વર્ષો જૂના સ્ટેશનને બદલે 4 નવા અને 1 નવીનીકરણ કરાશે: સામાકાંઠે મોડેલ સ્ટેશનનું કામ શરૂ, જૂના સુધારા શેરી સ્ટેશનનું જર્જરિત બિલ્ડિંગ તોડાયું
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.5
- Advertisement -
વિશ્ર્વ ફલક પર તેજ ગતિએ વિકસતી સીરામીક નગરી મોરબી મહાનગરપાલિકા બનતા હવે આગની દુર્ઘટનાઓનો સામનો કરવા માટે કવાયત શરૂ થઈ છે. વર્ષો જૂનું એકમાત્ર ફાયર સ્ટેશન ટૂંકું પડતું હોવાથી શહેરમાં અલગ અલગ જગ્યાએ કુલ પાંચ ફાયર સ્ટેશન બનાવવાની દરખાસ્તને સરકારે મંજૂરી આપી દીધી છે.
કુલ અંદાજે ₹39.7 કરોડના ખર્ચે આ પાંચ ફાયર સ્ટેશનો તૈયાર થશે. જેમાં સામાકાંઠે સર્કિટ હાઉસ પાસે ₹8.31 કરોડના ખર્ચે મોડેલ ફાયર સ્ટેશન, શક્ત શનાળા પાસે ઝોનલ ફાયર સ્ટેશન (₹9.21 કરોડ), એસપી રોડ (₹8.53 કરોડ) અને અમરેલી નજીક (₹12.25 કરોડ) સ્ટેશનોનું નિર્માણ થશે. બાંધકામ વિભાગના ડે. ઈજનેરના જણાવ્યા મુજબ, સુધારા શેરીમાં આવેલું જર્જરિત જૂનું ફાયર સ્ટેશન તોડવાનું કામ શરૂ થઈ ગયું છે, જ્યાં ₹1.40 કરોડના ખર્ચે નવીનીકરણ કરાશે. સામાકાંઠે મોડેલ સ્ટેશનનું નિર્માણ કાર્ય પણ ચાલી રહ્યું છે. નવા મોડેલ સ્ટેશનોમાં સ્ટાફ ક્વાટર્સ, મોકડ્રિલ ટાવર, ટ્રેનિંગ સેન્ટર, ગાર્ડન અને પાર્કિંગ જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાશે.
ક્યાં ક્યાં ફાયર સ્ટેશનોમાં કઈ કઈ સુવિધા હશે ?
સુધારા શેરીમાં આવેલ જુના ફાયર સ્ટેશનમાં સ્ટાફ, ફાયર બાઉઝર સાથે આધુનિક સુવિધા
સામાકાંઠા વિસ્તારમાં સર્કિટ હાઉસ પાસે મોડેલ ફાયર સ્ટેશનમાં રૂ. 8.31 કરોડના ખર્ચે સ્ટાફ ક્વાટર્સ, ગાર્ડન, પાર્કિંગ, મોકડ્રિલ ટાવર સહિતની સુવિધા, બે લાખ લિટર પાણીની ટેન્કર સાથેની સુવિધા હશે.
શહેરના એસપી રોડ પર 8.53 કરોડ રૂપિયાના ખર્ચે ગાર્ડન, પાર્કિંગ, ટ્રેનિંગ સેન્ટર સહિતની સુવિધા સાથે ફાયર સ્ટેશન નિર્માણ કરવામાં આવશે.
શનાળામાં પણ રૂ. 9.21 લાખ રૂપિયાના ખર્ચે ઝોનલ ફાયર સ્ટેશનમાં સ્ટાફ ક્વાટર્સ, ગાર્ડન, પાર્કિંગ સહિતની સુવિધાઓ હશે.
મોરબીમાં સમાવિષ્ટ અમરેલી નજીક રૂ.12.25 કરોડના ખર્ચે ફાયર સ્ટેશનમાં સ્વિમિંગ પુલ, ટ્રેનિંગ સેન્ટર, ક્વાટર્સ, મોકડ્રિલ ટાવર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાશે.
- Advertisement -
ભારતનગર વિસ્તારમાં દબાણ હટાવવા 250 પરિવારોને 10 દિવસની મહેતલ!
પાલિકાએ ફટકારેલી 3 દિવસની નોટિસ સામે સ્થાનિકોની રજૂઆત
મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના સામાકાંઠા વિસ્તારમાં આધુનિક ફાયર સ્ટેશનના નિર્માણ માટેની કવાયત તેજ કરવામાં આવી છે. નવા ફાયર સ્ટેશન માટે ભારતનગર વિસ્તારમાં આવેલી સરકારી જમીન પરના દબાણો દૂર કરવા માટે મહાપાલિકાએ કાર્યવાહી હાથ ધરી છે. શરૂઆતમાં દબાણ દૂર કરવા માટે માત્ર ત્રણ દિવસની નોટિસ ફટકારવામાં આવતા ભારતનગરના આશરે 200 થી 250 પરિવારો મહાપાલિકા કચેરીએ દોડી આવ્યા હતા. સ્થાનિકોએ રજૂઆત કરી હતી કે તેઓ છેલ્લા 40 થી 50 વર્ષથી આ વિસ્તારમાં વસવાટ કરે છે અને આટલા ટૂંકા ગાળામાં ક્યાં જવું? સ્થાનિકોની રજૂઆત સાંભળીને મ્યુનિસિપલ કમિશનરે દબાણ હટાવવા માટેની મુદતમાં વધારો કર્યો છે. હવે આ પરિવારોને દસ દિવસનો સમય આપવામાં આવ્યો છે. સ્થાનિકોએ એવી પણ રજૂઆત કરી હતી કે આ વિસ્તારના લોકોને આવાસ યોજના હેઠળ મકાનો ફાળવવાના હતા, પરંતુ તે હજુ મંજૂર થયા નથી. ત્યારે મધ્યમ વર્ગના આ પરિવારો સામે રહેઠાણનો ગંભીર પ્રશ્ન ઊભો થયો છે. કમિશનરે સ્પષ્ટ જણાવ્યું છે કે જો દસ દિવસમાં લોકો સ્વેચ્છાએ દબાણ નહીં હટાવે, તો સરકારી બુલડોઝર દ્વારા તમામ દબાણો તોડી પાડવામાં આવશે.



