ગુજરાતના કાશી ગણાતા લકુલીશ મંદિરમાં આખું બિલી વન જ ઉભું કરાયું છે
ખાસ-ખબર સંવાદદાતા
આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે. વહેલી સવારથી ગુજરાતના વિવિધ શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. હર હર મહાદેવના નાંદથી શિવાલયો ગુંજી ઉઠ્યા છે. જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ મહાદેવના દર્શન કર્યા છે. ત્યારે આજના દિવસે ભગવાન શિવને બિલી પાન ચઢાવવાનું અનેરું મહત્વ હોય છે. આ માટે ગુજરાતના કાશી ગણાતા લકુલીશ મંદિર ખાતે આખું બિલી વન જ ઉભું કરાયું છે.
સમગ્ર ગુજરાતમાં હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે જેમાં અનેક શિવાલયો ભક્તોની ભીડથી ઉભરાયા છે. તેવામાં ગુજરાતનું કાશી ગણાતા એવા ડભોઇ તાલુકાના કાયાવરોહણ ગામે આવેલ લકુલીશ મંદિર ખાતે ભક્તો અને શ્રદ્ધાળુઓ માટે વિશેષ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં મંદિરની વિશાળ જગ્યામાં ભગવાન શિવના અતિ પ્રિય બીલીપત્રનું વન બનાવવામાં આવ્યું છે.
- Advertisement -
આ બિલીપત્રના વનમાં હાલ 150થી વધારે બિલીપત્ર ઝાડ ઉછેરવામાં આવ્યા છે. આ મંદિર પરિસરમાં ઉગેલા બિલીથી જ શ્રાવણ માસ દરમિયાન બીલીપત્ર લકુલીશ ભગવાન ઉપર ચડાવવામાં આવે છે. શ્રાવણ માસના મહિના દરમિયાન 10 લાખથી વધારે બિલી ભગવાનને અર્પણ કરવામાં આવે છે.
આ લકુલિસ મંદિરને ગુજરાતનું કાશી ગણવામાં આવે છે. જેના કારણે શ્રાવણ માસ તેમજ અન્ય દિવસોમાં ભક્તો દ્વારા ફોન પર જ બ્રાહ્મણોને બીલીપત્ર ચઢાવવા માટે કેહવામાં આવે છે. સાથે જ લકુલેશ મંદિરે ભક્તો આવીને જળા અભિષેક સાથે 500, 1000 અને 2000 જેટલી બીલીપત્ર ચઢાવી ધન્યતા પ્રાપ્ત કરે છે.
આંતર રાજ્યોમાંથી જે ભક્તો આવી ન શકે તે માટે મંદિર પ્રશાસનના ફોન કરીને પોતાની ઈચ્છા મુજબ બીલીપત્ર ચઢાવવા માટે ફોન કરીને કહેવામાં આવે છે. હાલ તો 150 જેટલા બીલીના ઝાડ છે છતાં પણ શ્રાવણ માસથી અંદર બીલીપત્ર ઓછા પડે છે.
આ બિલપત્ર તોડવા માટે બે કામદારોની નિમણુંક કરવામાં આવી છે. તેઓ આખો દિવસ બીલીપત્ર તોડવામાં ધ્યાન આપે છે.
હાલ તો શ્રાવણ માસમાં રોજિંદા પણ હજારો ભક્તો ભગવાનના મંદિર આવે છે અને દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરે છે.