મોરબી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેને દારૂના વેપલા સામે કરી લાલ આંખ
ખાસ-ખબર સંવાદદાતા
હળવદ તાલુકામાં પાણીની જેમ દેશી દારૂ માંગો ત્યાં મળે છે ત્યારે વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવે છે.પરંતુ માત્ર કહેવા પુરતી જ કામગીરી કરીને પોલીસ તંત્રએ સંતોષ માની લેતા દારૂનું દુષણ વધ્યું છે ત્યારે હળવદ તાલુકાનું સૌથી મોટું ગામ અને લગભગ 15 હજારની વસ્તી ધરાવતા ચરાડવા ગામમાં દેશી દારૂનો ધંધો ખુણે ખાંચકે જોવા મળી રહ્યો છે જેને લઈને દેશી દારૂના વેપલા સામે પગલા ભરવા મોરબી જિલ્લા પોલીસ વડાને જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પ્રવિણભાઈ સોનગ્રાએ રજૂઆત કરી છે.
- Advertisement -
આ રજૂઆતમાં જણાવાયું છે કે, ચરાડવા ગામમાં રાજલ માતાનું મંદિર, મહાકાળી આશ્રમ તેમજ સ્વામિનારાયણ મંદિર સહિત અલગ અલગ જગ્યાઓ પર મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોય છે ત્યારે દર્શનાર્થીઓની સુરક્ષા જળવાય અને જ્યાંને ત્યાં વેચાતા દેશી દારૂને અંકુશમાં લેવા મોરબી જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી છે. વધુમાં પ્રવિણભાઈએ જણાવ્યું હતું કે, ચરાડવા ગામે રાજલનગર તેમજ કેટી મીલ પાસે અલગ અલગ જગ્યાએ દેશી દારૂ તેમજ માસ મટન જેવો વેપાર ફુલ્યો ફાલ્યો છે જેને લઈને અગાઉ પણ જનતા રેડ કરવામાં આવી હતી પરંતુ તંત્ર યોગ્ય પગલા નહીં ભરતું હોવાથી જાહેરમાં અને જાહેર જગ્યાઓ પર દેશી દારૂનું દુષણ ફુલ્યું છે જેથી કરીને દેશી દારૂનો વેપલો બંધ કરાવવા મોરબી જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી છે.