કારીગર સોનું, એડવાન્સ બે લાખ સહિત 9.25 લાખની મત્તા લઇ નાસી છૂટયો
A ડીવીઝન પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.9
રાજકોટની સોની બજારમાં અગાઉ દાગીના બનાવવાનું કામ કરતા અનેક કારીગરોને બંગાળી કારીગરો શીશામાં ઉતારી લાખો-કરોડો રૂપિયાનું સોનું લઇ વતન ભાગી ગયાની અનેક ફરિયાદો નોંધાઈ ચુકી છે ત્યારે વધુ એક કિસ્સામાં સોની વેપારી પાસેથી કારીગર એડવાન્સ બે લાખ, વજનકાંટો અને સોનું સહીત 9,24,967 રૂપિયાની મતા લઇ પલાયન થઈ જતા એ ડીવીઝન પોલીસે છેતરપીંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
- Advertisement -
રાજકોટના ગુંદાવાડીમાં રહેતા અને હાથીખાના સિલ્વર માર્કેટમાં કાકા અને ભાઈ સાથે રત્નાકર ગોલ્ડ નામે દાગીના બનાવવાનું કામ કરતા વિનીતભાઈ રમેશભાઈ ભૂવા ઉ.30એ પશ્ચિમ બંગાળના મેદનીપુરના બબલુ ધોરાઈ સામે એ ડીવીઝનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે બબલુ આઠ મહિનાથી જોબ વર્ક કરતો હતો અમે સોનું આપતા અને તે દાગીના આપી જતો હતો તેને 41 હજારનો વજનકાંટો અને જાન્યુઆરીમાં બે લાખ એડવાન્સ પેટે આપ્યા હતા તે થોડા દિવસ કામ કરી વતનમાં જતો રહેતા ફોન કરી વજનકાંટો માંગતા પત્ની બીમાર છે હું આવી કામ કરી રૂપિયા આપી દઈશ તેમ વાત કરી હતી બાદમાં 19 માર્ચે 22 કેરેટનું 81.770 ગ્રામ સોનું આપ્યું હતું 20 તારીખે કામ જોવા જતા તે રાત્રે શરુ કરશે તેમ કહ્યું હતું બીજા દિવસે તે દુકાને હાજર ન હોય ફોન પણ સ્વીચ ઓફ આવતો હોય ફરિયાદ નોંધાવતા પીઆઈ બોરીસાગર સહિતે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.



