સરકારના નિર્ણયથી ઉદ્યોગને દૈનિક રૂ. 75 લાખનો ફાયદો: ધારાસભ્ય અમૃતિયાની રજૂઆત સફળ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.31
પ્રવર્તમાન આર્થિક મંદીના માહોલ વચ્ચે મોરબીના સિરામિક ઉદ્યોગ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારે સિરામિક એકમોમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં પ્રતિ ક્યુબિક મીટર રૂ. 3.25નો ઘટાડો જાહેર કર્યો છે. આ નિર્ણય 1 ઓગસ્ટથી અમલમાં આવશે અને તેનાથી સિરામિક ઉદ્યોગને દરરોજ અંદાજે રૂ. 75 લાખથી 80 લાખ જેટલો ફાયદો થશે.
- Advertisement -
મોરબીના ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયાએ ઉદ્યોગકારોની સાથે રહીને રાજ્ય સરકાર સમક્ષ ગેસના ભાવ ઘટાડવા અંગે સતત રજૂઆતો કરી હતી. સરકારે આ રજૂઆત પ્રત્યે હકારાત્મક અભિગમ દાખવીને આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હાલ સિરામિક એકમોમાં દૈનિક સરેરાશ 25 લાખ ક્યુબિક મીટર ગેસનો વપરાશ થાય છે, જે જોતા આ ભાવ ઘટાડો ઉદ્યોગ માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે. ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ આ નિર્ણય બદલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ અંગે સિરામિક એસોસિએશનના પ્રમુખ શ્રી મનોજભાઈ પટેલે જણાવ્યું કે, “હાલ સિરામિક ઉદ્યોગમાં મંદીનો માહોલ છે. ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, જીતુભાઈ સોમાણી અને પ્રકાશભાઈ વરમોરાના સહયોગથી સરકાર સમક્ષ ભાવ ઘટાડાની માંગણી મૂકવામાં આવી હતી, જેને સરકારે ધ્યાને લઈ ગેસના ભાવ ઘટાડવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી સિરામિક ઉદ્યોગને મોટી રાહત મળશે.”
કેપેક્સિલના સિરામિક પેનલના વાઇસ ચેરમેન શ્રી નિલેશભાઈ જેતપરિયાએ ઉમેર્યું કે, “જે ઉદ્યોગો પ્રોપેન ગેસનો ઉપયોગ કરતા હતા, તેમની સરખામણીમાં ગુજરાત ગેસ વાપરતા એકમોને વધુ મુશ્કેલી પડી રહી હતી. પરંતુ આ ભાવ ઘટાડાના નિર્ણયથી કપરા સમયમાં એકમોને ઘણી રાહત મળી છે.” સરકારના આ નિર્ણયથી મોરબીના સિરામિક ઉદ્યોગને વેગ મળશે અને મંદીના માહોલમાંથી બહાર આવવામાં મદદરૂપ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.