વૈશ્ર્વિક શાંતિ માટે દરરોજ પાંચ મિનિટની પ્રાર્થના કરવાની અપીલ
ખાસ-ખબર ન્યૂઝ વિરપુર
બ્રહ્માકુમારિઝ વિશ્વ વિદ્યાલય દ્વારા ગુજરાત વર્ષ 2025ને આધ્યાત્મિક સેવાના ડાયમંડ જ્યુબિલી વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. આ અવસરે બિલિયન મિનિટ ઓફ પીસ અપીલ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં 100 કરોડ શાંતિ દાનની મિનિટ એકત્રિત કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે.
- Advertisement -
આ અંતર્ગત સૌરાષ્ટ્રના યાત્રાધામ વિરપુર કેન્દ્રમાં પૂર્વ આરોગ્ય ચેરમેન જનકભાઈ ડોબરિયા, વેપારી અગ્રણી રમેશભાઈ ગઢિયા, બાબુસાહેબ ડોબરિયા, ગાયત્રી મુક્તિધામ મહિલા મંડળ તથા રાધેશ્યામ મહિલા મંડળની બહેનો અને બ્રહ્માકુમારીઝ કેન્દ્રની સુશીલાબહેનની આગેવાનીમાં આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
ગુજરાત ઝોન દ્વારા આયોજિત આ સેવા સમય 24 ઓક્ટોબર (યુ.એન. દિવસ)થી 21 ડિસેમ્બર (વલ્ર્ડ મેડિટેશન ડે) સુધી રહેશે. આ સમયગાળામાં દરેક વ્યક્તિએ રોજ ઓછામાં ઓછી પાંચ મિનિટ વૈશ્વિક શાંતિ માટે ધ્યાન અને પ્રાર્થના કરવાનો સંકલ્પ કરવો છે.
આ પ્રોજેક્ટનો હેતુ આજના યુદ્ધ અને અશાંતિથી ઘેરાયેલા વિશ્વમાં શાંતિ અને એકતાનો સંદેશ ફેલાવવાનો છે. વિરપુરમાં યોજાયેલ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી.



