જિલ્લા ભાજપ પ્રમુખમુકેશ લંગાળીયાના વિધાને વિવાદ સર્જ્યો
ભાજપ પ્રમુખના સસ્પેન્શનની માંગ સાથે રેલી કાઢી પુતળું બાળ્યું, સી.આર. પાટીલ સુધી રજૂઆત કરાશે
- Advertisement -
ભાજપની બેઠકમાં ગેરહાજર રહી સમાજના કાર્યક્રમમાં ઉપસ્થિતિ રહેતા તાલુકા મહામંત્રી વિરુદ્ધ ધમકીભર્યા સૂરથી કારડીયા રાજપૂત સમાજમાં રોષ
ખાસ-ખબર સંવાદદાતા
ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ ભાજપમાં વધતા જતા વિવાદો અને વિખવાદોને કારણે એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ સર્જાઈ છે. ભાવનગર જિલ્લા ભાજપના પ્રમુખ મુકેશ લંગાળીયા પોતાની વાણી વર્તણૂકને કારણે અવાર નવાર વિવાદોમાં સપડાતા રહે છે.
ત્યારે તાજેતરમાં સિહોરમાં ભાજપની બેઠકમાં ગેરહાજર રહી તાલુકા મહામંત્રી કારડીયા રાજપૂત સમાજના કાર્યક્રમમાં જતા “ભાજપ મોટો કે કારડીયા રાજપૂત સમાજ..?’નું તાલુકા ભાજપ પ્રમુખને કહી મહામંત્રીનું રાજીનામું લઈ લેવા સુધીના ધમકીભર્યા સૂરોથી કારડીયા રાજપૂત સમાજમાં રોષ ફેલાયો છે. જિલ્લા ભાજપના પ્રમુખનું પૂતળું બાળી તેઓને સસ્પેન્ડ કરવાની માંગણી કરી છે. ભાવનગર જિલ્લા ભાજપનું સંગઠનનું માળખું માંડ માંડ વ્યવસ્થિત ચાલે છે ત્યાં ખુદ જિલ્લા ભાજપના પ્રમુખ મુકેશભાઈ લંગાળીયાના વિવાદો ઊભા થાય છે. અગાઉ પણ તેઓની વિરુદ્ધમાં ફરતી પત્રિકાઓને લઈ પ્રદેશ કક્ષા સુધી ફરિયાદો થઇ હતી. ત્યારબાદ ભાજપના કાર્યક્રમોમાં અને સંગઠનની બેઠકોમાં પણ હોદ્દેદારો સામે ધમકીભર્યાસૂર વાપરતા હોવાની પણ ભાજપના જ આગેવાનો દ્વારા પ્રદેશ હોદ્દેદારોને રજૂઆતો થઇ હતી.
ત્યારે તાજેતરમાં સિહોર તાલુકા ભાજપની મળેલી બેઠકમાં તાલુકા મહામંત્રી વિજયસિંહ ચુડાસમા હાજર નહીં હોવાથી તાલુકા પ્રમુખ કાળુભાઇ ચૌહાણને પૂછતાં કારડીયા રાજપૂત સમાજના ઇનામ વિતરણ કાર્યક્રમમાં ગયા હોવાથી વિજયસિંહ ભાજપની બેઠકમાં હાજર રહ્યા ન હોવાનું જણાવ્યું હતું. જેથી અકળાયેલા જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશભાઈ લંગાળીયાએ
- Advertisement -
“રાજપુત કારડીયા રાજપૂત સમાજ મોટો કે ભાજપ મોટું.. આવી માનસિકતામાંથી બહાર નીકળો. મહામંત્રી છે તેની જવાબદારી સમજવી જોઈએ.. અમે ભાજી મુળા છીએ..’ કહી તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઇને મહામંત્રી વિજયસિંહ ચુડાસમાનું રાજીનામું લઇ લેવા ધમકીભર્યા સુૂરમાં જણાવતા અને તે ઓડિયો વાયરલ થતાં કારડીયા રાજપૂત સમાજમાં રોષ ફેલાયો છે.
રાજપૂત સમાજના અપમાનજનક શબ્દોની વિરુદ્ધમાં શિહોર રેસ્ટ હાઉસ ખાતે કારડીયા રાજપુત સમાજ અને કરણી સેનાની બેઠક મળી હતી અને કારડિયા રાજપૂત સમાજ વિષે ટીપણી કરવાના વિરોધમાં સિહોર ખાતે ભાવનગર જિલ્લા કારડિયા રાજપૂત સમાજ વિકાસ મંડળના ઉપ-પ્રમુખ લાભુભાઈ સોલંકી તેમજ ઘનશ્યામસિંહ મોરીની આગેવાનીમાં બહોળી સખ્યામાં યુવાનોએ મુકેશ લંગાળિયાનું પૂતળું બાળી વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાજકીય હડકંપ મચી છે ત્યારે મુકેશ લંગાળાએ પોતાનો મોબાઈલ પણ સ્વીચ ઓફ કરી દીધો છે.
પ્રદેશ પ્રમુખ પાટીલને કરાશે રજૂઆત
ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશભાઈ લંગાળીયાના નિવેદનથી રાજપૂત સમાજનાં યુવાનોમાં રોષ ફાટી નીકળ્યો છે વિકાસ મંડળના ઉપ પ્રમુખ અને વલ્લભીપુર ભાજપના લાભુભાઈ સોલંકીએ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ ભાવનગર આવી રહ્યા તેમાં કારડિયા રાજપૂત સમાજના આગેવાનો એકઠા થઇ મુકેશ લંગાળિયાને સસ્પેન્ડ કરવા આવેદન પત્ર પાઠવશે તેમ જણાવેલ.