આજે મુખ્યમંત્રી દિલ્હીમાં PM મોદીને મળશે
સંગઠન-સરકારમાં નવાજૂની થશે, ગુજરાત પ્રદેશ પ્રમુખ-મંત્રીમંડળ વિસ્તરણ અંગે ચર્ચાની શક્યતા
ગુજરાત ભાજપ-પ્રમુખ તરીકે OBC નેતા આવે તેવી શક્યતા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
આજે(2 ઓગસ્ટ)ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યકક્ષાનો પ્રધાનમંત્રી કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. રાજ્ય અને જિલ્લાકક્ષાના સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોને લાઇવ ટેલિકાસ્ટના માધ્યમથી વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું. પીએમ કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત રાજ્યના 52.16 લાખથી વધુ ખેડૂતોને 1118 કરોડની રકમનો 20મો હપતો, ઉઇઝ મારફત સહાય વિતરણ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આજે બપોર પછી ઈખ ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જશે અને ત્યાં ઙખને મળશે. આ મિટિંગમાં ગુજરાતના પ્રદેશ પ્રમુખ અને મંત્રીમંડળ વિસ્તરણ અંગે ચર્ચા થવાની શક્યતા છે.
ઘણા સમયથી વિલંબમાં પડેલી ગુજરાત ભાજપના નવા અધ્યક્ષની નિયુક્તિ કે ચૂંટણી હવે થોડા સમયમાં થઈ જાય એવી શક્યતા દેખાય છે. શુક્રવારે બપોર બાદ નવી દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા, સંગઠન રાષ્ટ્રીય મહામંત્રી બીએલ સંતોષ અને કેન્દ્રીય મંત્રી તથા ગુજરાત ભાજપના અધ્યક્ષની ચૂંટણી માટે નિરીક્ષક તરીકે નિમાયેલા ભૂપેન્દ્ર યાદવ વચ્ચે બેઠક મળી હતી, જેમાં પ્રમુખની ચૂંટણીની પ્રક્રિયા જલદી પૂરી કરવાનો નિર્ણય થયો છે. આ જોતાં રવિવારે કે સોમવારે આ માટેની પ્રક્રિયાને લઈને કોઈ મોટા સમાચાર મળી શકે એમ છે. બેઠક બાદ યાદવ ગમે ત્યારે ગુજરાત આવી શકે છે. તેઓ પહોંચે એ પહેલાં ભાજપના અધ્યક્ષ પદ માટે જેને નામાંકન ભરવું હોય તેમને કમલમ પર હાજર રહેવાનું જણાવાઈ શકે છે.
અલબત્ત, ગુજરાત ભાજપનાં સૂત્રો કહે છે કે આ ચૂંટણીપ્રક્રિયા માત્ર ઔપચારિક જ રહેશે. આ માટે ગુજરાત ભાજપના નવા અધ્યક્ષ તરીકે હાઈ કમાન્ડે જેનું નામ નક્કી કરી લીધું છે તેમને એકને જ નામાંકન ભરવા માટે આદેશ અપાશે. એ સિવાય કોઈપણ વ્યક્તિ નામાંકન ભરવા તૈયાર નહીં થાય. આમ, એક જ નામ દાખલ થતાં સર્વાનુમતે તે નેતાને ભાજપના અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટી લેવાયા છે એવી જાહેરાત કરાશે. લગભગ એકાદ સપ્તાહમાં જ આ સંપૂર્ણ પ્રક્રિયા પૂરી થઈ જાય એવી વકી છે.
- Advertisement -
નવા પ્રમુખ માટે સૌરાષ્ટ્રમાંથી અથવા તો ઉત્તર ગુજરાતમાંથી કોઈ એક નામ પસંદ કરાય એવી સંભાવનાઓ જોવાઈ રહી છે. આ માટે ઓબીસી નેતા આવે એની શક્યતા ઘણા સમયથી વ્યક્ત કરાઇ છે. દિલ્હીમાં નડ્ડા, સંતોષ અને યાદવની બેઠકમાં સત્વર પ્રક્રિયા પૂરી કરવાનો નિર્ણય લેવાયો છે. પ્રદેશ પ્રમુખની જાહેરાત પછી મંત્રીમંડળનું કામ હાથ પર લેવાશે. ઘણા સમયથી સંગઠનના પ્રમુખ ઉપરાંત સરકારમાં મંત્રીમંડળના વિસ્તરણની વાત પણ અટકી રહી છે, જોકે સરકાર અને સંગઠન બંનેમાંથી મળતા સંકેતો પ્રમાણે પહેલા ગુજરાત ભાજપના નવા અધ્યક્ષની નિયુક્તિ થઈ જશે અને એ પછી જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના મંત્રીમંડળનું વિસ્તરણ કરશે. મંત્રીમંડળના વિસ્તરણમાં પાર્ટીના નવા આવેલા પ્રમુખ મોટી ભૂમિકા ભજવી શકે છે, જોકે આ કિસ્સામાં વિદાયમાં રહી રહેલા પ્રમુખ સીઆર પાટીલ જૂથના ધારાસભ્યોને મંત્રીપદ મળે છે કે નહીં એ જોવું પણ રસપ્રદ રહેશે.