ભગવાન શ્રી મહાવીરના રંગે રંગાશે રાજકોટના જૈન-જૈનેતરો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.11
- Advertisement -
છેલ્લા સાત વર્ષથી સમસ્ત જૈન સમાજના જૈનમ્ના સથવારે ભગવાન શ્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણકની ઉજવણી કરી રહેલ છે. આ પરંપરા અનુસાર આ આઠમા વર્ષે પણ આ મહોત્સવ ખૂબ રંગેચંગે અનેકવિધ કાર્યક્રમોની હારમાળા સાથે યોજાવા જઈ રહ્યો છે ત્યારે જૈનમ્ પરિવારના મિત્રો આજરોજ પ્રેસ મુલાકાતે આવ્યા હતા તેમના દ્વારા આ મહોત્સવમાં થનાર ઉજવણી અંગે સંપૂર્ણ માહિતી પુરી પાડી હતી. આ વર્ષે પણ મણીઆર દેરાસરથી પ્રારંભ થઈને દર્શનીય એવી ધર્મયાત્રા પ્રસ્થાન કરશે, જે રાજમાર્ગ પર ફરીને સ્થાનકવાસી જૈન મોટા સંઘ ખાતે પૂર્ણ થઈ ધર્મસભામાં પરિવર્તિત થશે. આ યાત્રામાં બહોળી સંખ્યામાં જૈન-જૈનેતરો જોડાવાના છે. સંગીતની સુરાવલીઓ રેલાવતા બેન્ડ, 25થી પણ વધારે ભગવાનના જીવનના અલગ અલગ સંદેશ આપતા ફ્લોટ્સ, 100થી વધુ કાર જેના ઉપર અષ્ટમંગલના ચિન્હો લગાડવામાં આવશે. ભાતીગળ વેશભૂષામાં સજ્જ રાસ-મંડળ પોતાનો અનેરો રાસ રજૂ કરશે. 200થી વધુ બાઈક, કળશધારી બહેનો, નવપદના નવ અલગ અલગ સ્ટેજ જેમાં દરેક સ્ટેજ ઉપર બાર બાળકો એમ મળીને માળાના મણકાં જેટલા 108 બાળકો આ ધર્મયાત્રાને વધાવશે. ભગવાનના બાળ સ્વરૂપનું વિર પ્રભુનું પારણું જેમાં ભગવાન મહાવીરના માતા ત્રિશલા દેવીને આવેલા 14 સ્વપ્નો તેમજ ભગવાનનું ચાંદીનું પારણું અનેકવિધ આંગી, ફૂલ અને ફળોના શણગારથી બનાવેલ મંડપમાં શણગારવામાં આવશે જેમાં શ્રાવકો ભગવાનના બાળ સ્વરૂપને પારણે ઝુલાવીને અનેરો લ્હાવો લઈ શકશે.
રસ્તામાં અનેકવિધ સંસ્થાઓ, જ્ઞાતિના આગેવાનો, ધાર્મિક સંસ્થાઓ, રાજકીય પક્ષ, એન.જી.ઓ. દ્વારા ઠેર ઠેર આ ધર્મયાત્રાનું સ્વાગત કરવામાં આવશે. ભગવાન શ્રી મહાવીર સ્વામી આખા ચાંદીના બનેલા રથમાં બિરાજમાન થશે. આ રથને પૂજાની જોડમાં સજજ શ્રાવકો દ્વારા વહન કરવામાં આવશે અને આ યાત્રામાં ઠેર ઠેર પ્રભુ મહાવીરના અક્ષતથી વધામણા કરવામાં આવશે. ધર્મયાત્રાના રૂટ ઉપર ઠેર ઠેર ઠંડા પાણી, શરબત, લીંબુપાણી સહિતની સેવા પણ આપવામાં આવશે. આ ધર્મયાત્રામાં વંદનીય સાધુ-સાધ્વીજી ભગવંતો, શ્રાવક-શ્રાવિકાઓ, મહિલાઓ, યુવાનો, બાળકો સહિતના જૈન-જૈનેતરો જોડાશે. સ્પર્ધા દ્વારા નાના ભૂલકાઓ ભગવાન મહાવીરના જીવનને લગતા પ્રસંગોને અનુરૂપ વેશભૂષા ધારણ કરી લોકોનું ધ્યાન આકર્ષિત કરશે.
આજરોજ ‘ખાસ-ખબર’ની મુલાકાતે જૈનમ્ પરિવારના સભ્યો નિલેશભાઈ ભલાણી (ભીમભાઈ), જીતુભાઈ લાખાણી, ઉદયભાઈ ગાંધી, બ્રિજેશભાઈ મહેતા, ભાવિનભાઈ ઉદાણી, અતુલભાઈ મહેતા, જીતુભાઈ મારવાડી, નિલેશભાઈ શાહ, નિલેશભાઈ કામદાર સહિતના સભ્યો આવ્યા હતા અને મહોત્સવને લગતી માહિતી આપી હતી.
- Advertisement -
નાનાં બાળકો ભગવાન મહાવીરના પ્રસંગોને ચિત્ર સ્પર્ધાના સ્વરૂપમાં કાગળ ઉપર તાદ્દશ્ય કરશે
આ ઉજવણી અંતર્ગત ભગવાન મહાવીરના જીવન ઉપર આધારીત ખાસ બાળકો ઉપરાંત મોટેરાઓને પણ જોવી ગમે તેવી એનિમેશન ફિલ્મ પણ બતાવવામાં આવશે. આ ઉપરાંત સ્પર્ધાના માધ્યમથી સુંદર રંગોળીઓ પણ રચવામાં આવશે. નાના બાળકો ભગવાન મહાવીરના પ્રસંગોને ચિત્ર સ્પર્ધાના સ્વરૂપમાં કાગળ ઉપર તાદ્દશ્ય કરશે. એક અનુકંપા રથ જેમાંથી આ રૂટ ઉપર ધર્મયાત્રા નિહાળવા આવેલા ભાવિકોને સંઘશેષનું વિતરણ કરવામાં આવશે. સમગ્ર ધર્મયાત્રાના રૂટ ઉપર આકર્ષક રંગોળીઓ રચવામાં આવશે. ધર્મયાત્રા પૂર્ણ થયે ધર્મસભા યોજાશે. જેમાં પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતો પ્રેરક આશીર્વચન પાઠવશે. આ ધર્મસભામાં વેશભૂષા સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, લક્કી ડ્રોના વિજેતાઓને ઈનામોથી નવાજવામાં આવશે. ધર્મસભા પૂર્ણ થયા બાદ જૈન-જૈનેતરો ગૌતમ પ્રસાદનો અનેરો લહાવો માણશે. આમ અનેકવિધ કાર્યક્રમોથી સભગ ભગવાન શ્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવ યાદગાર, શાનદાર, જાનદાર બનવા જઈ રહ્યો છે ત્યારે સમસ્ત રાજકોટના જૈન સમાજના આ પ્રસંગે જોડાવવા રાજકોટના જૈન સંઘ, દેરાસર, ગ્રુપ, સંસ્થા, મંડળ તેમજ જૈનમ્ પરિવાર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.