રાજ્યની તમામ 182 બેઠકો પર તા. 1 નવેમ્બરના આયોજન : દરેક બેઠક દીઠ 20,000 કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ગઇકાલના સૌરાષ્ટ્રના પ્રવાસ બાદ હવે તેઓ આજે કેવડિયા કોલોની ખાતે સતાવાર કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ દિલ્હી પરત જતા જ ફરી એક વખત ચૂંટણી તારીખોની અટકળો તેજ બનશે પરંતુ હવે રાજ્યની ધારાસભા ચૂંટણી 1 નવેમ્બર બાદ જ જાહેર થશે તેવા સંકેત છે.
- Advertisement -
શ્રી મોદીનો હવે ગુજરાતનો કોઇ કાર્યક્રમ ચૂંટણીની જાહેરાત પૂર્વે યોજાવાનો નથી પરંતુ ભાજપ હવે રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠક પર ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંદેશો પહોંચી જાય તે માટે એક વિરાટ આયોજન કરી રહ્યું છે અને તા. 1 નવેમ્બરના રોજ રાજ્યભરમાં તમામ 182 બેઠકો પર સ્નેહ મિલન યોજાશે અને તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ સંબોધન કરશે.
ભાજપ દ્વારા દીપાવલી બાદ દરેક વિધાનસભા મત વિસ્તારમાં સ્નેહ મિલન યોજવાની પરંપરા છે પરંતુ આ વર્ષે ચૂંટણી યોજાવાની હોવાથી હવે તેમાં દરેક વિધાનસભા બેઠક પર 20,000થી વધુ કાર્યકર્તાઓને એકત્ર કરીને સ્નેહ મિલન યોજાશે અને તેમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ સંબોધન કરશે જેના કારણે શ્રી મોદીનો સંદેશો ગુજરાતની જનતા બાદ કાર્યકર્તાઓમાં પણ પહોંચી જશે.
ત્યારબાદ ગમે તે ઘડીએ ચૂંટણીની જાહેરાત થઇ શકે છે અને આ સ્નેહમિલનમાં શ્રી મોદી કાર્યકર્તાઓને ચૂંટણી માટેનો નવો જુસ્સો આપી દેશે. ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર. પાટીલે જણાવ્યું કે અમે વડાપ્રધાનને નવા વર્ષના નિમિત્તે કાર્યકર્તાઓને સંબોધન કરવા માટે વિનંતી કરી છે જેનાથી આગામી ચૂંટણીમાં પક્ષને નવું માર્ગદર્શન અને જુસ્સો મળી જશે.
- Advertisement -
આ માટે દરેક વિધાનસભા બેઠક પર 20,000 કાર્યકર્તાઓને એકત્ર કરીને તેનું સ્નેહ મિલન યોજાશે અને કાર્યકર્તાઓ વડાપ્રધાનને નવા વર્ષની શુભેચ્છા આપશે અને શ્રી મોદી કાર્યકર્તાઓને અને તેમના કુટુંબોને ‘સાલ મુબારક’કહેવાની સાથે જ ચૂંટણીની તૈયારીઓ અંગે પણ શુભેચ્છા આપી શકશે. અને આ સ્નેહ મિલન એક વિશાળ સ્તરે યોજાશે જેમાં શ્રી મોદી ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ, રાષ્ટ્રીય પ્રમુખ શ્રી જે.પી. નડ્ડા પણ વર્ચ્યુઅલ રીતે મોદીની સાથે જોડાશે.