ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
સૌરાષ્ટ્રના બીજા નંબરના ભાદર ડેમની સપાટી 31.50 ફૂટ પર પહોંચી
ભાવનગરમાં ગઈકાલે દિવસે વિરામ બાદ રાત્રીના સમયે ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાત્રીના 12 વાગ્યા આસપાસ ત્રણ કલાકમાં 3 ઈંચ વરસાદ વરસ્યો હતો અને વહેલી સવાર સુધી વરસાદ શરૂ રહ્યો હતો. ભાવનગર જિલ્લામાં સિઝનનો 78.81 ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રના સૌથી મોટો શેત્રુંજી ડેમ ઓવરફલો થવાની તૈયારીમાં છે.
રાત્રીના સમયે ભારે વરસાદ શરૂ થતાં શહેરના રસ્તાઓ પર પાણી ભરાયા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિક લોકો મુશ્કેલીમાં મૂકાયા હતા. ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ભાવનગર જિલ્લાના સિહોર, ઉમરાળા, ઘોઘા અને વલ્લભીપુરમાં રાત્રીના સમયે વરસાદ વરસ્યો હતો. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદથી કપાસ, મગફળી સહિતના પાકને ફાયદો થશે.
- Advertisement -
શેત્રુંજી ડેમની સપાટી 33.6 ફુટ પર પહોંચી છે અને 4181 ક્યુસેક આવક શરૂ છે. 6 ઈંચ પાણીની આવક થતાં ડેમ ઓવરફલો થશે. ડેમની કુલ સપાટી 34 ફુટ છે. જ્યારે સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટા ગણાતા ભાદર ડેમમાં પાણીની આવક શરૂ છે. ગોંડલ, લીલાખા પાસે આવેલા ભાદર ડેમમાં પાણીની સપાટી 31.50 ફૂટ પર પહોંચી છે. ભાદર ડેમની કુલ 34 ફૂટની સપાટી છે. આ ડેમ રાજકોટ જિલ્લાને પીવાનું પાણી પુરું પાડે છે.