25મીએ ખજૂરભાઇ ખેલૈયાઓને ડોલાવશે
એકત્ર થનાર રકમ સેવાકીય કાર્યો માટે વાપરવા ગ્રુપના સભ્યોની નેમ
ખાસ-ખબર સંવાદદાતા
રંગીલા રાજકોટમાં મન મૂકીને ખેલૈયાઓ મોજ માણી રહ્યા છે ત્યારે ટૂંક સમયમાં ખજૂરભાઇ ઉર્ફે નિતિન જાની વિરાણી ગ્રાઉન્ડ પર ખેલૈયાઓને ઘેલું લગાડવા આવશે. જેનું સમગ્ર આયોજન ફ્રેન્ડસ એન્ડ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે. વિરાણી ગ્રાઉન્ડ પર એશ્વર્યા મજમુદારના સુરો પર ખેલૈયાઓએ નવરાત્રીનો ધમાકેદાર પ્રારંભ રાસની રમઝટ સાથે કર્યો હતો. ત્યારે ફ્રેન્ડસ એન્ડ ગ્રુપ આયોજિત બીગ દાંડીયા નાઇટ તા. 25 ઓક્ટોબરના રોજ સાંજે 7:30 કલાકે વિરાણી ગ્રાઉન્ડમાં યોજાશે.
વર્ષ 2010થી સમાજ સેવા સાથે સંકળાયેલા ફ્રેન્ડસ એન્ડ ગ્રુપ દ્વારા ગણેશોત્સવ, જન્માષ્ટમી, હોળીકાના તહેવારોની ધામધુમ સાથે ઉજવણી ઉપરાંત રાજકોટના છેવાડાના વિસ્તારમાં રહેતા લોકો માટે 108ની ટીમની જેમ કામ કરે છે. તેમની આ બીગ દાંડીયાની ઇવેન્ટ દ્વારા જે રકમ એકત્ર થાય તેમાંથી લોકોના સદ્દકાર્યો માટે વાપરવામાં આવશે તેવું ગ્રુપના આયોજકોએ જણાવ્યું હતું.
વિરાણી ગ્રાઉન્ડ ખાતે યોજાનાર આ બીગ દાંડીયા નાઇટમાં ખેલૈયાઓને મોજ કરાવવા ખજુરભાઇ અને તેમની ટીમ આવી રહી છે. ખજુરભાઇએ પોતાની કોમેડી રીલ્સ સાથે દુનિયાભરમાં સેંકડો ચાહકો બનાવ્યા છે અને હવે તેમની સેવાની સુવાસ પણ ગુજરાતભરમાં મહેકાવી રહ્યા છે. જરૂરીયાતમંદ લોકોનો સહારો બની તેમને હુંફ આપે છે. નવરાત્રીની પૂર્ણાહૂતિ બાદ પણ બાય બાય નવરાત્રી માટે ખજુરભાઇ રંગીલા રાજકોટવાસીઓને ઝુમાવવા આવશે. ગરબાના આયોજનને સફળ બનાવવા હાર્દિક પરમાર, પ્રતિક પરમાર, મનિષ જોશી, સંદીપ ગોહેલ અને તેમની ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે.