ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં નાના અને મધ્યમવર્ગીય પરિવારો-લોકોને આવાસ તબદિલીઓ માટે ભરવાપાત્ર ડ્યૂટીની રકમમાં મોટી છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. તેમણે કરેલા આ મહત્ત્વપૂર્ણ મહેસૂલી નિર્ણય અનુસાર સોસાયટી, એસોસિયેશન અને નોન-ટ્રેડિંગ કોર્પોરેશન્સ દ્વારા એલોટમેન્ટ લેટર, શેર સર્ટિફિકેટથી કરવામાં આવેલી તબદિલી ટ્રાન્સફર માટે ભરપાઈ કરવા પાત્ર સો ટકા ડ્યૂટીની રકમ પૈકી 80 ટકા સુધી ડ્યૂટી રકમ માફ કરીને માત્ર 20 ટકા જેટલી ડ્યૂટી વસૂલ કરવામાં આવશે. ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ 9 (ક) અન્વયે ભરવાપાત્ર આવી રકમમાં છૂટછાટ અપાશે. ઉલ્લેખનીય છે કે આ નિર્ણયથી જે મકાનમાલિક પાસે શેર સર્ટિફિકેટ છે, પણ દસ્તાવેજ નથી એ લોકોને મોટી રાહત થશે. અગાઉ વેચનારને વેચાણ સમયે ડબલ માર પડતો હતો.
રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે સ્ટેમ્પ અધિનિયમમાં કરેલી જોગવાઈઓના કારણે મધ્યમવર્ગના લોકો પર આવા તબદિલીના કિસ્સાઓમાં જે નાણાકીય બોજ આવતો હતો એ સમગ્ર વિષયમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમની રજૂઆતો પ્રત્યે સંવેદના દાખવીને હકારાત્મક અભિગમ અપનાવ્યો છે. આ સંદર્ભમાં તેમણે કરેલા નિર્ણય અનુસાર, હવે મૂળ ડ્યૂટીના 20 ટકા તથા દંડની રકમ મળીને માત્ર લેવાપાત્ર ડ્યૂટી જેટલી જ રકમ વસૂલ કરવામાં આવશે.
- Advertisement -
મૂળ ડ્યુટીના 20% તથા દંડની રકમ મળીને માત્ર લેવાપાત્ર ડ્યુટી જેટલી જ રકમ વસૂલાશે
લોકો પર દંડની રકમનો કોઈ વધારાનો બોજ પડશે નહીં
એલોટમેન્ટ લેટર અને શેર સર્ટિફિકેટથી કરાયેલી તબદિલીઓ માટે જ લાગુ
- Advertisement -
આમ, રાજ્ય સરકારે મૂળ ભરપાઈ કરવાની થતી સ્ટેમ્પ ડ્યૂટીની રકમમાં ઘટાડો કરવાથી ડ્યૂટી ઉપરાંત દંડની ગણતરી થતાં સુધારેલી જોગવાઈ અગાઉની મિલકત સંબંધે જેટલી ડ્યૂટીની રકમ ભરપાઇ કરવાની થતી હતી એટલી જ રકમ ભરપાઈ કરવાની થશે. આવા તબદિલીના કિસ્સાઓમાં લોકો ઉપર દંડની રકમનો કોઈ જ વધારાનો નાણાકીય બોજ પડશે નહીં. અહીં નોંધનીય છે કે આ નિર્ણયના અનુસંધાને જારી કરવામાં આવનારા જાહેરનામાની જોગવાઈઓ માત્ર ને માત્ર સોસાયટી, એસોસિયેશન અને નોન ટ્રેડિંગ કોર્પોરેશન્સ દ્વારા એલોટમેન્ટ લેટર અને શેર સર્ટિફિકેટથી કરાયેલી તબદિલીઓ માટે જ લાગુ પડશે. આ નિર્ણયને સરળતાથી સમજવા માટે એક લીગલ એક્સપર્ટએ જણાવ્યું હતું કે, 1960 પછી ગુજરાતમાં બનતી હાઉસિંગ સોસાયટીમાં મકાન ખરીદનારને એલોટમેન્ટ એ દસ્તાવેજના આધારે નહીં, પરંતુ શેર સર્ટિફિકેટને આધારે થતું હતું. આ કામ ગુજરાત કોર્પોરેટિવ હાઉસિંગ સોસાયટી એક્ટ 1961ના આધારે થતું હતું. એ સમયે શેર સર્ટિફિકેટને જ દસ્તાવેજની જેમ માનવામાં આવતું હતું. 