નાનામવા રોડ પર રહેતા મહેશ બગડાએ કલેક્ટરને કરી અરજી
વાજડી ગઢના રેવન્યુ સરવે 124 નજીક સરકારની કિંમતી જમીન પર દબાણ, કડક કાર્યવાહી કરવા માગ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ જિલ્લામાં ભૂમાફિયાઓ બેફામ બન્યા છે. ગૌચરની જમીન હોય કે, સરકારી ખરાબાની જમીન, આ તમામ જમીનો પર ભૂમાફિયાઓએ દબાણ કરી દીધું છે. જેને અટકાવવું જરૂરી છે. રાજકોટ જિલ્લા-તાલુકાના વાજડી ગઢ ગામના રેવન્યુ સરવે નં-124 પર આવેલા નિરાલી ગાર્ડન પાસે સરકારી જમીન આવેલી છે જ્યાં ભૂમાફિયાઓએ કબજો કરી લીધો છે. નાનામવા રોડ પર આવેલા જયભીમનગર-3માં રહેતા મહેશભાઈ બગડાએ જિલ્લા કલેક્ટરને અરજી લખીને રજૂઆત કરી છે કે, આવા ભૂમાફિયાઓને તાત્કાલિક અટકાવવા જરૂરી બને છે.
અરજીમાં જણાવ્યા પ્રમાણે વાજડી ગઢ રાજકોટની ભાગોળે આવતું હોવાથી ત્યાં મોટા પાર્ટી પ્લોટ કે, હોટેલો બની રહી છે તેથી તે વિકાસશીલ એરીયા ગણાઈ રહ્યો છે. દબાણકારો સરકારી પડતર જમીન પર ખુલ્લેઆમ દબાણ કરી રહ્યા છે. ત્યાં આસપાસ આવેલા પાર્ટી પ્લોટના મહેમાનો સાથે પણ ગેરવર્તન તથા ઝઘડા કરે છે. તે વિસ્તારમાં સ્માર્ટ સિટી જેવા પ્રોજેક્ટો કાર્યરત છે. ત્યાં દબાણકારોથી આવા પ્રોજેક્ટ પર અસર પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. સરકારી તંત્ર પણ ગરીબ લોકોના મકાનો પાડી દબાણ હટાવે છે. જ્યારે આવા મોટા માથાના દબાણ હટાવે અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે જરૂરી છે.