એક પ્રાથમિક શાળામાં નવા આવેલા શિક્ષક આત્મીયતા કેળવવા માટે વિદ્યાર્થીઓ સાથે તેઓના અંગત જીવન અંગે વાતો કરતા હતા.
શિક્ષક: બેટા, તારું નામ શું છે ?
વિદ્યાર્થી: સર, મારું નામ માનવ છે.
શિક્ષક: માનવ, તારી ઉંમર કેટલી છે બેટા ?
વિદ્યાર્થી: સર, 8 વર્ષ.
શિક્ષક: ઓકે બેટા, તારા પપ્પાની ઉંમર કેટલી છે ?
વિદ્યાર્થી: જી સર, 8 વર્ષ.
શિક્ષક: અરે બેટા, તારી નહીં તારા પપ્પાની ઉંમર પૂછું છું.
વિદ્યાર્થી: સર, મારા પપ્પાની ઉંમર 8 વર્ષ જ છે.
શિક્ષકને લાગ્યું કે હું જે પૂછું છું તે આ બાળક સમજતો નથી. એટલે શિક્ષકે આ જ પ્રશ્ન જરા જુદી રીતે પૂછ્યો, માનવ તારા પિતાની વાત મૂક. મને એ કહે તારા મમ્મીની ઉંમર કેટલી છે ?
વિદ્યાર્થી: સર, 8 વર્ષ.
શિક્ષક: અરે ભાઈ, તારી ઉંમર 8 વર્ષ છે એ બરાબર; પણ તારા મમ્મી-પપ્પા હંમેશા તારા કરતા મોટાં જ હોય. એની ઉંમર તારા જેટલી ન હોય. આવી સામાન્ય સમજ પણ નથી તને ?
વિદ્યાર્થી: સર, મેં બરાબર વિચારીને જ જવાબ આપ્યો હતો. મારા જન્મ બાદ જ મારા પપ્પા પપ્પા બન્યા અને મારી મમ્મી મમ્મી બની. એ પહેલા તો એ માત્ર પુરુષ અને સ્ત્રી જ હતાં. એટલે એની માતા-પિતા તરીકેની ઉંમર તો મારા જેટલી જ ગણાય ને સર ?
યાદ રાખજો બાળકના જન્મ બાદ એક પુરુષનો પિતા તરીકે અને એક સ્ત્રીનો માતા તરીકે નવો જન્મ થાય છે. જો આ નવો જન્મ થઈ ગયો હોય તો એને સાર્થક કરો; અને જો આ નવો જન્મ થવાનો બાકી હોય તો એને સાર્થક કરવાની તૈયારી રાખજો.
સંતાનો દ્વારા મા-બાપ જન્મે છે
– સંસ્કૃત સુભાષિત



