હુમલો કરનારા ખનિજ માફિયાના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.17
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લા બેફામ ચાલતી ખનિજ ચોરી અને બેફામ થઈ ચૂકેલા ખનિજ માફીયાઓ હવે તંત્રના અધિકારીને પણ ગાંઠતા નથી જેનું મુખ્ય કારણ પણ તંત્રના જ કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ છે કારણ કે આ ખનિજ માફીયાઓ માફક સાપને પહેલા તંત્રે જ ખોળામાં બેસાડીને દૂધ પીવડાવ્યું છે જે બાદ હવે આ સાપ તંત્રના સામે જ ફૂંફાડો ભર્યો છે.
ત્યારે થાનગઢ પંથકના ભડુલા વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર કોલસાના ખનનને રોકવા સોમવારે મોડી રાત્રે મામલતદારની ટીમ જતા ખનિજ માફીયાઓ દ્વારા ટીમ પર હુમલો કર્યો હતો અને ગેરકાયદેસર ખનનમાં વપરાશ થયેલી તમામ વાહનો લઈને નાશી ગયા હતા આ તરફ મામલતદારની ટીમ દ્વારા ત્રણ ખનિજ માફીયાઓ વિરુધ પોલીસ મથકે ગુનો પણ નોંધાવ્યો હતો જે બાદ હવે ફૂંફાડો મરેલા ખનિજ માફિયાની ગરદન ભાંગવા માટે મામલતદાર અને પ્રાંત અધિકારીની ટીમ દ્વારા ખનિજ માફિયાના ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવામાં આવ્યું હતું.
મામલતદારની ટીમ પર હુમલાના બનાવ બાદ મંગળવારે બપોરના સમયે પ્રાંત અધિકારી અને મામલતદાર દ્વારા ભડુલા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ કરી “વ્રજ ફાર્મ” નામના ફાર્મ હાઉસના બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું હતું.
આ તરફ હુમલો કરી નાશી છૂટેલા ખનિજ માફિયાઓને શોધવા માટે જિલ્લા પોલીસની ટીમ દ્વારા સઘન પ્રયાસો હાથ ધર્યા હતા જેમાં મામલતદારની ટીમ પર હુમલો કરનાર ખનિજ માફિયામાં ભરતભાઈ રમેશભાઈ અલગોતર રીઢો ગુન્હેગાર હોવાનું પણ સામે આવ્યું છે આ ભરત અલગોતર વિરુધ અગાઉ રાજકોટ ખાતે ટ્રાફિક જવાન પર છરી વડે હુમલો કરવો, સુરેન્દ્રનગર ખાણ ખનિજ વિભાગ પર હુમલો તથા ફરજમાં રુકાવટ તથા નકલી હથિયાર લાયસન્સ કાંડમાં પણ નામ સામે આવ્યું હતું જ્યારે વર્ષ 2023માં ભરત અલગોતરે પીઢ રાજકીય નેતાના ભાઈ સાથે રહીને થાનગઢ ખાતે ગેરકાયદેસર કોલસાના ધંધામાં પોતાનું પ્રભુત્વ સ્થાપ્યું હતું.
ત્યારે મામલતદારની ટીમ પર હુમલો કરી ખનન કરતા વાહનો લઈ જઈ તંત્રનું નાક કાપી જતા ખનિજ માફિયાના બાંધકામને તોડી પાડી અને કડક કાર્યવાહી કરવાના હવાતિયા મારતું તંત્ર ખનિજ માફિયાને ઝડપી લીધા બાદ કેવી કાર્યવાહી કરે છે ? તે જોવું રહ્યું.



