પોલીસે સમજાવ્યા છતાં આપ અધ્યક્ષ અને કાર્યકરો માન્યા નહીં, ધરાર ભાજપ કાર્યાલયમાં ધસી જઈ ડખ્ખો કર્યો
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
સુરત પાલિકામાં વિરોધ કરી રહેલા આમ આદમી પાર્ટીના કોર્પોરેટર સહિતના કાર્યકર્તાઓને ગઈકાલે પોલીસ અને માર્શલોએ ખેંચીખેંચીને બહાર કાઢ્યા હતા. જેથી આજે આમ આદમી પાર્ટી દ્વારા ભાજપ કાર્યાલય ખાતે વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા સહિતના કાર્યકરોએ સુરત ભાજપ કાર્યાલય પર જઈને મારામારી કરી હતી. ઉલ્લેખનીય છે કે, ભાજપ કાર્યાલય પર આવતા આપનાં કાર્યકરોને પોલીસે રોક્યા હતાં. ભાજપ કાર્યાલયે આવેલાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ પોલીસની હાજરીમાં ભાજપના કાર્યકરોને માર માર્યો હતો. આ વિરોધ પ્રદર્શન વચ્ચે ભાજપના કાર્યકરોએ ભારત માતાકી જય અને ખાલિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા.
ગોપાલ ઈટાલિયાની ગુંડાગર્દી : અગાઉ પણ કમલમ ખાતે મારામારી કરેલી
આજ રોજ સુરત ભાજપ કાર્યાલય પર વિરોધ પ્રદર્શન કરવા પહુંચેલા આપ કાર્યકરો સાથે તેનો પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા પણ હતો. ગોપાલ ઈટાલિયા ગુંડાગર્દી કરવા પંકાયેલો છે. ગૃહમંત્રી પર જોડું ફેંકવાથી લઈ ઉપમુખ્યમંત્રીને ફોન કરવા સુધી ગોપાલ ઈટાલિયાનાં કાળા કારનામાઓની સૂચિ બહુ જ લાંબી છે. આ અગાઉ પણ ગોપાલ ઈટાલિયાએ દારૂ પીધેલા ઈસુદાન ગઢવી અને આપ કાર્યકરો સાથે મળી ભાજપ કાર્યાલય કમલમ ખાતે પણ મારામારી કરેલી હતી ત્યારે વધુ એક વખત ગોપાલ ઈટાલિયાએ સુરત ભાજપ કાર્યાલય ખાતે મારામારી કરી છે.
આપનાં નેતાઓ રેલી કરવા ભાજપ કાર્યાલયે પહોંચ્યા હતા કે મારમારી કરવા?
સુરત ભાજપ કાર્યાલય ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો દેખાવો કરવા આવવાના છે તેવી જાહેરાત બાદ ભાજપ કાર્યાલય બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. જ્યારે બીજી તરફ ભાજપના કાર્યકરો પણ કાર્યાલયમાં ભેગા થયા હતા. આપેલા સમય કરતાં એક કલાક પછી આમ આદમી પાર્ટીના કાર્યકરો રેલી સ્વરૂપે આવ્યા હતા. ભાજપ કાર્યાલય બહાર જ મુકેલી પોલીસવાનમાં તેમને બેસાડી દેવામાં આવ્યા હતા. જોકે કેટલાક આમ આદમી પાર્ટીના કાર્યકરોએ પોલીસની પકડમાંથી છૂટીને ભાજપ કાર્યાલય પર જવાનો પ્રયાસ કર્યો હતો અને મારામારી શરૂ કરી દીધી હતી. જેના કારણે ભાજપ કાર્યાલય પર ઉભેલા ભાજપના કાર્યકરો તેમની સામે ધસી ગયા હતા. આ દરમિયાન સૌથી મોટો પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે, સુરતમાં આપનાં નેતાઓ રેલી કરવા ભાજપ કાર્યલયે પહોંચ્યા હતા કે મારમારી કરવા?



