તાલાલા પોલીસે કથાકારની ફરિયાદ લઈ 4 શખ્સો સામે ગુનો દાખલ કર્યો
ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.15
તાલાલા તાલુકાનાં ભોજદે ગીર ગામના ભાગવત્ કથાકાર રાકેશભાઈ સતિષભાઈ પંડ્યા ને હનીટ્રેપ ની જાળમાં ફસાવી બધુ રફેદફે કરી રૂ.દશ લાખની ખંડણીની માંગણી કર્યાનો પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ થતાં તાલાલા પંથકમાં ભારે ચકચાર ફેલાયેલ છે. તાલાલા પોલીસમાં નોંધાયેલ ગુનાની વિગત એવી છે કે ભોજદે ગીર ગામના ભાગવત્ કથાકાર રાકેશભાઈ સતીષભાઈ પંડ્યા ને ગીતા રબારી તરીકે ઓળખ આપી વોટ્સએપમાં મેસેજ કરી કથાકાર સાથે મિત્રતા કેળવી હતી ત્યારબાદ સગીર યુવતીએ કથાકાર રાકેશભાઈ ને શુક્રવારે મોડીરાત્રે સાંગોદ્રા ગીર ગામની સીમમાં મળવા બોલાવ્યા હતા.કથાકાર રાકેશભાઈ સાંગોદ્રા ગીર ગામની સીમમાં ગયા હતા ત્યારબાદ કરશન રબારી ઉર્ફે. અસ્લમ, તથા ખાન નામના વ્યક્તિઓ મોટરસાયકલ માં આવી મારી બહેન સાથે કેમ આવું કરે છે તેમ કહી રાકેશભાઈનો મોબાઈલ ઝુંટવી લીધો અને સલીમ બાઉદીન લાંઘા ઉર્ફે.દાઉદ ને ભોજદે ગીરથી ફોન કરી બોલાવી રાકેશભાઈ ની અર્ટીગા ગાડી નં.જી.જે.32.એ.જી.2093 લઈ લીધી હતી અને મહિલા મિત્ર સાથે સંબંધ રાખવા બાબતે ફરીયાદ કરવાની બીક બતાવી રૂૂ.સાત હજાર લુંટી લીધાં હતાં ત્યારબાદ પૂર્વયોજિત ગોઠવેલ કાવતરા પ્રમાણે રાકેશભાઈ ને ગાડીમાં બેસાડી રાખી ભુંડી ગાળો આપી વારંવાર માર મારી લોખંડના પાઇપ વડે ગાડીનાં કાચ તોડી નાખી રાકેશભાઈ ને મારી નાખવા ભયભીત કરી ગાડીમાં અપહરણ કરી લીધું હતું ત્યારબાદ આરોપીઓએ આ બધું રફેદફે કરવા માટે રૂૂ.દશ લાખની ખંડણી માંગી રાકેશભાઈ ને ડાબા હાથમાં તથા જમણાં પગમાં લોખંડના પાઈપ વડે મારમારી ફેક્ચર કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ બનાવ અંગે તાલાલા પોલીસે કથાકાર રાકેશભાઈ પંડ્યા ની ફરીયાદ લઈ ગીતા રબારી નામની સગીરા તથા કરશન રબારી ઉર્ફે.અસ્લમ તથા ખાન તથા સલીમ બાઉદીન લાંઘા ચાર શખ્શો સામે બી.એન.એસ.115(2),352,351(2),351(3),117(2),61,309(3),309(4),308(2),126(2),140(2),54,જી.પી.એકટ 135 મુજબ ગુનો દાખલ કરી જમાદાર દેવેન્દ્રભાઈ ગાઘે વધુ તપાસ ચલાવે છે.આ બનાવથી તાલાલા પંથકમાં ભારે ચકચાર જાગી છે.



