દેશનું સૌથી મોટું એન્જિનિયરિંગ ઉદ્યોગનું હબ રાજકોટ
ડિફેન્સ અને રેલવે સહિતના સેક્ટરમાં 50% પાર્ટસ સપ્લાય એકમાત્ર રાજકોટ કરે છે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ એ માત્ર રંગીલું, મોજીલું શહેર નથી, પરંતુ રાજકોટે અનેક સફળ ઉદ્યોગકારો પણ આપ્યા છે. ઉદ્યોગ સાહસિકતા, ટેક્નોલોજી, ઇનોવેશન અને ઔદ્યોગિક નીતિના પરિણામે માત્ર ભારત જ નહીં પરંતુ અમેરિકા, યુરોપ, આફ્રિકા, ઇસ્ટ એશિયા, મિડલ ઇસ્ટ સહિતના અનેક દેશમાં ‘મેઈડ ઈન રાજકોટ’ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ્સ થઇ રહી છે. રાજકોટ એટલે ઓટો અને મશીન ટૂલ્સ એન્જિનિયરિંગ ઉદ્યોગનું હબ. જેમાં હાલ 55 હજારથી વધુ માઈક્રો, સ્મોલ અને મીડિયમ ઇન્ડસ્ટ્રીઝ જોડાયેલી છે. રાજકોટની પહેલી જી.આઈ.ડી.સી. વર્ષ 1961માં ભક્તિનગર સ્ટેશન વિસ્તારમાં સ્થપાયેલી. ઔદ્યોગિક ક્ષેત્રે વ્યાપ વધતા સમયાંતરે આજી ઇન્ડસ્ટ્રીઝ, શાપર વેરાવળ, મેટોડા, લોધીકા, બામણબોર, ખીરસરા સહીત રાજકોટના નજીકના વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ ઝોન ઉમેરાતા ગયા. સરકારની દરેક તાલુકા કક્ષાએ એક જી.આઈ.ડી.સી. ક્લસ્ટરની વિભાવનાને સાર્થક કરવામાં આવી રહી છે. રાજકોટ જિલ્લામાં વ્યાપાર-ઉદ્યોગનું ફલક વધતા રાજકોટ, ગોંડલ, જેતપુર, ઉપલેટા, ધોરાજી, જસદણ, કુવાડવા, કોટડા કોટડા સાંગાણી, પડધરી, લોધિકા સહિતના તાલુકામાં પણ કુલ 14 જી.આઈ.ડી.સી. કાર્યરત છે. રાજકોટ શહેર અને જિલ્લામાં ઓટો, મશીન ટૂલ્સ ઉપરાંત કિચનવેર, પ્લાસ્ટિક, કેમિકલ, ફાર્મા, ટોયઝ મળીને વિવિધ સેક્ટરમાં 99,654 મેન્યુફેક્ચરિંગ, 68,080 સર્વિસ સેક્ટર તેમજ 68,403 ટ્રેડિંગ વ્યવસાયિક એકમો કાર્યરત હોવાનું જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર મિતેષભાઇ લાડાણીએ જણાવ્યું છે. જેમાં માત્ર મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે 5.55 લાખ લોકોને રોજગારી મળી રહી છે.
