તેજસ્વી યાદવ વિરુદ્ધ બદનક્ષીના કેસમાં અમદાવાદ મેટ્રો કોર્ટમાં આજે સુનાવણી યોજાશે. ગુજરાતીઓને ઠગ કહેવાના નિવેદન સામે ફરિયાદ થઈ છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સુરત કોર્ટે માનહાનિ કેસમાં 2 વર્ષની સજા ફટકારી હતી. જે બાદ હવે બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ગુજરાતીઓને ઠગ કહેવા બદલ તેજસ્વી યાદવ સામે ફરિયાદ નોંધાઈ છે. ગુજરાતીઓનું અપમાન કરનારા બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે સામાજિક કાર્યકરે બદનક્ષીની ફરિયાદ નોંધાવી છે. આ મામલે આજે અમદાવાદની મેટ્રો કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.
- Advertisement -
હરેશ મહેતાએ નોંધાવ્યો છે કેસ
સામાજિક કાર્યકર અને બિઝનેસમેન હરેશ મહેતાએ તેજસ્વી યાદવે આપેલા નિવેદન મામલે મેટ્રો કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો છે. ગુજરાતીઓને ઠગ કહેવા બદલ બિહારના DyCM તેજસ્વી યાદવ સામે IPC કલમ 499, 500 હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદમાં તેજસ્વી યાદવના વિવાદીત નિવેદનના કારણે ગુજરાત અને ગુજરાતીઓનું અપમાન થયું હોવાથી તેમની વિરુદ્ધ બદનક્ષીનો કેસ ચલાવી સખત સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
ગત સુનાવણીમાં ફરિયાદીએ રજૂ કર્યા હતા પુરાવા
આપને જણાવી દઈએ કે, ગત સુનાવણીમાં ફરિયાદીએ અમદાવાદની મેટ્રો કોર્ટમાં વીડિયોની સીડી, પેન ડ્રાઇવના પુરાવા જરૂરી સર્ટિફિકેટ સાથે આપ્યા હતા. આ દરમિયાન કોર્ટમાં ફરિયાદીનું નિવેદન પણ લેવામાં આવ્યું હતું. આ કેસમાં આજે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.
શું બોલ્યા હતા તેજસ્વી યાદવ?
PNB કૌભાંડના આરોપી મેહુલ ચોક્સીની રેડ કોર્નર નોટિસ રદ્દ થવા મામલે નિવેદન આપતા સમયે બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે બફાટ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પર નિશાન સાધતા તેજસ્વી યાદવે તમામ ગુજરાતીઓ પર આપત્તિજનક શબ્દનો ઉપયોગ કર્યો હતો. તેજસ્વી યાદવે કહ્યું હતું કે, બે ઠગ છે. આજે દેશની દશા જોઈએ તો, માત્ર ગુજરાતી જ ઠગ હોઈ શકે છે અને તેમને માફ પણ કરવામાં આવશે.