1995થી 2000ના વર્ષ દરમિયાનનો આ નિર્ણય બદલાયો અને સરકારે દસ્તાવેજ ફરજિયાત કરી નાખ્યો. દસ્તાવેજ ફરજિયાત થયા પછી સરકારે નિર્ણય કર્યો કે 1982 પછી બનેલી સોસાયટીઓએ શેર સર્ટિફિકેટ હોય તોપણ દસ્તાવેજ કરાવી લેવા. થોડા સમય પછી આ નિર્ણયમાં સુધારો આવ્યો અને એમ કહેવામાં આવ્યું કે 1982 પછીના જે લોકો દસ્તાવેજ કરાવે છે તેમને સ્ટેમ્પ ડ્યૂટીથી ચાર ગણી રકમ દંડ રૂપે પણ ભરવાની રહેશે, એટલે 1982 પછીનાં જે મકાનો જ્યારે પણ વેચાણ થતાં હતાં ત્યારે આ જે સ્ટેમ્પ ડ્યૂટી ભરવાની બાકી હોય તેને ખૂટતી સ્ટેમ્પ ડ્યૂટી કહેવામાં આવે છે, એ વેચનારને ભરવી પડતી હતી અને દસ્તાવેજ પછી પાછી ફરી એક સ્ટેમ ડ્યૂટી ભરવાની આવતી હતી, જેને લઈને ભારે વિરોધ હતો. એટલે વેચાણ સમયે વેચાણ કરનારને ડબલ માર પડતો હતો.
‘જૂના નિર્ણયથી સરકારને તો ખૂબ સારી આવક થતી, પરંતુ લોકોને ખૂબ માર પડતો’
એક રીતે સરકારની આ નીતિ નોન એપ્લિકેશન ઓફ માઈન્ડ જેવી હતી. સામાન્ય રીતે આ નિર્ણયથી સરકારને તો ખૂબ સારી આવક થતી હતી, પરંતુ લોકોને ખૂબ માર પડતો હતો. આ નવા નિયમમાં સોસાયટી એસોસિયેશન અને નોન ટ્રેડિંગ કોર્પોરેશનનો ઉલ્લેખ કરાયો છે.
સરકારના નિર્ણયમાં NTC હેઠળ નોંધાયેલાં મકાનોનો પણ સમાવેશ
નોન ટ્રેડિંગ કોર્પોરેશનનો મતલબ સમજાવતાં એક્સપર્ટ કહે છે કે વર્ષ 2005 પછી નોન ટ્રેડિંગ કોર્પોરેશનનો કાયદો એ પાછો ખેંચવામાં આવ્યો છે, પરંતુ જે-તે સમયે નોન ટ્રેડિંગ કોર્પોરેશન એટલે જે-તે સમયે નવા બનતાં હાઉસિંગ એ સોસાયટી અંદર ન નોંધાય તો એ એન્ટીસી એટલે નોન ટ્રેડિંગ કોર્પોરેશન હેઠળ નોંધાતા હતા. એટલે સરકારના નિર્ણયમાં એનટીસી હેઠળ નોંધાયેલાં મકાનોનો પણ સમાવેશ થાય છે.
રિડેવલપમેન્ટના કિસ્સામાં બિલ્ડરોને પણ ફાયદો
રિડેવલપમેન્ટમાં ક્ધસ્ટ્રક્શનનું કામ કરતા બિલ્ડરોને પણ આ નિર્ણયથી ફાયદો થઈ શકે છે. જ્યારે પણ કોઈપણ સોસાયટીને રિડેવલપમેન્ટમાં આપવાની વાત હોય ત્યારે સોસાયટીમાં રહેતા લોકોના ઘરના દસ્તાવેજની વાત આવે. ત્યારે બિલ્ડર સાથે આ દંડસ્વરૂપે ભરવામાં આવતી સ્ટેમ્પ ડ્યૂટી કોણ ભરશે એને લઈને વિવાદ થતો હતો અને રહીશો સ્ટેમ્પ ડ્યૂટી બિલ્ડરને ભરવાનું કહેતા હતા. એને કારણે ઘણી જગ્યાએ સોદા અટકાઈ જતા હતા.
કોઈપણ સંજોગોમાં વધુ રકમ વસૂલ કરી શકાશે નહીં
આ ટ્રાન્સફર ફીની જોગવાઈ વધુમાં વધુ છે, જેથી હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓ પોતાની મેળે એ રકમમાં ઘટાડો કરીને તેમના ઉપનિયમોમાં જોગવાઈ કરી શકે, કોઈપણ સંજોગોમાં આ રકમથી વધુ રકમ તેઓ વસૂલ કરી શકશે નહીં.