રશિયા – યુક્રેનમાં યુદ્ધની તૈયારીઓ : અમેરિકાએ 8,500 સૈનિકોને ‘હાઈ એલર્ટ’ પર રાખ્યા
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિને ધ્યાનમાં રાખીને યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા જોન કિર્બીએ ગઈકાલે કહ્યું કે, અત્યારે 8500 અમેરિકન સૈનિકોને ‘હાઈ એલર્ટ’ પર રાખવામાં આવ્યા છે. આ સૈનિકોમાં લડાયક ટીમો, આરોગ્ય કર્મચારીઓ, ગુપ્તચર અને સર્વેલન્સ ટીમોનો સમાવેશ થાય છે.
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધનો ખતરો વધી રહ્યો છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સે પૂર્વ યુરોપમાં તૈનાત માટે 8,500 અમેરિકન સૈનિકોને ‘હાઈ એલર્ટ’ પર મૂક્યા છે. અમેરિકી રક્ષા વિભાગ પેન્ટાગોનના પ્રવક્તા જોન કિર્બીએ ગઈકાલે આ જાણકારી આપી. તેમણે કહ્યું કે, 8,500 અમેરિકન સૈનિકો હાઈ એલર્ટ પર છે. આ સૈનિકોમાં લડાયક ટીમો, આરોગ્ય કર્મચારીઓ, ગુપ્તચર અને સર્વેલન્સ ટીમોનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે, ‘અત્યાર સુધી આ સૈનિકોની તૈનાતી માટે કોઈ આદેશ જાહેર કરવામાં આવ્યો નથી, ન તો તેમને કોઈ મિશન સોંપવામાં આવ્યું છે.’
- Advertisement -
પૂર્વ યુરોપમાં નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશનને મજબૂત કરવા માટે યુએસ સૈનિકો તૈનાત કરવામાં આવી શકે છે. જ્હોન કિર્બીએ કહ્યું કે, અમેરિકી સૈનિકોની તૈનાતી નાટો સૈન્ય ગઠબંધન દ્વારા રેપિડ રિએક્શન ફોર્સને સક્રિય કરવાના નિર્ણયને અનુસરશે. તેમણે કહ્યું કે, ‘જો રશિયન સેનાની તૈનાતીને કારણે ગંભીર સ્થિતિ સર્જાશે તો અમેરિકન સૈનિકોને તૈનાત કરવામાં આવશે. યુક્રેનમાં યુએસ સૈનિકો તૈનાત કરવાની હાલમાં કોઈ યોજના નથી.’
અત્યારે રશિયા યુક્રેનની સરહદ પર સતત સૈનિકો તૈનાત કરી રહ્યું છે. તાજેતરના અહેવાલોમાં ખુલાસો થયો છે કે, રશિયાએ અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 1 લાખ સૈનિકોને યુક્રેનની સરહદ પર મોકલ્યા છે. નાટો એ યુરોપ અને ઉત્તર અમેરિકાના 30 દેશોનું સંગઠન છે.
જેમાં ફ્રાન્સ, બેલ્જિયમ, લક્ઝમબર્ગ, બ્રિટન, નેધરલેન્ડ, કેનેડા, ડેનમાર્ક, આઈસલેન્ડ, ઈટાલી, નોર્વે, પોર્ટુગલ, જર્મની, અમેરિકા અને તુર્કી જેવા દેશોનો સમાવેશ થાય છે. રશિયાના મોટા જોખમને ધ્યાનમાં રાખીને નાટોની રચના કરવામાં આવી હતી. આ સંધિ હેઠળ, ગઠબંધનના કોઈપણ દેશ પર થનારો હુમલો સમગ્ર નાટો પર હુમલો માનવામાં આવશે અને આ સંગઠન દુશ્મનો પર કાર્યવાહી કરવા માટે સ્વતંત્ર હશે.
- Advertisement -
જો બાઈડન રશિયાને ધમકી આપી :
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિને જોતા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને તાજેતરમાં રશિયાને ધમકી આપી હતી. તેમણે કહ્યું કે, ‘અમને લાગે છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુક્રેન પર હુમલો કરશે; કારણ કે સરહદ પર 1 લાખથી વધુ સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે. જો કે, અમારો યુદ્ધ છેડવાનો કોઈ વિચાર નથી.’ બાઈડને કહ્યું કે, તેઓ માને છે કે વ્લાદિમીર પુતિન યુક્રેન સાથે સંપૂર્ણ યુદ્ધ ઈચ્છતા નથી, પરંતુ જો તેઓ લશ્કરી આક્રમણ સાથે આગળ વધશે તો તેમને ‘કિંમત’ ચૂકવવી પડશે.