રાજકોટની ઓટો એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રીઝ પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેની ક્ષમતા સાબિત કરી ચુકી છે. રાજકોટમાં બનતા પાર્ટસ અમેરિકન ટેસ્લા, જર્મન મર્સીડીઝ, જાપાની સુઝુકી મોટર્સ સહીત ઇસ્ટ એશિયા, લેટિન અમેરિકા, આફ્રિકા, મિડલ ઇસ્ટ, બાંગ્લાદેશ સહિતના દેશમાં પ્રભુત્વ જમાવ્યું છે. ભારતના સૌથી મોટા એવા રાજકોટના એન્જિનિયરિંગ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રભાઈ પાંચાણીએ આ સફળતા માટે ઉદ્યોગ સાહસિકોની 65 વર્ષની મહેનત સાથો સાથ ભારત સરકારનો પ્રોએક્ટીવ અભિગમ, ઔદ્યોગિક નીતિ અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું વિકસિત ગુજરાતથી વિકસિત ભારતનો અભિગમ કારણભૂત હોવાનું જણાવ્યું હતું.છેલ્લા બે દાયકાથી રાજકોટ શહેર આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્વપૂર્ણ ઔદ્યોગિક હબ તરીકે વિકસી રહ્યું છે. હવેના ઉદ્યોગકારોએ આધુનિક ટેકનોલોજીના સહારે લાંબી હરણફાળ ભરી છે. ક્વોલિટી, ઈન ટાઈમ મેનેજમેન્ટ અને સ્કિલ ડેવલોપમેન્ટ થકી વિશ્વની કંપનીઓનો ભરોસો ઓટો ઇન્ડસ્ટ્રીઝે મેળવ્યો છે. ડીઝલ એન્જિનથી શરૂ થયેલા ઔદ્યોગિક સેક્ટર હવે ગ્લોબલ પ્રભુત્વ ધરાવે છે. હાલ રાજકોટના 50 ટકા જેટલા એકમો એક્સપોર્ટ કરી રહ્યા છે. ‘આત્મનિર્ભર ભારત’ અને સ્વદેશી અભિયાનના કારણે સરકાર સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન પૂરું પાડી રહ્યું છે. વિદેશી નવી ટેક્નોલોજી અને અવનવા પાર્ટસ બનવવાનું સૌભાગ્ય મળ્યું છે. ખાસ કરીને ડિફેન્સ, રેલવે સહિતના સેક્ટરમાં 50 ટકાથી વધુ પાર્ટ્સ જે પહેલા ઈમ્પોર્ટ કરવા પડતા તે હવે રાજકોટના 100 જેટલા એકમો સપ્લાય કરી રહ્યા છે. એરોસ્પેસ ક્ષેત્રે પણ હવે રાજકોટ હબ બનતું જાય છે, ત્યારે રાજકોટ ઓટો પાર્ટ્સ એન્જિનિયરિંગ ક્ષેત્રે આવનારા દિવસોમાં બહુમૂલ્ય યોગદાન પૂરું પાડશે તેમ ચોક્કસ કહી શકાય. રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રભાઈ પાંચાણીએ રાજકોટ ખાતે યોજનારી વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ અંગે જણાવ્યું કે, રીજનલ કોન્ફરન્સ ફોર્મેટથી સૌરાષ્ટ્ર કચ્છના ઉદ્યોગકારોને ગ્લોબલ પ્લેટફોર્મ મળશે. રીજનલ કોન્ફરન્સ રાજકોટ ખાતે યોજાઈ રહી છે, ત્યારે ભારતનું સૌથી મોટું એન્જિનિયરિંગ ઉદ્યોગ હબ રાજકોટ બિઝનેસની તક ઝડપી લેવા આતુર છે.
સિરામિક ઉદ્યોગને જરૂરી મશીનરી રાજકોટમાં નિર્માણ થાય છે
પ્રિ વાઇબ્રન્ટ સમિટ – 2023 અંતર્ગત મોરબી સિરામિક એસોસિએશન અને રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન વચ્ચે ખજ્ઞઞ થવાથી બંને ઉદ્યોગોને વેગ મળ્યો છે. સિરામિક ઉદ્યોગને જરૂરી મશીનરી રાજકોટમાં નિર્માણ થઇ રહી છે. આથી મશીનરીની આયાત બંધ થતાં દેશનું હૂંડિયામણ પણ બચાવી શકાયું છે.
રાજકોટ જિલ્લામાં વ્યાપાર-ઉદ્યોગ
- Advertisement -
5,55,000 લોકોને રોજગારી
99,654 મેન્યુફેક્ચરિંગ યુનિટ
68,403 ટ્રેડિંગ વ્યવસાયિક એકમો
68,080 સર્વિસ સેક્ટર
55,000 એન્જિનિયરિંગ એકમ
ક્ષ સૌરાષ્ટ્ર ઉદ્યોગને મળશે વિશેષ એક્સપોઝર
ક્ષ રાજકોટનો ઓટો પાર્ટ્સ અને મશીન ટૂલ્સ
ક્ષ જામનગરનો બ્રાસ પાર્ટ
ક્ષ મોરબીનો સિરામિક ઉદ્યોગ
ક્ષ જુનાગઢનો માઇન્સ ઉદ્યોગ
ક્ષ કચ્છનો હસ્તકલા ઉદ્યોગ અને પ્રવાસન ઉદ્યોગ



