રાજ્યમાં હજુ કાતિલ ઠંડીનો પ્રકોપ યથાવત છે. રાજ્યના 11 શહેરોમાં 10 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું છે. તો 2.4 ડિગ્રી તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે.
ગુજરાતમાં કાતિલ ઠંડીનો સેકન્ડ રાઉન્ડ શરૂ થઇ ગયો છે. ગુજરાતમાં ફરી એકવાર કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. જોકે હજુ પણ ઠંડીનો ભારે ચમકારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ઠંડીથી અનેક શહેર ઠુઠંવાયા છે. રાજ્યના 11 શહેરોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચું નોંધાયું છે. આ ઉપરાંત નલિયામાં 2.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જેથી નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. નલિયામાં 2.4 ડિગ્રી તાપમાન રહેતા લોકો ધ્રુજી ઉઠ્યા છે. કરચ્છ પંથકમાં શિત લહેર ફરી વળી છે.
- Advertisement -
આજે કાતિલ ઠંડીના પ્રકોપ સામે મળી આંશિક રાહત
અમદાવાદ શહેરમાં ગઈ કાલે 9.7 ડિગ્રી ઠંડી પડતાં લોકો રીતસર ઠૂંઠવાયા હતા. ગઈ કાલની ઠંડી તો ટોક ઓફ ધ ટાઉન બની હતી. લોકો ગરમ વસ્ત્રો પહેરીને પણ ઠંડીથી ધ્રુજતા હતા. તેની સરખામણીમાં આજે કાતિલ ઠંડીના પ્રકોપ સામે હવામાનમાં આંશિક રાહત મળી છે. લોકો આજે પણ હાડ થીજાવતી ઠંડીથી બચવા ગરમ વસ્ત્રો પહેરીને કામધંધાએ જવા નીકળ્યા હતા.
લોકોએ તાપણા કરી ઠંડી સામે હૂંફ મેળવી
ઠેરઠેર તાપણાં પેટાવી લોકોએ ઠંડી સામે હૂંફ મેળવી હતી. સાધનસંપન્ન ઘરોમાં હીટર ચાલુ રહ્યાં હતાં, જોકે ઠંડીના પ્રકોપથી સ્વાસ્થ્યપ્રેમી એવા મોર્નિંગ વોકર્સ ગેલમાં આવી ગયા છે. મોર્નિંગ વોકર્સ તેમની રોજિંદી વોકિંગ પ્રેક્ટિસની સાથે આરોગ્યપ્રદ પીણાંની જ્યાફત માણી રહ્યા છે.
કચ્છમાં 1 દિવસ કોલ્ડવેવની આગાહી
રાજ્યના હવામાન વિભાગે આગાહી સામે આવી છે. જેમાં કચ્છમાં 1 દિવસ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. આગામી સમયમાં ઠંડીથી લોકોને રાહત મળશે તેવું પણ જણાવ્યું છે. આગામી સમયમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થશે. તેમજ પશ્ચિમી વિક્ષોભને કારણે તાપમાનમાં ફરી વધારો આવશે.