પટના જિલ્લામાં 23.71% સાથે અત્યાર સુધીનું સૌથી ઓછું મતદાન થયું છે. આ તબક્કામાં ઘણા ટોચના નેતાઓ મેદાનમાં છે, જેમાં વિપક્ષના સીએમ ચહેરો તેજસ્વી યાદવ અને નીતિશ સરકારમાં એક ડઝનથી વધુ BJP અને JD(U) પ્રધાનોનો સમાવેશ થાય છે.
બિહાર ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન: 121 મતવિસ્તારોમાં મતદાનની ગતિ વધી રહી છે
- Advertisement -
બિહાર વિધાનસભા ચૂંટણી-2025ના પહેલા તબક્કાનું મતદાન ગુરુવારે(6 નવેમ્બર) શરૂ થઈ ગયું છે.. 121 બેઠકો પર આજે સવારે સાત વાગ્યાથી વોટિંગ શરૂ થયું. ચૂંટણીના પહેલા તબક્કામાં 3.75 કરોડ મતદારો 1314 ઉમેદવારોના ભવિષ્યનો નિર્ણય કરશે. જેમાં મહાગઠબંધનના મુખ્યમંત્રી પદનો ચહેરો તેજસ્વી યાદવ અને ભાજપના ઉમેદવાર સમ્રાટ ચૌધરી સિવાય વિજયકુમાર સિન્હાની સાથે-સાથે 16 મંત્રીઓનું ભાવિ દાવ પર છે.
તેજસ્વી યાદવ રાઘોપુર બેઠક પરથી સતત ત્રીજી જીત મેળવવાની કોશિશમાં છે. તેમના મુખ્ય પ્રતિસ્પર્ધી ભાજપના સતીશ કુમાર છે, જેમણે 2010માં જનતા દળ (યુનાઇટેડ)ની ટિકિટ પર તેજસ્વીની માતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીને હરાવ્યા હતા. જન સુરાજ પાર્ટીએ રાઘોપુર બેઠક પરથી ચંચલ સિંહને મેદાનમાં ઉતાર્યા છે.
આરજેડીએ ચૂંટણી પંચ પર ધીમા મતદાનનો આરોપ લગાવ્યો
- Advertisement -
આરજેડીએ ચૂંટણી પંચ પર ઇરાદાપૂર્વક મતદાન ધીમું કરવાનો આરોપ લગાવ્યો છે. ચૂંટણી પંચે આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે અને કહ્યું છે કે તમામ સ્થળોએ મતદાન સરળતાથી ચાલી રહ્યું છે.
તવા પર રોટી પલટાતી રહેવી જોઈએ નહીંતર… : લાલુ યાદવ
બિહારમાં પ્રથમ તબક્કાના મતદાન વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી અને કદાવર નેતા લાલુ પ્રસાદ યાદવે લોકોને સોશિયલ મીડિયા દ્વારા વોટ અપીલ કરતા કહ્યું કે તવા પર રોટી પલટાતી રહેવી જોઇએ નહીંતર તે બળી જશે. 20 વર્ષ લાંબો સમય કહેવાય! હવે યુવા સરકાર અને નવા બિહાર માટે તેજસ્વી સરકાર અતિ આવશ્યક બની ગઈ છે.
સ્વાસ્થ્ય, શિક્ષણ અને બેરોજગારીના મુદ્દે યુવાનોએ કર્યું મતદાન, કહ્યું- રાજ્યની છબી બદલાવી જોઈએ
બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ગુરુવારે યુવા મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્યના ઘણા જિલ્લાઓમાં પ્રથમ વખત મતદાન કરવા પહોંચેલા યુવાનોએ આ ક્ષણને ગૌરવ, જવાબદારી અને સારા ભવિષ્યની આશા સાથે જોડી હતી.”
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું, “લોકશાહીમાં મતદાન એ ફક્ત આપણો અધિકાર જ નથી, પણ આપણી જવાબદારી પણ છે. આજે બિહાર વિધાનસભાની ચૂંટણી માટે મતદાનનો પ્રથમ તબક્કો થઈ રહ્યો છે. બધા મતદારોને તેમના મતદાનના અધિકારનો ઉપયોગ કરવા વિનંતી કરું છું. મતદાન કરો અને બીજાઓને પણ પ્રેરણા આપો. પહેલા મતદાન કરો, પછી જલપાન કરજો!”
ભાજપના ચાર કાર્યકરોની અટકાયત
બિહારના શરીફમાં મતદાન વખતે જ સ્લિપ વહેંચવાના આરોપમાં ભાજપના ચાર કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી. પોલીસે કહ્યું કે આ લોકો મતદારોને સ્લિપની વહેંચણી કરી રહ્યા હતા.
