત કેમિકલ ઉમેરવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે અત્યંત ઘાતક છે. પોલીસ તેમજ ફૂડ્સ એન્ડ ડ્રગ્સ વિભાગે આયુર્વેદિક દવાઓના ઓઠા હેઠળ પાનના ગલ્લાઓ પરથી વેંચાતી આલ્કોલિક દવાઓની બોટલો પકડી પાડી, વેંચનાર અને બનાવવાર પર કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ.
પોલીસ કડક પગલાં ક્યારે લેશે?
રાજકોટમાં મોટાભાગની ઠંડપીણાં અને પાનની દુકાનોમાં આયુર્વેદિક સિરપના નામે ખુલ્લેઆમ 11 ટકા આલ્કોહોલવાળા પીણાંનું ગેરકાયદેસર વેચાણ થઇ રહ્યું છે. સામાન્ય રીતે ઈંગ્લીશ દારૂ કે બિયરની એકમાત્ર પેટી લાખોની ગાડીમાં પકડાય તો ગાડી સહિત ચાલક અને તેની સાથે જોડાયેલા ઉપર કાયદેસરના પગલાં લેવામાં આવે છે અને ગુજરાતમાં તો ખાસ દારૂબંધી હોવાના કારણે માત્ર 7 ટકા આલ્કોહોલ સાથેનું બિયર વેચવાની કે પીવાની પણ મનાઈ છે પણ 11 ટકા ઉપર આલ્કોહોલ ધરાવતી અને આયુર્વેદિક સિરપના નામે ખુલ્લેઆમ વેચાતી બાટલીઓની છૂટ જણાય રહી છે જે પીનારા કે વેચનારા ઉપર કોઈજાતના પગલાં નથી લેવાતાં એ આચર્યજનક બાબત છે.
આ સિરપમાં કેટલો આલ્કોહોલ? ભાવ શું?
આયુર્વેદિક સીરપની વિવિધ બ્રાન્ડની બોટલ ઉપર જ તેમાં રહેલું આલ્કોહોલનું પ્રમાણ લખવામાં આવે છે. અલગ-અલગ બ્રાન્ડ મુજબ 300 એમ.એલ.ની બોટમાં આલ્કોહોલનું પ્રમાણ 11%થી લઈને 15% જેટલું હોય છે જે કોઈપણ આલ્કોહોલિક બિયરની બોટલમાં રહેલા આલ્કોહોલ કરતા બે ગણું વધારે હોય છે, 300, 375, 400, 525 એમ.એલ.ની મળતી એક બોટલ પીવાથી દારૂ કરતાં વધારે નશો આવે છે. આ બોટલની કિંમત 130 રૂા.થી લઈ 150, રૂા. 180 છે.
‘ખાસ-ખબર’નાં સ્ટિંગ ઓપરેશનનો વિડીયો જોવા અહીં ક્લિક કરો…