માતાજીના મઢે દર 15 દિવસે બલીની પરંપરા
માનતાના નામે પશુબલી ચઢાવવી કાનુની અપરાધ : વિજ્ઞાન જાથા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
પ્રતિ વર્ષ ચૈત્ર નોમ, પુનમ, બીજ અને અમાસના દિવસે સદીઓથી પશુ-પક્ષીની બલી આપવાની પ્રથા, પરંપરા ભારતમાં જોવા મળે છે. ધર્મશ્રદ્ધા, માનતાના નામે વર્તમાન સમયે પશુબલી ચડાવવાની ઘટના બને છે ત્યારે ભારત જન વિજ્ઞાન જાથાએ પશુબલી અટકાવવાનું દેશવ્યાપી અભિયાન આદર્યું છે. તેના ભાગરૂપે રાજકોટ તાલુકાના બેડલા ગામની સીમમાં માતાજીના મઢે પોલીસ સાથે પહોંચતા ભુવા સહિત માનતા કરનારાઓ મુઠ્ઠી વાળીને ભાગી જવામાં સફળ થયા હતા. ભુવો બોકળાનો પ્રસાદ ગાડીમાં લઈ અંધારામાં નાસી ગયો હતો. એક બોકળાની બલીના ચિહ્નો અને 4 બોકળાને સીમમાં છોડી મુકતા મળી આવેલ ન હતા. ચૈત્ર માસમાં પશુબલીની માહિતી પુરાવા સાથે આપવા જાથાએ અપીલ કરી હતી.
બનાવની વિગત પ્રમાણે વિજ્ઞાન જાથાના કાર્યાલયે ત્રણ જીવદયા પ્રેમી અને બેડલા ગામમાંથી માહિતી આપવામાં આવી હતી તેમાં સીમમાં માતાજીના મઢે પશુબલી ચડાવવાની છે. આ મઢમાં દર પંદર-વીસ દિવસે પશુબલી ચડાવવામાં આવે છે. તેમાં ભુવા સહિત નામો આપવામાં આવેલ તેમાં ધનાભાઈ, કુળજીભાઈ, મુકેશભાઈ, ધર્મેશભાઈ, પુરાભાઈનો દિકરો, ધનજીભાઈ વિગેરેના સાગ્રીતો, ભુવાનું ફોર વ્હીલ વિગેરે આધાર મુકવામાં આવ્યા હતા. તાત્કાલિક ગુન્હો બનતો અટકાવવા જાથાની મદદ માંગી હતી. બલીનો સમયગાળો ઓછો હોય જાથાએ ધ્યાન દોર્યું હતું. સાકરીયા કુટુંબની વાડી, જીંજરીયા પરિવારના અમુક પરિવારો માનતામાં શ્રદ્ધા રાખવાની વાત મુકી હતી. પશુબલી કાયમી અટકે તે સંબંધી માહિતી આપી હતી. જાથાના ચેરમેન-એડવોકેટ જયંત પંડયાએ રાજકોટ પોલીસ કમિશ્નર, એરપોર્ટ પોલીસ સ્ટેશનને પત્ર મોકલી મદદની માંગણી કરતાં પી.આઈ. આઈ. એન. સાવલીયા મેડમે જાથાને પોલીસ વાન સહિત સ્ટાફ ફાળવી દીધો હતો. પી.એસ.ઓ. પરેશભાઈ સાંગાણીને જરૂરી સુચના મોકલવામાં આવી હતી. એ.એસ.આઈ. જેન્તીભાઈ પરમાર, કોન્સ્ટે. યુવરાજસિંહ જાડેજા સહિતની ફાળવણી કરી હતી.
રાજકોટથી જાથાના વડા જયંત પંડયાના વડપણ હેઠળ રોમિતભાઈ રાજદેવ, અંકલેશ ગોહિલ, રવિ પરબતાણી, રામભાઈ આહિર સહિત જીવદયા મિત્રો પોલીસ સ્ટેશને પહોંચતા તુરંત પશુબલી ઘટના સ્થળે પહોંચ્યા. બેડલા ગામમાં પહોંચતા એકબીજાને મોબાઈલથી સંદેશા પ્રસારિત થયા. સીમમાં આવેલ માતાજીના મઢે જાથા-પોલીસનો કાફલો પહોંચતા મઢના રસ્તામાં આડશ, કાંટા મુકવામાં આવ્યા હતા. દૂર કરીએ ત્યાં અંદર પશુબલી સ્થળે નાસભાગ થઈ ગઈ. બોકળાનો પ્રસાદ લઈ ભુવો ભાગી ગયો. 4 બોકળા સીમમાં મુકી દીધા. મોટાભાગના લોકો મુઠ્ઠી વાળીને ભાગતા જોયા. અમો અંદર જાય તેમાં 10 થી 15 મિનિટનો સમય લાગ્યો. ભુવો વાહનમાં પ્રસાદ, સાગ્રીતો ગાડીમાં સુઈ ગયા, થોડીવારમાં સન્નાટો જોવા મળ્યો. મઢે બોકળાનું લોહી ટપકતું હતું, અગરબત્તી-ધુપ ચાલુ હતો. ટોપરાનો પ્રસાદ અને બોકળાનું માથું સળગતી હાલતમાં જોવા મળ્યું. મઢમાં દિવા ચાલુ હતા. પશુબલીવાળા ભાગી જવામાં સફળ થયા હતા. સીમમાં માત્ર પોલીસ – જાથા હતું. ગામમાંથી એકપણ માહિતી આપવા આવ્યું ન હતું. ભુવા સહિત સાગ્રીતો કોણ-કોણ તે જાણી શકાયું ન હતું. ચોક્કસ નામો ન હતા. માનતા કરવાવાળાને પરસેવો છુટી ગયો હતો. જાથાના ચેરમેન પંડયાએ પો.ઈન્સ. આઈ. એન. સાવલીયા મેડમ સાથે સવિગતે વાત કરી ભુવા સહિત ભાગી ગયા છે. પખવાડીયામાં ગામમાં જાગૃતિ કાર્યક્રમ રાખીશું. જાથાની હાજરી બાબતે સંમતિ આપી હતી. માનતાના નામે પશુબલી કાનુની અપરાધ છે. જાથાએ 4 બોકળાના જીવ બચાવ્યા હતા. પશુબલીની પુરાવ સાથે માહિતી મો. 98252 16689 ઉપર આપવા જણાવાયું છે.