મુજફ્ફરપુરમાં મતદારો બગડ્યાં, મતદાનનો બહિષ્કાર
માહિતી અનુસાર મુજફ્ફરપુરમાં મતદારો બગડ્યા છે. તેમણે ઓવર બ્રિજ અને રસ્તો બનાવવા મામલે મતદાનનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. લગભગ ત્રણ જેટલા બૂથ પર આવી સ્થિતિ જોવા મળી હતી.
લાલુ પ્રસાદ યાદવના પરિવારે કર્યું મતદાન
બિહારમાં ચર્ચિત લાલુ પ્રસાદ યાદવના પરિવારે મતદાન કર્યું. લાલુ પ્રસાદની સાથે તેમના પત્ની અને પૂર્વ સીએમ રાબડી દેવી, તેજસ્વી યાદવ, તેમની પત્ની રાજશ્રી અને બહેન મીસા ભારતી પણ જોવા મળી હતી. આ તમામ લોકોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

બિહારમાં મતદાનના પ્રથમ આંકડા
બિહારમાં મતદાન ચાલી રહ્યું છે. અનેક જગ્યાએ ઈવીએમ ખોટકાવા અને વોટર્સની નારાજગીના દૃશ્યો પણ સામે આવી રહ્યા છે ત્યારે 9 વાગ્યા સુધીમાં બિહારમાં 13.13% જેટલું મતદાન થઈ ચૂક્યું છે.
જાણો ક્યાં કઈ ઘટના બની?
ચૂંટણી દરમિયાન અનેક મતદાન મથકો પર EVM મશીનોમાં ખામી સર્જાતા મતદાન પ્રક્રિયામાં વિક્ષેપ પડ્યો હતો. વૈશાલીના લાલગંજમાં બૂથ નંબર 334 અને 335 પર EVM ખરાબ થતાં પરિસ્થિતિ તંગ બની હતી અને સ્થાનિક લોકોએ “વોટ ચોર” ના નારા લગાવીને ભારે હોબાળો મચાવ્યો હતો. આ ઉપરાંત, દરભંગાના બૂથ નંબર 153, રાઘોપુર અને દાનાપુરના બૂથ નંબર 196 પર પણ EVM માં ખામી સર્જાવાને કારણે મતદાન અટકાવવાની ફરજ પડી હતી. આ ઘટનાઓ વચ્ચે, દરભંગામાં ગઈકાલે મોડી રાત્રે એક યુવક પાસેથી 1 લાખ રૂપિયાની રોકડ રકમ પણ મળી આવી હતી.
તેજસ્વી યાદવે મતદાન કર્યું, રાબડી દેવીએ બંને પુત્રોને ‘શુભેચ્છાઓ’ પાઠવી
બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કા માટે મતદાન ચાલી રહ્યું છે. આરજેડી નેતા અને પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીએ કહ્યું, “હું બધા મતદારોને મતદાન કરવા અપીલ કરું છું… બંને પુત્રોને માતા તરીકે મારી શુભેચ્છાઓ. બંનેને આશીર્વાદ.”
સમજદારીપૂર્વક મતદાન કરો – આરજેડી સાંસદ મીસા ભારતી
આરજેડી સાંસદ મીસા ભારતીએ મતદારોને અપીલ કરતાં કહ્યું કે, “તમારા ભવિષ્ય માટે, તમારા બાળકોના ભવિષ્ય માટે સમજદારીપૂર્વક મતદાન કરો. મહાગઠબંધનને તમારો ટેકો આપો.”
મહુઆ વિધાનસભા બેઠક પર રસાકસી ભરી સ્પર્ધા
વૈશાલીના રાઘોપુર મતવિસ્તારની સરહદે આવેલા મહુઆ મતવિસ્તાર પર તેજસ્વી યાદવના મોટા ભાઈ અને જનશક્તિ જનતા દળના સ્થાપક તેજ પ્રતાપ યાદવ અનેક પક્ષો સાથેના મુકાબલામાં ફસાયા છે. તેજ પ્રતાપ આરજેડી ધારાસભ્ય મુકેશ રોશનને પડકાર આપી રહ્યા છે. NDAના ઘટક લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના સંજય સિંહ અને 2020માં બીજા સ્થાને રહેલા આસ્મા પરવીન, સ્વતંત્ર ઉમેદવારો તરીકે ચૂંટણી લડી રહ્યા છે.
