જૂનાગઢ શહેર અને જિલ્લામાં ચૂંટણી પહેલા ભાજપનું બુલડોઝર ફરી વળ્યું
જૂનાગઢ મનપા ચૂંટણીમાં વધુ એક ઉમદેવાર બિનહરિફ સાથે કુલ 9 વિજેતા
- Advertisement -
પ્લાસવા તાલુકા પંચાયત પેટા ચૂંટણી ભાજપ બિનહરિફ જાહેર
માંગરોળ પાલિકા વોર્ડ-5ના ભાજપના 4 ઉમેદવાર બિનહરીફ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.4
જૂનાગઢ મહાનગર પાલિકા ચૂંટણી સાથે જિલ્લાની 6 નગર પાલિકા અને બે તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે શહેર અને જિલ્લામાં ભાજપનું બુલડોઝર ફરી વળ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે.આજે ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે વોર્ડ – 2ના ભાજપ મહિલા ઉમેદવાર બિન હરીફ જાહેર થયા થતા કુલ નવ ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે.અન્ય વોર્ડ – 11ના અપક્ષ ઉમેદવારે ફોર્મ પરત ખેંચી ભાજપની હિન્દુત્ત્વની રાજનીતિને સમર્થન જાહેર કર્યું છે.ત્યારે મનપાની 60 બેઠકો માંથી ભાજપની 9 બેઠકો બિનહરીફ જાહેર થતા ચૂંટણી પેહલા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે.
જિલ્લાના પ્રમુખ કિરીટ પટેલે જણાવ્યું હતું કે, બાંટવા નગરપાલિકામાં ગત રોજ ભાજપના 10 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા ત્યારે આજે વધુ 5 ઉમેદવારો બિનહરીફ જાહેર થતા કુલ બાંટવા નગરપાલિકામાં 24 બેઠકો માંથી 15 બેઠકો પર ભાજપના ઉમેદવાર બિન હરીફજાહેર થયા છે.ત્યારે બાંટવા પાલિકામાં બહુમતી સાથે સત્તા કબ્જે કરી છે. જેમાં વોર્ડ નં.બેમાં ગિતાબેન રમણીકભાઇ મકવાણા, નિમર્ણાબેન તુલસીપરી ગોસ્વામી, કનુભાઇ રામદેભાઇ સોલંકી, વોર્ડ નં.3માં કુશુમબેન કિરીટભાઇ રાઠોડ, રસીલાબેન ગોવિંદભાઇ પરમાર, હિરીબેન જીવાભાઇ કોડીયાતર, ધીરજલાલ કણસાગરા જયારે વોર્ડ નં.4માં દિપ્તીબેન ભરતભાઇ કુરબાની, સુનિલકુમાર પિતાબંરનાથ જેઠવાણી, રામભાઇ સેજાભાઇ ગરચર અને વોર્ડ નં.પાંચમાં ગીતાબેન રણજીતભાઇ ડોડીયા, લીલાબેન પાંચાભાઇ વાઢેર, અમિતસિંહ રામસિંહ હેરમા અને હિંમતસિંહ માનસિંહ નકુમ આમ કુલ 15 ઉમેદવારો બિનહરિફ જાહેર થયા હતા. જયારે માંગરોળ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં.5ાંચના ક્રિષ્નાબેન કૌશીકભાઇ ઠાપણીયા, મિતીસાબેન મોહનભાઇ ભોદા, ધનસુખભાઇ માધાભાઇ ભોદા, રમેશભાઇ હરભાઇ ખોરવા આ ભાજપના ચાર ઉમેદવાર બિનહરિફ જાહેર થયા હતા.
જયારે જૂનાગઢ તાલુકાની 15 પ્લાસવા તાલુકા પંચાયતની સીટમાં કોંગ્રેસના ઉમેદવાર હેમીબેન હુંણે ફોર્મ પરત ખેંચતા ભાજપના ઉમેદવાર રંજુબેન ગોંડલીયા બિનહરીફ વિજેતા જાહેર થયા હતા. આમ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ભાજપનું બુલડોઝર ફરી વળ્યુ હતુ. ત્યારે ચૂંટણી પહેલા ભાજપના આગેવાનોમાં અને કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
લોકશાહીની હત્યા સાથે મતદારોના મત અધિકાર છીનવી લેવાનું કાર્ય ભાજપે કાર્ય કયું : કોંગ્રેસ
જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે રીતે ભાજપની બેઠકો બિનહરીફ જાહેર થઇ રહી છે. ત્યારે કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ અમિત પટેલ અને ઉમેદવાર મનોજ જોશીએ જણાવ્યું હતું કે, એક તરફ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી લોકશાહીના બંધારણને બચાવવા નીકળ્યા છે.તેવા સમયે ભાજપ દ્વારા લોકશાહીની હત્યા કરી રહ્યું છે.અને ચૂંટણી લોકશાહી ઢબે યોજવી જોઈએ તેના બદલે કોંગ્રેસના ઉમેદવારોને ધાકધમકી અને ડરાવી લાલચો અને પ્રલોભન આપીને ફોર્મ પરત ખેંચાવી રહ્યા છે.વધુ કહ્યું કે, હાર ભાળી ગયેલ ભાજપ કાવાદાવા કરીને ચૂંટણી જીતવા માંગે છે.ચૂંટણી લડવી હોઈ તો નેતિકતાથી લડવી જોઈએ અને જો ભાજપને જીતનો વિશ્વાસ છે.તો પછી લોકશાહી ઢબે ચૂંટણી લડી બતાવે તેમ જણાવ્યું હતું.