કાર્યકર્તાઓ હાથ ઘસતાં રહી ગયાં અને પેરાશૂટમાંથી રમેશ ટિલાળા ટપક્યાં!
દાયકાઓ સુધી સંઘર્ષ કરવાની જરૂ ર નથી, ધાર્મિક સંસ્થામાં ઘૂસી જાઓ અને વિધાનસભામાં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી મેળવો!
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ખોડલધામના ચેરમેન નરેશ પટેલે ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટિલાળાને સાથે રાખી લીધેલી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહની મુલાકાતનું પરિણામ આજે ભાજપે વિધાનસભા ચૂંટણીના જાહેર કરેલા ઉમેદવારોના નામમાં જોઈ શકાય છે. ખોડલધામના રમેશ ટિલાળાને રાજકોટ વિધાનસભા-70 પરથી ભાજપના ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે. રાજકોટ વિધાનસભાની દક્ષિણ બેઠક પર વર્તમાન ધારાસભ્ય ગોવિંદ પટેલ, ભરત બોઘરા, ધનસુખ ભંડેરી, નરેન્દ્ર સોલંકી જેવા સ્થાનિક નેતા, આગેવાનના નામ ચર્ચાઈ રહ્યા હતા તેવામાં આ બેઠક પરથી ખોડલધામના રમેશ ટિલાળાનું નામ જાહેર થયાની સાથે જ ખોડલધામ નરેશ પટેલનો ખેલ ખરો ઉતર્યો છે. ભાજપ નરેશ પટેલને શરણે થઈ ગયાનું ચિત્ર પણ ઉપસી રહ્યું છે. રાજકોટ વિધાનસભા દક્ષિણ બેઠક પર રમેશ ટિલાળાનું પેરેશૂટ લેન્ડીંગ થયું છે અને મતવિસ્તારમાં દાયકાઓ સુધી પક્ષ માટે ચંપલ સાથે પગના તળિયા ઘસનારાઓ હાથ ઘસતા રહી ગયા છે.
રાજકોટ વિધાનસભા-70 પરથી ઉમેદવાર તરીકે રમેશ ટિલાળાનું નામ જાહેર થતા ભાજપના વર્ષો જૂના કાર્યકરો-આગેવાનોને હવે રમેશ ટિલાળાના કાર્યકર બની કામ કરવું પડશે. આ સાથે જ એ પણ પુરવાર થયું છે કે, ભાજપમાંથી ટિકિટ મેળવવી હોય તો દાયકાઓ સુધી સંઘર્ષ કરવાની કોઈ જ જરૂર નથી. ધાર્મિક સંસ્થાઓ ઘૂસી જાઓ અથવા કોંગ્રેસમાંથી આવી જાઓ એટલે ભાજપમાંથી ટિકિટ મળી જશે. એટલું જ નહીં, જો ભાજપની ટિકિટની જોઈતી હોય તો પાટિલ, રૂપાણી, શાહનો નહીં પરંતું નરેશ પટેલનો સંપર્ક કરો. ખોડલધામ નરેશ જ કિંગમેકર છે!
ચાર્ટર્ડ પ્લેનનાં ધક્કા સફળ થયા, ચૂંટણી લડવાનો ધખારો પૂરો થશે
ખોડલધામના રમેશ ટિલાળા ચાર્ટર્ડ પ્લેનમાં અમદાવાદ-દિલ્હી સુધી જઈ ભાજપ મોવડી મંડળ સક્ષમ રાજકોટમાંથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી ચૂક્યા હતા. ખાસ વિમાન મારફતે અમિત શાહ સુધી પહોંચી ગયા હતા અને આજે ભાજપ દ્વારા વિધાનસભા ચૂંટણીના ઉમેદવારો જાહેર થતા રાજકોટ-70 બેઠક પર રમેશ ટિલાળાનું નામ જાહેર થતા તેમના ચાર્ટડ પ્લેનના ધક્કા સફળ થયા છે, હવે તેમનો ચૂંટણી લડવાનો ધખારો પૂરો થશે.
