જો સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ દિવાળી ટાણે યોજાય તો?
ભવ્ય રાવલ
ગુજરાતની અંદર 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજવાનું આયોજન થઈ રહ્યું છે, પેટાચૂંટણી પછી ટૂંકસમયમાં જ 6 મહાનગરપાલિકા, 56 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 230 તાલુકા પંચાયત માટેની ચૂંટણી યોજવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કોરોનાને કોરાણે મૂકી ચૂંટણી જીતવા ભાજપ-કોંગ્રેસ સહિત હવે તો આમ આદમી પાર્ટી પણ સક્રિય બની છે. આગામી ચૂંટણીઓનાં આ ત્રીપાંખીયા જંગમાં હાલની પરિસ્થિતિ જોતા જો સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ દિવાળી ટાળે યોજાય તો ભાજપ, કોંગ્રેસને અને આમ આદમી પાર્ટીનું પરિણામ ભરેલા નારિયેળ સમાન છે. જો અને તો વચ્ચે ગુજરાતની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓમાં હાલ ક્યાંકને ક્યાંક અપસેટ સર્જાવવાની શક્યતાઓ જોવા મળી રહી છે. વર્તમાન સમય-સ્થિતિમાં પ્રજામાં સ્થાનિક સત્તાધારી પક્ષ પ્રત્યે ભારોભાર નારાજગી પ્રવર્તી રહી છે. પોતપોતાના ક્ષેત્રમાં રહેલા ભાજપ-કોંગ્રેસનાં બંને સત્તાધારીઓને આ લાગુ પડે છે અને એટલે જ સ્થાનિક સમસ્યાઓનું સમાધાન ન કરી શક્રનાર પક્ષ પોતપોતાના ક્ષેત્રમાં સત્તા ગુમાવશે જેમાં થોડું ઘણું નુકસાન ભાજપ અને કોંગ્રેસને થશે તો આંશિક ફાયદો આમ આદમી પાર્ટીને મળી શકે છે.
જો ભાજપની વાત કરવામાં આવે તો સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓમાં ભાજપને નુકસાન થવા પાછળનું મુખ્ય કારણ જનાક્રોશ છે. પ્રજામાં જોવા મળી રહેલો પ્રચંડ આક્રોશ વિપક્ષને (કોંગ્રેસ-આપ) આનંદ અપાવી શકે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આમ પણ મતદાન ઓછું થતું હોય છે એમાં પણ જો કોરોનાકાળમાં મતદારો મહત્તમ સંખ્યામાં મતદાન ન કરે અને ઓછું મતદાન થાય તો ભાજપને ભારેખમ ફટકો પડી શકે છે. આ સિવાય લોકડાઉનમાં ભાજપનાં કાર્યકરો, કોર્પોરેટરો, અગ્રણીઓ, ચેરમેનો, ધારાસભ્યો, સાંસદો, નેતાઓનું વલણ પણ જનતાને ઘણા જખમ આપી ગયું છે. જો જનતાનાં જખમ પર ભાજપે સમયસર મલમ ન લગાવ્યું તો પણ ભાજપને સત્તામાંથી હાથ ધોવાનો વારો આવશે. તૂટેલા રોડરસ્તા, છલકાતી ગટરો, ગંધાતા-ગોબરા જાહેર સ્થળો, પાર્કિંગથી લઈ પાણી-વીજ વગેરે સમસ્યા ભાજપ માટે સમસ્યા ઉભી કરશે જ સૌથી મોટી સમસ્યા એ નડશે કે, એક તરફ કોરોનાકાળનાં નિયમોમાં સામાન્ય જનતા ખૂબ જ દંડાઈ, પીસાઈ અને પીડાઈ તો બીજી તરફ કોરોનાકાળનાં નિયમો મોટા માણસોને જાણે લાગુ જ પડતા નહતા. ઉપરાંત વહિવટી, કાયદા, વ્યવસ્થા જેવા તંત્ર-વિભાગથી લઈ સરકારી, સહકારી, શૈક્ષણિક, ધાર્મિક સંસ્થાઓ પર ભાજપની ગેરવાજબી દખલગીરી-જોહુકમી કેટલાંયને કરડી રહી છે. નાના-મોટા મતદારો આ બધું જ મનમાં રાખી બેઠા છે, મતદાન તારીખની રાહ જોઈ બેઠા છે.
