મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ભાજપના નવા પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિત 4 લેઉવા પટેલ મંત્રીઓનું સન્માન; ખોડલધામ કેન્સર હોસ્પિટલ બનાવશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ જિલ્લાના વીરપુર પાસે આવેલા લેઉવા પટેલ સમાજના આસ્થાના પ્રતિક કાગવડ ખોડલધામ ખાતે આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને લેઉવા પટેલ સમાજમાંથી આવતા ચાર મંત્રીઓ (જીતુ વાઘાણી, કમલેશ પટેલ, કૌશિક વેકરીયા, મનસુખ માંડવિયા)નું સન્માન કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મા ખોડલના દર્શન કર્યા બાદ 121 દીકરીઓએ સાફા પહેરીને તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. સંબોધનમાં મુખ્યમંત્રીએ ખોડલધામ ટ્રસ્ટ દ્વારા દર્દી નારાયણ માટે આગામી સમયમાં કેન્સર હોસ્પિટલનું નિર્માણ કરવાના નિર્ણયને બિરદાવ્યો હતો.
મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, “જે સારું કામ કરશે તેની સાથે ખોડલધામ રહેશે” તેવો સંદેશ આજે અહીંથી જઈ રહ્યો છે. જગદીશ વિશ્વકર્માએ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલની સરખામણી સરદાર વલ્લભભાઈ પટેલ સાથે કરી, જેમણે 562 રજવાડાઓને એક કર્યા હતા, તેમ નરેશ પટેલ લેઉવા પટેલ સમાજને એક કરવાનું કામ કરી રહ્યા છે.
ભૂતકાળનો ગજગ્રાહ સમાપ્ત: છેલ્લા કેટલાક સમયથી નરેશ પટેલ અને ધારાસભ્ય જયેશ રાદડિયા વચ્ચે ગજગ્રાહની વાતો વહેતી થઈ હતી, ત્યારે કાર્યક્રમમાં બંને અગ્રણીઓ એકબીજાને ગળે મળતા જોવા મળ્યા હતા, જેનાથી ’ઘીના ઠામમાં ઘી પડી ગયું’ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આ સમારોહમાં 18 હજારથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા.
નરેશ પટેલ – જયેશ રાદડિયા વચ્ચે ‘કોલ્ડ વોર’ સમાપ્ત
નરેશ પટેલ અને ધારાસભ્ય જયેશ રાદડિયા વચ્ચે સુખદ સમાધાન,
કૃષિ મંત્રી જીતુ વાઘાણીની ભૂમિકા
લેઉવા પટેલ સમાજના આસ્થા કેન્દ્ર ખોડલધામ, કાગવડ ખાતે આજે યોજાયેલા સન્માન સમારોહમાં મહત્વના રાજકીય સમાચાર સામે આવ્યા છે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા વચ્ચે છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલું ’કોલ્ડ વોર’ સમાપ્ત થયું છે. કાર્યક્રમના અંતે નરેશ પટેલ, જયેશ રાદડિયા અને કૃષિ મંત્રી જીતુ વાઘાણી હળવાશમાં જોવા મળ્યા હતા. રાદડિયાએ નિવેદન આપ્યું કે “ખોડલધામ અમારું આંગણું છે.” સમાજના નેતાઓ વચ્ચેના મતભેદો દૂર થતા પાટીદાર સમાજમાં સકારાત્મક સંકેત ગયો છે.



