ઇમરાન ખાન ભ્રષ્ટાચાર સહિત અનેક કેસોમાં દોષિત
ખાસ-ખબર સંવાદદાતા
જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનનું 8 ફેબુ્રઆરીએ યોજાનાર ચૂંટણી માટેનું ઉમેદવારી ફોર્મ રદ કરી દેવામાં આવ્યું છે. ઇમરાન ખાનનું ચૂંટણી ફોર્મ રદ કરનારા ચૂંટણી અધિકારીએ જણાવ્યું છે કે નૈતિકતાના આધારે તેમણે ચૂંટણી ફોર્મ રદ કરવામાં આવ્યું છે. ચૂંટણી અધિકારીએ જણાવ્યું છે કે ઇમરાન ખાન ભ્રષ્ટાચાર સહિત અનેક કેસોમાં દોષિત છે. જેના કારણે નૈતિકતાના આધારે તેમનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે. ઇલેક્શન કમિશન ઓફ પાકિસ્તાન (ઇસીપી)એ ઇમરાન ખાન ઉપરાંત તેમના અન્ય કેટલાક વરિષ્ઠ નેતાઓના ફોર્મ પણ રદ કર્યા છે. આ ઘટનાક્રમ પછી પીએમએલ-એન સુપ્રીમો નવાઝ શરીફનું ઉમેદવારી ફોર્મ સ્વીકારવાના પાકિસ્તાન ચૂંટણી પંચના નિર્ણયને ઇમરાન ખાનની પાર્ટીએ પડકાર્યો છે. ઇમરાન ખાનની પાર્ટીએ જણાવ્યું છે કે 2017માં જ સુપ્રીમ કોર્ટે નવાઝ શરીફને આજીવન ગેરલાયક ઠેરવ્યા હતાં. ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહેરીકે ઇન્સાફ (પીટીઆઇ)એ એપિલેટ ટ્રિબ્યુનલમાં નવાઝ શરીફનું ઉમેદવારી ફોર્મ સ્વીકારવાના પાકિસ્તાન ચૂંટણી પંચના નિર્ણયને પડકાર્યો છે. ઉલ્લેખનીય છે કે નવાઝ શરીફ માનસહારા અને લાહોર એમ બે નેશનલ એસેમ્બલી સીટ પરથી ચૂંટણી લડી રહ્યાં છે. પીટીઆઇના વરિષ્ઠ નેતાઓ શાહ મેહમૂદ કુરેશી, ચૌધરી પરવેઝ ઇલાહી, મોનીસ ઇલાહી અને ઝરતાજ ગુલે તેમના ચૂંટણી ફોર્મ રદ કરવાના ચૂંટણી પંચના નિર્ણયને હાઇકોર્ટના ઇલેક્શન ટ્રિબ્યુનલમાં પડકાર્યો છે. ચૂંટણી પંચે 3500થી વધુ ચૂંટણી ફોર્મ રદ કર્યા છે. પ્રાથમિક તપાસના અંતે પાકિસ્તાનના ચૂંટણી પંચે આઠ ફેબુ્રઆરીએ યોજનારી પાકિસ્તાન નેશનલ એસેમ્બલી તથા ચાર પ્રાંતોની ધારાસભાની ચૂંટણી માટે કુલ 22,711 ઉમેદવારોના ફોર્મ મંજૂર રાખ્યા છે. પાકિસ્તાનના નીચલા સંસદ ગૃહ નેશનલ એસેમ્બલી માટે 7473 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતામ. જેમામ 445 મહિલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. જે પૈકી ચૂંટણી અધિકારીએ કુલ 6449 ઉમેદવારોના ફોર્મ મંજૂર રાખ્યા છે. જેમાં 355 ફોર્મ મહિલાઓના છે. જ્યારે 1024 ઉમેદવારોના ફોર્મ રદ કર્યા છે.