જો કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસ પાસે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી સત્તાસ્થાને બિરાજવાનો અમૂલ્ય અવસર લઈ આવી છે. જો કોંગ્રેસ આંતરિક જૂથવાદ, દેખાદેખી, લોભલાલચ મૂકી દે તો.. જો કોંગ્રેસનું શીર્ષ નેતૃત્વ મજબૂત બને તો.. જો કોંગ્રેસ ટિકિટોની વહેચણી ખરા વ્યક્તિઓને કરે તો.. જો કોંગ્રેસ વિપક્ષ તરીકે વધુ આક્રમક બને તો.. જો કોંગ્રેસ પોતાના ઉમેદવારોને ભાજપમાં ભળતા અટકાવી શકે તો.. જો કોંગ્રેસ આવેદનો-નિવેદનો આપવાની જગ્યાએ આયોજનબદ્ધ આંદોલનો કરે તો.. અને આ બધું જ થાય તો જ કોંગ્રેસ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી ચૂંટણી જીતી શકે તેમ છે. જો કોંગ્રેસ હાલ પ્રજાનો પડઘો બનનાર વિપક્ષ બને તો ચોક્કસ ભાજપને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓમાં પછડાટ આપી શકે. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીમાં થોડીઘણી મહેનત કરીને કોંગ્રેસ આસાનીથી પોતાના ક્ષેત્રમાં રહેલી સત્તા જાળવી શકે છે તો અન્ય ક્ષેત્રમાં પણ સત્તા પ્રાપ્ત કરી શકે તેમ છે. આગામી વિધાનસભાની ચૂંટણીઓ અગાઉ કોંગ્રેસ પાસે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ અભી નહીં તો કભી નહીં સમાન છે. જોકે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓમાં આ વખતે પ્રજામાં પણ એક તક, એક મત કોંગ્રેસને આપવાનો વિચાર હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. એટલે આગામી ચૂંટણીઓમાં કોંગ્રેસ કશું કર્યા વગર પણ ઘણું મેળવી શકે છે.
આ વખતે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓમાં ભાજપને કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટીથી પણ ખતરો છે. આમ આદમી પાર્ટી સીધેસીધી ભાજપને નુકસાન તો કોંગ્રેસને ફાયદો કરાવશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપનાં અણધાર્યા પ્રદર્શન થવાના એંધાણ પાછળ ’આપ’ પણ જવાબદાર રહી શકે છે. આમ આદમી પાર્ટી ભાજપનાં મત તોડશે એ નક્કી છે. આ સિવાય ભાજપથી નારાજ અને કોંગ્રેસથી નફરત કરતા મતદારો આમ આદમી પાર્ટીને મત આપી શકે છે અને આ રીતે આમ આદમી પાર્ટી પણ અપસેટ સર્જી થોડીઘણી બેઠકો મેળવી શકે છે. જો આમ આદમી પાર્ટી યોગ્ય વ્યક્તિઓનો પોતાના પક્ષમાં સમાવેશ કરે, જો શિક્ષણ અને આરોગ્ય સિવાય પ્રજાની નાનામાં નાની સમસ્યાઓને ઉજાગર કરે, જો સામાજિક સમસ્યાઓનું સમાધાન કરવામાં આગળ આવે, જો પક્ષને મજબૂત અને સંગઠનને મોટું બનાવે તો આમ આદમી પાર્ટી પણ દિલ્હી જેવું નહીં પરંતુ ચૂંટણીઓમાં ઉભા રહેલા ઉમેદવારો કે પક્ષનું નાક ન કપાઈ એવું પ્રદર્શન કરી શકે છે. જો આમ આદમી પાર્ટી જનતાનાં મુદ્દા ઉઠાવી જનતા સુધી પહોચવામાં સફળ જશે તો પણ નુકસાન ભાજપને જ છે. આમ આદમી પાર્ટી ભલે બધી બેઠકો જીતી ન શકે પણ ભાજપની લીડ તોડી ભાજપનો વિજયરથ અટકાવી શકે છે. ભાજપની બેઠક ઘટાડી શકે છે.
