ગાંધીનગર સાયબર ક્રાઇમ દ્વારા અમદાવાદ અને સાસણના 3 આરોપીની ધરપકડ; વન વિભાગના અધિકારીઓની સંડોવણીની શંકા
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
ગીર જંગલ સફારી અને દેવળિયા જિપ્સી બુકિંગમાં ટિકિટની કાળા બજારી થતી હોવાની ફરિયાદ બાદ ગાંધીનગર સાયબર ક્રાઇમ ટીમે મોટી કાર્યવાહી કરીને ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે. આરોપીઓ દ્વારા ભળતી વેબસાઇટનો ઉપયોગ કરીને પ્રવાસીઓ પાસેથી નિયત દર કરતાં બેથી ત્રણ ગણા ઊંચા ભાવે ટિકિટો વેચીને કરોડોની ઠગાઈ કરવામાં આવતી હતી.
- Advertisement -
પોલીસ તપાસમાં ખુલ્યું કે, આરોપીઓ સરકારની વેબસાઇટ પર પોતાની ખોટી ઓળખ આપીને અને આધાર કાર્ડની જગ્યાએ અન્ય ફોટોનો ઉપયોગ કરીને એડવાન્સમાં સ્લોટ બુક કરી લેતા હતા. આ રીતે તેઓ સફારી પરમિટની કૃત્રિમ અછત ઊભી કરીને ઊંચા નાણાં વસૂલતા હતા. આ ટિકિટોનું વેચાણ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ સાથે સંકળાયેલા વ્યક્તિઓ દ્વારા થતું હતું.
પોલીસની તપાસમાં તા. 01/01/2024 થી 30/12/2025 સુધીના એડવાન્સ બુકિંગનો ડેટા મેળવવામાં આવ્યો હતો. જેમાં કુલ 83,000થી વધુ પરમિટનું બુકિંગ થયું હતું. આરોપીઓએ ભળતા નામવાળી 9 વેબસાઇટનો ઉપયોગ કરીને કુલ 12,800થી વધુ પરમિટનું બુકિંગ કર્યું હતું. ચાલુ દિવસોમાં બેથી ત્રણ ગણા ભાવે અને તહેવારોના દિવસોમાં તેનાથી પણ વધુ ભાવે ટિકિટો વેચવામાં આવી હતી.
પોલીસે આ મામલે અલ્પેશકુમાર મનસુખલાલ ભલાણી (રહે. થલતેજ, અમદાવાદ), સુલતાન ઉસ્માન બ્લોચ (રહે. સાસણ ગીર) અને એજાજ નુરમહંમદ શેખ (રહે. સાસણ ગીર)ની અટકાયત કરી ગુનો દાખલ કર્યો છે. સાયબર ક્રાઇમે પ્રવાસીઓને ચેતવણી આપી છે કે, પરમિટનું બુકિંગ કરતી વખતે માત્ર ગુજરાત સરકારની ઓફિશિયલ વેબસાઇટનો જ ઉપયોગ કરવો. સોશિયલ મીડિયામાં આવતી જાહેરાતવાળી લિંક પર ક્લિક ન કરવું અને છેતરપિંડી થઈ હોય તો તુરંત 1930 હેલ્પલાઇન અથવા નજીકના પોલીસ મથકમાં સંપર્ક કરવો.
- Advertisement -
વન વિભાગના કોઈ સ્ટાફની સંડોવણીની પંથકમાં ચર્ચા
સાસણ પંથકમાં એવી ચર્ચા ઊઠી રહી છે કે, આ ગોરખધંધામાં વન વિભાગના કોઈ સ્ટાફની સંડોવણી છે કે કેમ? એક અધિકારીએ સરકારી પગારમાં 10 કરોડ સુધીની જમીન કેવી રીતે વસાવી તે સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિક લોકોએ સાયબર ક્રાઇમ ઉપરાંત આ તપાસમાં અઈઇ (એન્ટિ કરપ્શન બ્યુરો)ને પણ જોડવાની માંગણી ઉઠી છે