11 ભાજપ અને 5 JDU મંત્રીઓ ચૂંટણી મેદાને
બીજી તરફ, પ્રથમ તબક્કામાં મુખ્યમંત્રી નીતિશ કુમારની સરકારમાં 16 મંત્રીઓનું ભાવિ નક્કી થશે. આમાં ભાજપના 11 અને જનતા દળ યુનાઇટેડ (JDU)ના 5 મંત્રીઓનો સમાવેશ થાય છે. જેમાં ભાજપ ક્વોટામાંથી સિવાનથી આરોગ્ય મંત્રી મંગલ પાંડે, બાંકીપુરથી નીતિન નવીન, તારાપુરથી નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી, લખીસરાયથી નાયબ મુખ્યમંત્રી વિજય કુમાર સિંહા, દરભંગાથી શહેરી વિકાસ મંત્રી જીવેશ મિશ્રા, દરભંગા શહેરીથી મહેસૂલ મંત્રી સંજય સરોગી, કુઢની પંચાયતી રાજ મંત્રી કેદાર પ્રસાદ ગુપ્તા, સાહિબગંજથી પર્યટન મંત્રી રાજુ કુમાર, અમનૌરથી માહિતી અને ટેકનોલોજી મંત્રી કૃષ્ણ કુમાર મન્ટુ, બિહાર શરીફથી પર્યાવરણ મંત્રી સુનીલ કુમાર અને બછવાડાથી રમતગમત મંત્રી સુરેન્દ્ર મહેતા ચૂંટણી લડી રહ્યા છે. JDUના 5 મંત્રીઓમાં જળ સંસાધન મંત્રી વિજય કુમાર ચૌધરી (સરાય રંજન), નાલંદાથી ગ્રામીણ વિકાસ મંત્રી શ્રવણ કુમાર, બહાદુરપુરથી સમાજ કલ્યાણ મંત્રી મદન સહની, કલ્યાણપુરથી માહિતી અને જનસંપર્ક મંત્રી મહેશ્વર હજારી અને સોનબરસાથી રત્નેશ સદાનો સમાવેશ થાય છે.
મંગલ પાંડે પહેલી વાર વિધાનસભા ચૂંટણી લડશે
ભાજપના વરિષ્ઠ નેતા અને મંત્રી મંગલ પાંડે પહેલી વાર વિધાનસભા ચૂંટણી લડી રહ્યા છે. તેઓ સિવાન બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે, જ્યાં તેમનો સામનો વરિષ્ઠ આરજેડી નેતા અને ભૂતપૂર્વ વિધાનસભા અધ્યક્ષ અવધ બિહારી ચૌધરી સાથે છે. હાલમાં, તેઓ વિધાનસભા કાઉન્સિલર છે.
મોકામા વિધાનસભા બેઠક ચર્ચામાં
મોકામા બેઠક સૌથી વધુ ચર્ચિત બેઠકોમાંની એક છે, જ્યાં જેલમાં બંધ JDU ઉમેદવાર અનંત સિંહનો મુકાબલો RJDના વીણા દેવી સામે છે, જે શક્તિશાળી નેતા સૂરજ ભાનની પત્ની છે. બે મજબૂત વ્યક્તિઓની હાજરીને કારણે આ બેઠકની વ્યાપક ચર્ચા થઈ રહી છે.
પ્રથમ તબક્કામાં કુલ 121 બેઠકો પર મતદાન
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, પ્રથમ તબક્કામાં 121 બેઠકો પર મતદાન થશે. જેમાંથી દિઘા (પટણા)માં સૌથી વધુ 4.58 લાખ મતદારો છે, જ્યારે બરબીઘા (શેખપુરા)માં સૌથી ઓછા 2.32 લાખ મતદારો છે. કુઢની અને મુઝફ્ફરપુરમાં સૌથી વધુ 20 ઉમેદવારો છે. જ્યારે ભોરે, અલૌલી અને પરબત્તામાં ફક્ત 5-5 ઉમેદવારો છે. કુલ 45,341 મતદાન મથકો સ્થાપિત કરવામાં આવ્યા છે, જેમાંથી 36,733 ગ્રામીણ વિસ્તારોમાં છે. કુલ મતદારોમાંથી 10.72 લાખ નવા મતદારો છે, જ્યારે 18-19 વય જૂથના મતદારોની સંખ્યા 7.38 લાખ છે.
પ્રથમ તબક્કા માટે, 121 જનરલ, 18 પોલીસ અને 33 ખર્ચ નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ગ્રામીણ વિસ્તારોમાં ખાસ દેખરેખ રાખવામાં આવી છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, પ્રથમ તબક્કામાં મધેપુરા, સહરસા, દરભંગા, મુઝફ્ફરપુર, ગોપાલગંજ, સિવાન, સારણ, વૈશાલી, સમસ્તીપુર, બેગુસરાય, ખાગરિયા, મુંગેર, લખીસરાય, શેખપુરા, નાલંદા, પટણા, ભોજપુર અને બક્સર જિલ્લાઓમાં મતદાન થશે.
પ્રથમ તબક્કામાં કુલ 3 કરોડ 75 લાખ 13 હજાર 302 મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. આમાં 1 કરોડ 98 લાખ 35 હજાર 325 પુરુષ, 1 કરોડ 76 લાખ 77 હજાર 219 મહિલા અને 758 થર્ડ જેન્ડર મતદારોનો સમાવેશ થાય છે. કુલ 45,341 મતદાન મથકો સ્થાપિત કરવામાં આવ્યા છે, જેમાં 45,324 મુખ્ય બૂથ અને 17 સહાયક બૂથનો સમાવેશ થાય છે.