સ્થાનિક કક્ષાએ ભાજપે કોઈ કાર્યો કર્યા જ નથી એવું નથી પરંતુ હાલમાં મતદારોનો મિજાજ કઈક જુદો લાગી રહ્યો છે. એન્ટી ઈન્કમબન્સી પણ કહી શકો. જ્યાં મોદીનાં નામ કે કામથી પણ ચૂંટણી નહીં જીતી શકાય. ભલે અત્યારે મોદી..મોદી.. છે, રાજ્યમાં વિજયભાઈ રૂપાણી શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યાં છે પરંતુ મતદારોનાં મનમાં મોદી-રૂપાણી પ્રત્યેનો આદર જેટલો વધતો જાય છે એથી વધુ ભાજપ પ્રત્યેનો આક્રોશ, સ્થાનિક પ્રમુખ, કોર્પોરેટર, નેતા વિરુદ્ધ અનાદર વધતો જાય છે. સ્થાનિક કક્ષાએ સમાજની સમસ્યાઓ દૂર કરવામાં ભાજપની જેમ કોંગ્રેસ પણ કશું ઉકાળી કે ઉખાડી શકી નથી. વાયદાઓ અને તાયફોથી રીતસર લોકો કંટાળ્યા છે. પોતપોતાના સ્થાન પર સ્થાનિક કક્ષાએ રહેલા સત્તાધારી પક્ષે સામાન્ય માણસની સુખાકારીની જગ્યાએ સત્તાની સાઠમારીને મહત્વ આપ્યું. ધારાસભ્યોને પોતાના પક્ષમાં ભેળવ્યા. પક્ષપલટો કર્યો. મહામારીમાં પણ મહોત્સવ યોજ્યા. રિસોર્ટમાં રખડ્યા. કોઈ નક્કર કામગીરી નહીં માત્ર નકરી વાતો. સ્કૂલ ફી, દેવા માફી, લોનનાં ડીંડક, ઘરનું ઘર જેવી કેટકેટલી મોટી-મોટી સમસ્યાઓ તો ઠીક પણ કોર્પોરેશનનાં કૌભાંડો, ગામની ગંદકી, વરસાદી-ગટર પાણીનો નિકાલ, મચ્છરોનો ત્રાસ, યાર્ડનાં વિવાદ, શહેરનો ટ્રાફિક, ગંભીર રોગચાળા જેવી નાની-મોટી મુશ્કેલીઓ પણ પક્ષ-વિપક્ષમાં રહી દૂર કરી નાના માણસને નાની એવી મદદ કરી શક્યા નહીં આ પ્રમુખો, કોર્પોરેટરો, ચેરમેનો.. અંતે તો પ્રજાએ ચૂંટેલા પ્રજાનાં પ્રતિનિધિઓ જ ને? જો સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓમાં પોતપોતાના ક્ષેત્રમાં સત્તા જાળવી રાખવી હોય તો ભાજપ-કોંગ્રેસે કોઈ મોટો ચમત્કાર જ કરવો પડે અને એક-એક વ્યક્તિને વિશ્વાસ બેસાડવો પડે છે કે પોતે કરેલી ભૂલો સુધારશે, ભૂલોનું પુનરાવર્તન નહીં કરે. અને સૌથી અગત્યનું કે, માળખાકીય સુવિધામાં વધારો નહીં તો કઈ નહીં પણ જે સુવિધાઓ છે એનું સુવ્યવસ્થિત સંચાલન કરશે. જો આવું ન થયું કે જો આવું ન કર્યું તો..