- Advertisement -
ભાજપની ટિકિટ જોઈતી હોય તો પાટિલ કે વિજયભાઈ કે અમિત શાહનો નહીં, નરેશ પટેલનો સંપર્ક કરો!
રાજકોટ-70 બેઠક પર ટિલાળા માટે કપરાં ચઢાણ સાબિત થશે: કાર્યકરો અને નેતાઓ જ નડશે
અત્રે ખાસ નોંધનીય છે કે, રમેશ ટિલાળાને રાજકોટ વિધાનસભા દક્ષિણ બેઠક પરથી ભાજપે ટિકિટ તો ફાળવી દીધી છે પરંતુ આ મતવિસ્તાર સાથે લેવાદેવા નથી તેવા રમેશ ટિલાળાને અહીં ચૂંટણી જીતવા કપરા ચઢાણ સાબિત થશે. કેમ કે, આ બેઠક પરથી નરેશ પટેલની મદદથી પેરાશૂટ લેન્ડ કરેલા રમેશ ટિલાળાને વિપક્ષ તો ઠીક તેમના જ પક્ષના કાર્યકરો, કોર્પોરેટરોથી લઈ નેતાઓ નડતરરૂપ બની શકે છે. હાલ ખોડલધામ, તેના ચેરમેન નરેશ પટેલ અને ટ્રસ્ટી રમેશ ટિલાળા ખુશ હશે પરંતુ તેમની આ ખુશી લાંબી તો જ ટકશે જો તેઓ જ્ઞાતિવાદની બાદબાકી કરી ચૂંટણી લડશે.
ભંડેરી, બોધરા, સોલંકી, પટેલને ઠેંગો, વિધાનસભા-70 ખુરશી પર રમેશ ટિલાળાનાં ધામા
વિધાનસભા-70 બેઠક પર ભાજપના વર્ષો જૂના જોગી એવા ધનસુખ ભંડેરી, ભરત બોધરા, નરેન્દ્ર સોલંકી અને ગોવિંદ પટેલની જગ્યાએ ખોડલધામના રમેશ ટિલાળાને ભાજપમાંથી ટિકિટ મળતા રાજકોટ વિધાનસભા દક્ષિણ બેઠકના ભાજપના ટોચના આગેવાનોથી લઈ પાયાના કાર્યકરો અચંબિત થઈ ગયા છે. ભાજપ મોવડી મંડળ દ્વારા ભંડેરી, બોધરા, સોલંકી, પટેલને ઠેંગો અને રાજકોટ વિધાનસભા દક્ષિણની ખુરશી પર રમેશ ટિલાળાનાં ધામા થતાં કેટલાયના સપનાં ચૂકનાચૂર થઈ ગયા છે.
વિધાનસભા-70 બેઠકમાં સ્થાનિક કોર્પોરેટર-કાર્યકરોની માંગ ન સંતોષાઈ
આજથી થોડા દિવસો પૂર્વે રાજકોટ વિધાનસભા-70 વિસ્તારના સ્થાનિક કોર્પોરેટર-કાર્યકરો દ્વારા એક બેઠક કરવામાં આવી હતી. આ બેઠકમાં રાજકોટ વિધાનસભા દક્ષિણના કોર્પોરેટર-કાર્યકરો દ્વારા પોતાના વિસ્તારના જ કોઈ ભાજપ આગેવાન કે કાર્યકરને ટિકિટ ફાળવવાની માંગ કરવામાં આવી હતી પરંતુ આજે ભાજપ દ્વારા વિધાનસભા ચૂંટણીના ઉમેદવારો જાહેર થતા વિધાનસભા-70 બેઠક પરથી આ મતવિસ્તાર બહારના ખોડલધામના રમેશ ટિલાળાનું નામ જાહેર થતા સ્થાનિક કોર્પોરેટર-કાર્યકરોની માંગ ન સંતોષાઈ નહતી. રાજકોટ વિધાનસભા દક્ષિણ વિસ્તારમાં રમેશ ટિલાળા મહેમાન ઉમેદવાર હોય છાનેખૂણે ભાજપના સ્થાનિક કાર્યકરો-કોર્પોરેટરો દ્વારા તેમનો વિરોધ શરૂ થઈ ચૂક્યો છે.