ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
જૂનાગઢના યુવકનું અપહરણ કરીને ઢોરમાર મારવાના ગુનામાં જેલમાં બંધ ભાજપના ધારાસભ્યના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ ઉર્ફે ગણેશ ગોંડલને આખરે હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. ગુજરાત હાઈકોર્ટે ગણેશ ગોંડલને જૂનાગઢમાં પ્રવેશ ન કરવાની શરતે જામીન આપ્યા છે.ગોંડલના વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા અને તેના મિત્રોએ અનુસુચિત જાતિના કોંગ્રેસ નેતા રાજુ સોલંકીના પુત્રનું અપહરણ કરીને ઢોર માર માર્યો હતો.
- Advertisement -
આ કેસમાં જેલમાં કેદ ગણેશ ગોંડલ સહિત 5 જણાએ જૂનાગઢની કોર્ટમાં નિયમિત જામી માટે અરજી કરી હતી. જો કે કોર્ટે રેગ્યુલર જામીનની અરજી ફગાવી દેતા ગણેશ ગોંડલે હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. આ મામલે હાથ ધરાયેલી સુનાવણીમાં કોર્ટ દ્વારા બન્ને પક્ષોની દલિલોને ગ્રાહ્ય રાખીને આરોપી ગણેશ ગોંડલને રૂ. 10 હજારના બોન્ડ પર જામીન આપ્યા છે. આ સાથે જ આગામી 6 મહિના સુધી જૂનાગઢમાં નહી પ્રવેશવાની શરત રાખવામાં આવી છે. આ મામલે એડવોકેટ પ્રશાંત ખંઢેરિયા તથા સિનિયર એડવોકેટ ભાર્ગવ ભટ્ટ દ્વારા દલીલો કરવામાં આવી હતી.