ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદથી ક્રિપ્ટો માર્કેટમાં ચહલપહલ વધી છે. પરિણામે બિટકોઈન સતત નવી ટોચ નોંધાવી રહ્યો છે. આજે ફરી નવી 94002.87 ડોલરની રેકોર્ડ સપાટીએ પહોંચ્યો હતો. જે બાદમાં 1.03 ટકા ઉછાળે 92671.11 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો હતો.
મીડિયા રિપોર્ટ અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પની સોશિયલ મીડિયા કંપની ક્રિપ્ટો ટ્રેડિંગ ફર્મ બક્કટ ખરીદવા જઈ રહી છે. જેથી ડોનાલ્ડ ટ્રમ્પ સત્તાની કમાન સંભાળતાં જ ક્રિપ્ટો કરન્સી મુદ્દે અનુકૂળ માહોલ પ્રદાન કરે તેવી અપેક્ષાઓ વધી છે. પરિણામે ક્રિપ્ટો કરન્સી માર્કેટમાં તેજીનો જુવાળ જોવા મળ્યો છે. ક્રિપ્ટો કરન્સી માર્કેટની વેલ્યૂ 3.09 લાખ કરોડ ડોલર થઈ છે. જે કેનેડા જેવા ઘણા વિકસિત દેશોની જીડીપી કરતાં વધુ છે.
- Advertisement -
બિટકોઈનમાં બમણાથી વધુ રિટર્ન
ચાલુ કેલેન્ડર વર્ષ 2024માં બિટકોઈનમાં રોકાણકારોને રેકોર્ડ ટોચથી બમણાંથી વધુ રિટર્ન મળ્યું છે. 31 ડિસેમ્બર, 2023ના રોજ 42265.19 ડોલર સામે 122.41 ટકા ઉછળી 94002 ડોલરની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો છે. ટ્રમ્પની જીતની શક્યતાઓ, જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ સહિત વૈશ્વિક પડકારો વચ્ચે ક્રિપ્ટો માર્કેટમાં આકર્ષક ઉછાળો આવ્યો છે.
બિટકોઈન 1 લાખ ડોલરનો થશે
- Advertisement -
આઈજી માર્કેટ એનાલિસ્ટ ટોની સાઈકેમોરના જણાવ્યા અનુસાર, બિટકોઈન ટ્રમ્પની આ ડીલની જાહેરાત સાથે બિટકોઈનમાં મોટો ઉછાળો આવશે. વધુમાં ટ્રેડર્સ બિટકોઈન ઈટીએફમાં રોકાણ વધારી રહ્યા છે. જેથી બિટકોઈન ઝડપથી 1 લાખ ડોલરનું લેવલ ક્રોસ કરે તેવી સંભાવનાઓ વધી છે. ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ચૂંટણી પ્રચારમાં ડિજિટલ એસેટ્સ માટે ઓછા પ્રતિબંધો સાથે રેગ્યુલેટરી સુધારાઓ લાવવાનું વચન આપ્યું હતું. જાન્યુઆરીમાં રાષ્ટ્રપતિની ખુરશી સંભાળ્યા બાદ ટ્રમ્પ આ મુદ્દે અમલ કરે તેવી અપેક્ષા સાથે સંસ્થાકીય રોકાણકારો ક્રિપ્ટોમાં રોકાણ વધારી રહ્યા છે.