‘બચ્ચે તેરા કલ્યાણ હો જાયેંગા’ કહી કારખાનેદારની સોનાની માળા લઈ ફરાર
2.20 લાખનો ચેઇન આપતા જ બંને કાર લઈને રફુચક્કર થઈ ગયા હતા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ જિલ્લાના ગોંડલના મોવિયાના વૃધ્ધ કારખાનેદારને દિવાળી પર્વમાં રસ્તામાં ભટકેલ સાધુએ બચ્ચે તેરા કલ્યાણ હો જાયેંગા કહીં 2.20 લાખની સોનાની માળા લઈ કારમાં ફરાર થઈ જનાર સાધુ અને તેની સાગરીત એવા થાનની બેલડીને રૂરલ એલસબીની ટીમે દબોચી લઈ સોનાની માળા કબ્જે કરી છે.
ગોંડલના મોવિયા ગામે ભાલાળા શેરીમાં રહેતાં કાન્તીભાઇ ઘુસાભાઇ ભાલાળા ઉ.63 નામના કારખાનેદારએ અજાણ્યો સાધુ અને સફેદ કલરની કારના ચાલક સામે ગોંડલ તાલુકા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તે ખેતીકામની સાથે ગોંડલ માર્કેટીંગ યાર્ડમા અક્ષય એન્ટરપ્રાઇઝ નામની પેઢી તેમજ સુભાંગ પ્રોડકટ નામની મોવીયા ગામે ફેકટરી ધરાવી વેપાર કરે છે. ગઇ તા.2 ના રોજ સવારે માંડણકુંડલા રોડ ઉપર માંડણ આશ્રમ પાસે આવેલ વાડીએ આંટો મારવા ગયેલ હતાં. વાડીએથી ઘરે આવતાં હતાં ત્યારે મોવીયામાં ગોવિંદનગર બસ સ્ટેન્ડથી શ્રીનાથગઢના દરવાજા તેરીકે ઓળખાતા વિસ્તારમા પહોંચતા પાછળથી એક સફેદ કલરની કાર આવેલ અને હોર્ન મારતી હોય જેથી તેને સાઇડ આપતા તેને કાર આગળ કરી કાર ચાલકે ગાડી ઉભી રાખી તેને કહેલ કે, બાપુ દિગમ્બર અઘોરી ગીરનારી છે તે શીવરાત્રીના મેળામા પોતે લંગોટથી ગાડી ખેંચે છે અને પોતે એક મહાત્મા છે જેના દર્શન કરવા તે એક લાહવો છે તેમ વાત કરેલ હતી જેથી તે બાઈકમાંથી નિચે ઉતરી મહાત્મા સાધુના દર્શન કરેલ અને ગાડીમાં બેસેલ સાધુ મહાત્માએ તેના શરીરે ભભુતી ચોપડેલ હોય અને સાધુએ કહેલ કે, બચ્ચે તેરા કલ્યાણ હો જાયે જેથી કાર ચાલકે જણાવેલ કે, તમે કંઈક આપો તો તમારૂ જે કંઈ પણ દુ:ખ દર્દ કે આર્થીક મુશ્કેલીઓ હોય તે દુર થઇ જશે જેથી સાધુને 20ની નોટ આપતા તે સાધુએ તેમની પાસે એક રૂદ્રાક્ષનો પારો હોય જે 20ની નોટમા મુકી પડીકુ વાળી પરત આપી કહેલ કે, આ રૂદ્રાક્ષના પારા વાળી નોટ ઘરમા સાચવીને રાખજે, તારૂ કલ્યાણ થઇ જશે, બાપુ દિવ્યદર્શન ભાગ્યે જ કોઇને આપે છે તેમ કહી સાધુએ કહેલ કે, તારા ગાળામા જે માળા છે તે હુ વીધી કરી તને પાછી આપી દઈશ તેમ કહીં વિશ્વાસ આપતા તેઓએ ગળામા રહેલ સોનાની માળા તે સાધુને આપેલ અને વાતચીત દરમિયાન કાર ચાલકે એકદમ ગાડી ચલાવી ગોવિંદનગર બસ સ્ટેન્ડ તરફ જતો રહેલ હતો 2.20 લાખની સોનાની રૂદ્રાક્ષની માળા લઈ નાસી છૂટ્યા હતાં.
- Advertisement -
બનાવ અંગેની ફરીયાદ પરથી ગોંડલ તાલુકા પોલીસે બેલડીની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન રૂરલ એલસીબી પીઆઈ વિજય ઓડેદરા અને ટીમે બાતમી આધારે સુરેન્દ્રનગર જિલ્લાના થાનના વાદીપરામાં રહેતા નેનુંનાથ ઉર્ફે મુન્નાનાથ જવરનાથ સોલંકી અને સૂરજનાથ જવરનાથ સોલંકીની ધરપકડ કરી તેની પાસેથી સોનાનો ચેઇન, કાર, રોકડ સહિત 2,75,500નો મુદામાલ કબજે કર્યો છે પ્રાથમિક પૂછટાછમાં ગોંડલ ઉપરાંત સુલતાનપૂરના દેવડા ગામે તેમજ અમરેલીના બાબરા અને ચરખા ગામે પણ આ જ પ્રકારના ગુના આચર્યા હોવાની કબૂલાત આપી હતી.