બુકી બજાર ગરમ: જામનગરમાં રીવાબા, ગોંડલમાં ગીતાબા જાડેજા ફેવરિટ
કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજગુરૂનો ભાવ 1.15 પૈસા અને આપના ઉમેદવાર રાહુલ ભુવાનો ભાવ 12 ખુલ્યો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન આજે પૂર્ણ થયા બાદ સૌરાષ્ટ્રની કેટલીક હાઈપ્રોફાઈલ બેઠકોના ભાવ બુકીઓએ ખોલ્યા છે. જે મુજબ આખા ગુજરાતની જે બેઠક ઉપર નજર છે તે રાજકોટ પશ્ચિમ બેઠક પરના ભાજપના ઉમેદવાર ડો.દર્શિતા શાહનો 30 પૈસા, કોંગ્રેસના ઉમેદવાર મનસુખભાઈ કાલરીયાનો ર.પ0 પૈસા અને આપના ઉમેદવાર દિનેશ જોશીનો રૂ. 1પ ભાવ ખુલ્યો છે. રાજકોટ પૂર્વ બેઠક પરના ભાજપના ઉમેદવાર ઉદય કાનગડનો ભાવ 70 પૈસા, કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજગુરૂનો ભાવ 1.રપ પૈસા અને આપના ઉમેદવાર રાહુલ ભુવાનો ભાવ 1ર ખુલ્યો છે.
રાજકોટ દક્ષિણ બેઠકમાં ભાજપના ઉમેદવાર રમેશ ટીલાળાનો ભાવ પ0 પૈસા, કોંગ્રેસના ઉમેદવાર હિતેષ વોરાનો ભાવ રૂ.1.90 પૈસા અને આપના ઉમેદવાર શિવલાલ બારસીયાનો ભાવ રૂ.1પ ખુલ્યો છે. જયારે રાજકોટ ગ્રામ્ય બેઠક પરના ભાજપના ઉમેદવાર ભાનુબેન બાબરીયા અને કોંગ્રેસના ઉમેદવાર સુરેશભાઈ બથવારનો ભાવ એક સરખો એટલે કે 90 પૈસા ખુલ્યો છે. જેનો મતલબ છે કે બુકીઓના મતે આ બેઠક ઉપર ખુબ જ રસાકસીભર્યો જંગ છે.
જેતપુરની બેઠકનો ભાવ ખુલ્યો નથી આમ છતાં બુકીઓ ભાજપના ઉમેદવાર જયેશ રાદડીયાને હોટફેવરીટ માની રહ્યા છે અને તેની 60 થી 70 હજાર મતની લીડથી જીત થશે તેમ માની રહ્યા છે. વિસાવદરની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ભાજપમાં ભળેલા હર્ષદ રીબડીયા ફેવરીટ છે. બુકીઓએ તેનો ભાવ 40 પૈસા અને કોંગ્રેસના ઉમેદવારનો ભાવ રૂ.ર ખોલ્યો છે.ખંભાળીયાની બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર વિક્રમ માડમને હોટફેવરીટ ગણી બુકીઓએ તેનો ભાવ 7પ પૈસા, ભાજપના ઉમેદવાર મુળુભાઈ બેરાનો ભાવ 1.ર0 પૈસા અને આપના ઉમેદવાર ઉપરાંત મુખ્યમંત્રી પદના દાવેદાર ઈશુદાન ગઢવીનો ભાવ 8 રૂપિયા ભાવ ખોલ્યો છે.
જામનગર ઉતરની બેઠક પરથી ભાજપ તરફથી ઝુંકાવનાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબાને પણ બુકીઓ ફેવરીટ ગણી રહ્યા છે. તેનો ભાવ 7 પૈસા અને તેની સામે કોંગ્રેસ અને આપના ઉમેદવારનો ભાવ રૂ.10-10 ખુલ્યો છે. રાજયભરમાં સૌથી સંવેદનશીલ ગણાવાયેલી ગોંડલની બેઠક પરના ઉમેદવાર ગીતાબા જાડેજાની જીતના ચાન્સ વધુ હોવાનું બુકીઓ માની રહ્યા છે. તેમના 40 પૈસાના ભાવ સામે કોંગ્રેસના ઉમેદવાર યતિષ દેસાઈનો ભાવ રૂ.ર ખુલ્યો છે.
અમરેલીની બેઠક પર ભાજપના ઉમેદવાર કૌશિક વેકરીયાનો ભાવ પ0 પૈસા અને તેની સામે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીનો ભાવ રૂ.ર ખુલ્યો છે. ગીર સોમનાથની બેઠક પર ભાજપના ઉમેદવાર માનસિંહ પરમાર અને કોંગ્રેસના ઉમેદવાર વિમલ ચુડાસમાનો ભાવ એક સરખો 90 પૈસા ખુલ્યો છે. બુકીઓના મતે આ બેઠક ઉપર પણ રસાકસી રહેશે.