વંથલી તાલુકાના સાંતલપુર ગામનો રોડ બિસ્માર
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.9
વંથલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના બિસ્માર રસ્તાઓથી ત્રાહિમામ પોકારી ઉઠેલ લોકો હવે આક્રમક મૂડમાં આવી ગયા છે જેને લઇ વંથલી તાલુકાના સાંતલપુર ગામના રોડ રસ્તાને લઈ ગ્રામપંચાયતના સરપંચ અને સભ્યોએ આગામી 5 દિવસમાં કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો સામૂહિક રાજીનામા આપવાની ચિમકી આપી છે.
આ અંગે ગામના સરપંચ વિપુલભાઈ કાપડિયાએ વહીવટી તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરી જણાવ્યું હતું કે વંથલી માણાવદર હાઈવેથી સાંતલપુર ગામ તરફ જતો સ્ટેટ આર એન્ડ બી નો 3 કિમીનો રસ્તો છેલ્લા ત્રણ વર્ષથી અતિ બિસ્માર હાલતમાં છે. અને આ રસ્તા પર હાલ ડામર રોડનું નામોનિશાન મટી ગયું છે અને ખેતરના રસ્તા હોય એવી હાલત થઈ ગઈ છે જેને લઇ રાંધણગેસ બાટલાનું વાહન પણ ન આવતું હોય લોકોએ બાટલો લેવા માટે 7 કિમી દૂર વંથલી જવું પડે છે તેમજ સ્કૂલના વાહન ચાલકોને પણ તકલીફ પડે છે જેને લઇ વિદ્યાર્થીઓ સમયસર સ્કૂલે પહોંચી શકતા નથી આ રસ્તા પર બેફામ 60 ટન રેતીના ઓવરલોડ વાહનો પસાર થઈ રહ્યા છે.
- Advertisement -
આ અંગે તંત્ર તેમજ ધારાસભ્યને પણ અનેકવાર રજૂઆત કરવા છતાં પોલીસ અને વહીવટી તંત્ર મીઠી નજર હેઠળ ચાલતું હોય એમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી આ ગામની મુલાકાતે કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવીયા, ધારાસભ્ય, કલેકટર તેમજ અન્ય અધિકારીઓ તેમજ રાજકીય નેતાઓ આ ગામની મુલાકાતે આવી ચૂક્યા છે તેમને પણ ગ્રામજનોએ વારંવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી જેને લઇ ગ્રામજનોમાં પણ ભારે રોષ છવાયો છે હવે ના છુંટકે મે તથા ગ્રામ પંચાયતના સભ્યોએ ગ્રામજનો સાથે ચર્ચા કરી અને અમો ભાજપ સાથે જોડાયેલ હોવા છતાં કામ ન થતા હોય અમોએ આગામી 5 દિવસમાં કોઈ નિર્ણય નહીં આવે તો તા.14 ના રોજ અમો સામુહિક રાજીનામા આપી દેશું તથા ભાજપના હોદ્દા તેમજ સભ્યપદેથી રાજીનામા આપવાની ચિમકી ઉચ્ચારી છે.