રૂા. 3050 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત: રૂા. 542.50 કરોડના ખર્ચે નિર્માણ પામનારી નવીન મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ડિજીટલ સેવાઓથી સજ્જ
ખાસ-ખબર સંવાદદાતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આવતીકાલે નવસારી ખાતે નવીન સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલનું ભૂમિપૂજન કરવામાં આવશે. નવસારી ખાતે રૂા. 3050 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું આવતીકાલે લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કરવામાં આવશે.
- Advertisement -
પાણી પુરવઠા, આરોગ્ય સેવાઓ, માર્ગ અને મકાન, ઉર્જા અને શહેરી વિકાસના કુલ રૂા. 3050 કરોડના વિકાસના કાર્યોમાં અંદાજિત 900 કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ, 650 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને અંદાજિત 1500 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ભૂમિપૂજન વડાપ્રધાન નરેન્દ્રભાઈના હસ્તે કરવામાં આવશે. નવસારી ખાતે અંદાજિત રૂા. 542 કરોડના ખર્ચે નિર્માણ પામનારી સરકારી મેડિકલ કોલેજમાં 660 કેપેસીટીની અલાયદી બોયઝ અને લેડિઝ હોસ્ટેલ (ઓડિયો વિડીયો સેવાઓથી સજજ લેકચર થિયેટર્સ તેમજ સ્કીલ લેબોરેટરી, મલ્ટીપર્પઝ હોલ, વિવિધ સ્કોડ સુવિધાઓ, અલાયદી ચાઈલ્ડ કેર સેન્ટર તેમજ સ્ટુડન્ટ કાઉન્સીલની સેવાઓ ઉપલબ્ધ કરાશે. અંદાજિત 1.50 સ્કેવર મીટર વિસ્તારમાં કેમ્પસ નિર્માણ પામશે જેમાં 23000 સ્કેવર મીટરમાં મેડિકલ કોલેજ અને 65000 સ્કેવર મીટર વિસ્તારમાં હોસ્પિટલ કેમ્પસ કાર્યરત થશે.
કેમ્પસમાં નિર્માણ પામનાર નવીન હોસ્પિટલમાં 450 પથારીની સુવિધા ઉપલબ્ધ બનતાં હોસ્પિટલની કુલ બેડની ક્ષમતા 511 થશે. જેમાં 4 મોડ્યુલર ઓપરેશન થિયેટર સાથેના કુલ 8 ઓપરેશન થિયેટર કાર્યરત થશે.
22 ઓપીડી, કિલનિક સેવાઓ મળશે.
તદુપરાંત નવીન હોસ્પિટલ સંપૂર્ણપણે સીસીટીવી સુવિધાથી સજજ, અલાયદુ ઈમરજન્સી કેર સેન્ટર સાથેની તમામ માળખાગત અને જરૂરી સેવાઓ અને સુવિધાઓ કાર્યરત થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સક્ષમ નેતૃત્વ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ ઉપલબ્ધ કરાવવા કટિબદ્ધ છે.
- Advertisement -
નવસારીના ખુડવેલ ગામે PM મોદીના કાર્યક્રમમાં લોકોને આવવા 800 એસટી બસોની ફાળવણી, અનેક રૂટ કેન્સલ
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવી રહયા છે ત્યારે તેઓ નવસારીના ચીખલી તાલુકાના ખુડવેલ ગામે પણ તા. 10મી જૂને મુલાકાત લઈ અહીં કરોડોના વિકાસના કામોનું લોકાર્પણ કરી જાહેર સભાને સંબોધન કરવાના હોય વડાપ્રધાનના આ કાર્યક્રમમાં 50 હજારની મેદની એકત્ર થશે. જે માટે વલસાડ જિલ્લામાંથી 800 બસો ફાળવવામાં આવતા તા 9 અને 10 જૂન એમ 2 દિવસ વલસાડ, નવસારી જિલ્લાના એસ.ટી. બસના અનેક રૂટ રદ્દ કરવામાં આવ્યા છે. ખુડવેલના કાર્યક્રમ સ્થળે જવા એસ. ટી.ની 800 જેટલી બસો મારફતે 15,000 લોકોને લઈ જવામાં આવશે. જેમાં વલસાડથી 170, પારડીથી 20, ધરમપુર 220, કપરાડા 220, વાપી 20, ઉમરગામ માટે 150 બસો ફાળવવામાં આવી છે. જેને પગલે વાપી ડેપોની માત્ર એક્સપ્રેસ બસો જ દોડશે જ્યારે લોકલ રૂટ બંધ રહેવાના હોય મુસાફરો અટવાશે.
જોકે, એસ.ટી.વિભાગ દ્વારા વલસાડ જિલ્લામાં એસટી બસોની ઘટ પુરવા અમદાવાદથી 50, ભાવનગરથી 20, મહેસાણા 40 વધારાની બસો મંગાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.